નવા વર્ષની શરૂઆત સાથે જ ગુજરાત સરકારે એક નવું ફરમાન જારી કર્યું છે. જે અંતર્ગત હવે સ્કુલોમાં વિદ્યાર્થીઓએ હાજરી સમયે ‘જય હિન્દ’ કે ‘જય ભારત’ બોલવું પડશે. હવેથી ગુજરાતની સ્કુલોમાં હાજરી પુરાતી હોય તે સમયે બાળકો યશ સર કે યશ મેડમ, પ્રેઝન્ટ સર અને મેમ નહીં પરંતુ જય ભારત, જય હિન્દ બોલશે. ત્યારે જ તેમની હાજરી પુરાશે. સરકારનું માનવું છે કે આવું કરવાથી સ્કુલના બાળકોમાં દેશભકિતની ભાવના વધશે.
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના બાળકોને પોતાની હાજરી જય હિન્દ કે જય ભારત બોલીને પુરાવવાની રહેશે. યશ સર અને યશ મેમ બોલવાથી હાજરી નહીં પુરી શકાય. આ નોટિફીકેશન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે જારી કર્યું છે. મહત્વનું છે કે રાજયમાં ધોરણ ૧ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓ જય હિન્દ કે જય ભારત બોલીને હાજરી પુરાવવાની રહેશે. સ્કુલ પ્રશાસનને આજથી જય હિન્દ જય ભારત બોલવું પડશે તેવો આદેશ અપાયો છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ મધ્યપ્રદેશની પૂર્વ શિવરાજ સરકારે સ્કુલોમાં હાજર રહેવા દરમિયાન વિદ્યાર્થીઓ યશ સર કે યશ મેડમની જગ્યાએ જય હિન્દ સર તેમજ જય હિન્દ મેડમ કહેવું પડશે તેવો આદેશ જારી કર્યો હતો. સરકારના જણાવ્યા પ્રમાણે આ ફરમાન દેશભકિતની ભાવના જાગૃત કરવામાં આવ્યું હતું.