જીએસટી તથા સ્ટેમ્પ ડયુટીમાં રાહત અને વધુ FSIનો ફાયદો અપાય તેવી ધારણા
રાજયમાં અનેક સોસાયટીઓ, કોમ્પ્લેક્ષો, રી-ડેવલોપમેન્ટની ઝંખના કરે છે. રી-ડેવલોપમેન્ટ કરવા અત્યાર સુધી રાજયમાં નિયમો ખુબ જ કડક હતા પરંતુ સરકાર હવે મહારાષ્ટ્રની પોલીસીની તર્જ પર નિયમો હળવા કરવાની તૈયારીમાં છે.
હાઉસીંગ રી-ડેવલોપમેન્ટ માટે રાજય સરકાર ટુંક સમયમાં પ્રોત્સાહનોનો ખજાનો લઈ આવશે. સુત્રો અગાઉ જણાવી ચુકયા છેકે સરકારની નવી પોલીસી હેઠળ આગામી સમયમાં સોસાયટી કે કોમ્પ્લેક્ષના ૬૦ થી ૭૦ ટકા રહેવાસીની મંજુરી હશે તો પણ રી-ડેવલોપમેન્ટ થઈ શકશે. અત્યારસુધી તમામ રહેવાસીઓની મંજુરીની આવશ્યકતા રહેતી હતી. જોકે રી-ડેવલોપમેન્ટ માટે પ્રોત્સાહન આપવા જરૂરી છે. જેથી જીએસટીમાં રાહતો, એફએસઆઈમાં ફાયદો, સ્ટેમ્પ ડયુટીમાં રાહત સહિતના પ્રોત્સાહનો રાજય સરકાર આપી શકે છે. આ મામલે અર્બન રી-ડેવલોપમેન્ટ હાઉસીંગ સોસાયટી વેલફેર એસોસીએશન દ્વારા રજુઆતો કરવામાં આવી છે. અગાઉ આ સંસ્થાના જીતેન્દ્ર શાહ રાજય સરકારને મહારાષ્ટ્રની રી-ડેવલોપમેન્ટ પોલીસીની જેમ નવી પોલીસી ઘડવા રજુઆત કરી ચુકયા છે.
સરકારની રી-ડેવલોપમેન્ટ પોલીસીને સફળતા ત્યારે જ મળશે જયારે જીએસટી તેમજ સ્ટેમ્પ ડયુટીમાં રાહત અપાશે. ઉપરાંત એફએસઆઈમાં સરકાર ફાયદો કરી આપશે તેવું માનવામાં આવી રહ્યું છે માટે સરકાર આ સુચનો ઉપર ખાસ ધ્યાન આપી રહી છે.