પાણી પહેલા પાળ બાંધતી સરકાર

દેશના અર્થતંત્રને ૫ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવા આર્થિક ઉદ્ધાર માટે બનાવાયેલા રોડ મેપમાં કૃષિને મુખ્ય આધાર ગણાવીને દેશની ઉન્નતિ માટેના પગલાઓ ભરવાની કવાયત વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા ખેતી ક્ષેત્રમાં ધડમુળથી ફેરફાર કરાવતા ખેતી વિષયક સુધારા ધારા સામે ઉભા થયેલા રાજકીય વિરોધ અને અસમંજસની પરિસ્થિતિ વચ્ચે સરકારે પાણી પહેલા જ પાળ બાંધવાની રણનીતિના ભાગરૂપે સરકારે ખેડૂતોને ટેકાના ભાવ વધારાની રાહત આપીને કૃષિ બીલ પરત્વે સાનુકુળ વાતાવરણ ઉભુ કરવાની સફળ કવાયત હાથ ધરી છે. વર્તમાન સમયમાં ખેતી અને ખેડૂતો અનેક રીતે પુરતી વ્યવસ્થાનો અભાવ ભોગવી રહ્યાં છેે ત્યારે સરકારે ખેતીને સમૃધ્ધ અને સધ્ધર બનાવવા માટે કૃષિ કાયદામાં મહત્વના ફેરફારો કરીને કોન્ટ્રાકટ ફાર્મિંગ અને ખેતીની જણસોને આવશ્યક ચીજવસ્તુ ધારામાંથી મુક્તિ આપવા જેવા મહત્વના પગલાઓ ભરવાનું શરૂ કર્યું છે. સરકાર માટે અતિ આવશ્યક બનેલા કૃષિ બીલ પારિત થતાની સાથે જ વિરોધ પક્ષની સાથે સાથે એનડીએના સહયોગીમાં પણ નારાજગી ઉભી થઈ હતી અને શિરોમણી અકાલી દળના મંત્રી હરસીમરત કૌરે મંત્રી મંડળમાંથી રાજીનામુ આપી દીધું હતું. પંજાબ અને હરિયાણામાં મોટાપાયે વિરોધ વંટોળ ઉભા થયા હતા અને આ વિરોધની હવા સમગ્ર દેશમાં ફેલાય અને ખેડૂતોને સરકાર વિરોધી પક્ષો હાથો બનાવીને દેશનું વાતાવરણ બગાડે તે પહેલા જ સરકારે પાણી પહેલા પાળ બાંધવાની રણનીતિનો અમલ શરૂ કરી દીધો હતો અને ૨ કૃષિ બીલ પારીત થયાના બીજા જ દિવસે કેન્દ્ર સરકારે રવી સીઝનના ૬ મુખ્ય પેદાશોના ટેકાના ભાવોમાં ૨ થી ૬ ટકા જેટલા વધારાની જાહેરાત કરી કઠોળ અને તેલિબીયા પકવતા ખેડૂતોને લાભના લાડવા ખવડાવી દીધા છે.

કૃષિ પ્રધાન ભારતમાં વર્તમાન કોરોના કટોકટી અને વૈશ્ર્વિક મંદીમાંથી ઉગરવા અને અર્થતંત્રને ૫ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવા માટે તૈયાર કરાયેલા રોડ મેપના લક્ષ્યને સિધ્ધ કરવા માટે સરકાર અને અર્થ શાસ્ત્રીઓ પાસે કૃષિ ક્ષેત્રના વિકાસ અને ઉત્પાદન ક્ષમતા વધારવા સીવાય કોઈ છુટકો નથી. સરકારે ખેડૂતોને રિઝવવા માટે ટેકાના ભાવ વધારવાની ચિવટ દાખવી છે. ગઈકાલે જાહેર થયેલા ટેકાના ભાવમાં કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ૬ મુખ્ય રવી પાકોના ટેકાના ભાવો વધારવાની જાહેરાત કરી હતી. જેમાં ઘઉંમાં ક્વીન્ટલે ૫૦ રૂપિયા વધારી રૂા.૧૯૭૫ ઉપરાંત ચણા, સૂર્યમુખી, રાય સહિતના ૬ પાકોમાં ટેકાના ભાવો વધારો કરી દીધા છે. સરકારે છેલ્લા છ વર્ષ ગાળા દરમિયાન ટેકાના ભાવની ખરીદી માટે ૭ લાખ કરોડની ચૂકવણી કરી છે. નવા ભાવો મુજબ હલકા ધાનમાં ૫ મણે ૭૫ રૂપિયાનો વધારો ૧૬૦૦ રૂપિયા, રાયમાં ૨૨૫ વધારી ૪૬૫૦, સૂર્યમુખીમાં ૧૧૨નો વધારો કરી ૫૩૨૭નો ભાવ વધારો જાહેર કર્યો છે. ચણા અને મઠમાં ૭૮ ટકાનો ભાવ વધારો આધાનમાં પણ વધારો નોંધાયો છે. સંસદમાં બીલ પાસ થતાંની સાથે જ દેશમાં આ મુદ્દો રાજકીય રંગ પકડે તે પહેલા સરકારે નુકશાન નિયંત્રણ માટેના પગલાઓ લઈને ખેડૂતોને રિઝવવાના પ્રયાસોમાં સફળતા મેળવી છે.

સરકારે ખેતી વિધેયક લાવીને ખેતીને ઉત્તમ બનાવી વેપારના માધ્યમથી વિકાસનો રોડ મેપ તૈયાર કર્યો છે. નવા કૃષિ બીલમાં રહેલી જોગવાઈમાં ખેડૂતો પાસેથી મોટા વેપારીઓ અને સંસ્થાનો સીધી જ જણસી ખરીદી કરી શકશે અને આ નવી વ્યવસ્થાથી એપીએમસી એટલે કે માર્કેટીંગ યાર્ડનું ક્ધસેપ્ટ ખત્મ થઈ જશે. નવા વિધેયકમાં કોન્ટ્રાકટ ફાર્મિંગની જોગવાઈ સરળ બનાવવામાં આવી છે. જેનાથી કૃષિ ક્ષેત્રમાં મલ્ટીનેશનલ કંપનીઓનું આગમન સેવાઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે લાંબી કવાયત બાદ કૃષિ ક્ષેત્રના પરિવર્તન માટેના કાયદાને લાગુ કરી ૨.૯ ટ્રીલીયનના અર્થતંત્રના ૧૫ ટકાનો હિસ્સો ધરાવતા કૃષિ ક્ષેત્રના વિકાસ અને ૨.૯ ટ્રીલીયનના અર્થતંત્ર અને ભારતની ૧.૩ બીલીયન વસ્તી સાથે સંકળાયેલા રોજગારને સ્પર્શતો મુદ્દો ઉઠાવ્યો છે.

વિપક્ષ અને ખેડૂત સંગઠનો આ કાયદાનો વિરોધ કરીને આક્ષેપ કર્યો છે કે, સરકારે સંસદમાં યોગ્ય ચર્ચા વિચારણા અને પ્રક્રિયા વગર જ સંસદમાં આ કાયદો પસાર કરી દીધો છે. નવા કૃષિ વિધેયકમાં રહેલી મહત્વની જોગવાઈમાં ખેતીની ચીજવસ્તુ ઉગાડનાર ખેડૂતો સીધો જ પોતાનો માલ મોટા વેપારીઓને વેંચી શકશે. ઘણી ખેડૂત સંસ્થાએ તેનો વિરોધ કરી તર્ક કર્યો છે કે, આ કાયદાથી નાના ઉત્પાદકોને ખુબજ ઓછા નફે માલ વેંચી નાખવો પડશે. દેશમાં મોટાભાગના ખેડૂતો પાસે ૨ હેકટર એટલે કે, ૫ એકરથી પણ ઓછી જમીન છે તેને મોટા ખરીદદારો પાસે માલ વેંચતી વખતે વ્યાજબી ભાવ મેળવવામાં મુશ્કેલી થશે. હાલની માર્કેટીંગ યાર્ડની વ્યવસ્થા સમયસર પૈસા મળી જાય છે. હરરાજીમાં માલની ગુણવત્તા મુજબની કિંમત મળે છે જે આ નવા કાયદામાં ભુતકાળ બની જશે. ભારતમાં અનાજના કોઠાર ગણાતા પંજાબ અને હરિયાણાના ખેડૂતોને એવી દહેશત છે કે, મોટી સંસ્થાઓ ખેડૂતો પાસેથી સીધો માલ ખરીદી લેશે તો રાજ્ય સરકારને થતી કરની આવક ગુમાવવી પડશે જે અત્યારે ખરીદદારો ખરીદી પર ચૂકવે છે. કૃષિ ઉત્પાદનો અને બજાર સમીતી, માર્કેટીંગ યાર્ડના ૫૫ વર્ષ જૂની વ્યવસ્થામાં અત્યાર સુધી ખેડૂતોને ફરજિયાતપણે ૭૦૦૦ જથ્થાબંધ વેપારીની વ્યવસ્થા અને કમિશન એજન્ટની વ્યવસ્થાથી ખેડૂતોને મોટા માથા જેવા જાયન્ટ ખરીદદારોથી રક્ષણ મળે છે. આ જૂની વ્યવસ્થામાં કમિશન એજન્ટ જોડાયેલા હોવાથી વેપારીઓ અને ખેડૂતો વચ્ચે વ્યવહારીક સંકલન જળવાઈ રહે છે. અત્યારની વ્યવસ્થા આ નવા કાયદામાં પડી ભાંગશે અને ખેડૂતો પાસેથી મહાકાય વેપારીઓ સીધો જ માલ ખરીદી શકશે. જેનાથી ખેડૂતોને ગરજના ભાવે માલ વેંચવાની ફરજ પડે તેવી દહેશત વ્યકત કરવામાં આવી છે.

સરકારે આ કાયદા થકી ખેતીને આમુલ પરિવર્તનના પંથે લઈ જવાનો રોડ મેપ તૈયાર કર્યો છે. આ નવા કાયદાની જોગવાઈમાં કોન્ટ્રાકટ ફાર્મિંગથી ખેતી ક્ષેત્રે મહાકાય કંપનીઓ અને મોટા ખેડૂતોનું આગમન થશે જેનાથી ખેતીનો વિકાસ, પડતર જમીનોનો વપરાશ વધશે. ખેતીના ખર્ચ માટેના નાણાની કોઈ ખેંચ નહીં રહે અને ઉત્પાદન અને માલની ગુણવત્તામાં વધારો થશે. રોજગારી વધશે પણ સાથે સાથે ભય સ્થાનો પણ સેવાઈ રહ્યાં છે. કોન્ટ્રાકટ ફાર્મિંગથી નાના ખેડૂતો આધાર વગરના થઈ જશે અને નાના અને સીમાંત ખેડૂતોની વ્યવસ્થા પડી ભાંગશે. કૃષિના માલના વેંચાણમાં માર્કેટીંગ યાર્ડ જેવી વ્યવસ્થા ન રહેતા ખેડૂતો પાસેથી માલ ખરીદવા માટેની જોગવાઈ ધરાવતી મોટી પેઢીઓ અને કંપનીઓ ખેડૂતોના માલના ભાવ માટે શકય છે કે સિન્ડીકેટ અને રીંગનું સર્જન કરી ખેડૂતોનો માલ સસ્તા ભાવે મેળવવા માટે તખતો તૈયાર કરે. અત્યારે તો સરકારે મક્કમતાપૂર્વક કૃષિ વિધેયક લાવીને કૃષિ ક્ષેત્રના વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યકત કરી છે અને આ મુદ્દે ઉભા થયેલા રાજકીય વિરોધ અને ખેડૂતોની નારાજગી સમાવવા માટે છ જેટલા મુખ્ય રવી પાકોની ટેકાના ભાવ વધારીને ખેડૂતોની ચિંતા દૂર કરવામાં સરકાર મહદઅંશે સફળ રહી છે.

અતિવૃષ્ટિનો ભોગ બનેલા ખેડૂતો માટે રૂ.૩૭૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કરતી રૂપાણી સરકાર

Vijay Rupani

કૃષિ વિધેયક પસાર થયાના બીજા જ દિવસે કેન્દ્ર સરકારે ટેકાના ભાવમાં વધારાના ખેડૂતો માટેના બુસ્ટર ડોઝ જેવા રાહતના નિર્ણયની જેમ જ ગુજરાતમાં વિજયભાઈ રૂપાણી સરકાર દ્વારા ખરીફ મૌસમમાં પડેલા અતિશય વરસાદના કારણે પાકમાં થયેલા નુકશાનનું ભરપાઈ કરવા માટે ૩૭૦૦ કરોડનું રાહત પેકેજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર કર્યું હતું. ગુજરાતમાં બગફળી, કપાસ, ડાંગર, તલ, બાજરી, કઠોળમાં નુકશાન થતાં ગુજરાતના ૨૦ જિલ્લાઓના ૧૨૩ તાલુકાઓમાં ૫૧ લાખ હેકટરની વધુ જમીનમાં વાવેતર થયું હતું. તેમાં ૩૭ લાખ હેકટર જમીનમાં નુકશાન થયું હોવાનો સરકારને અંદાજ મળ્યો હતો.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી હતી કે, ખેડૂતોના કુલ પાકમાં ૩૩ ટકાથી વધુ નુકશાન થયું હશે તેમને ૨ હેકટર માટે હેકટર દીઠ ૧૦ હજાર અને ઓછી જમીન ધરાવતા ખેડૂતોને ઓછામાં ઓછુ ૫૦૦૦નું નિશ્ર્ચિતપણે વળતર મળશે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરવામાં આવેલા ૩૭૦૦ કરોડના નુકશાનીના વળતરના પેકેજથી ખેડૂતોને ભારે આર્થિક રાહત મળશે. ઓનલાઈન અરજીની તારીખ ૧ ઓકટોબર રાખવામાં આવી છે તેનો લાભ લેવા આહવાન કરવામાં આવ્યું છે. અરજીનો ખર્ચ સરકાર ઉઠાવશે અને મંજૂર થયેલી સહાયની રકમ સીધી જ ખેડૂતોના ખાતામાં જમા થશે.

Screenshot 1 17

કૃષિ વિધેયકની જોગવાઈ, લાભ અને તેના ભય સ્થાનો

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા કૃષિ વિધેયકમાં રહેલી કેટલીક જોગવાઈઓનો રાજકીય,  સામાજીક અને ખેડૂતોમાં વિરોધ ઉઠ્યો છે ત્યારે આ નવા વિધેયકની જોગવાઈઓમાં એવા ક્યાં તો કારણો છે જેનાથી સમગ્ર દેશમાં વિરોધ ઉઠવા પામ્યો છે.

૧. કોન્ટ્રાકટ ફાર્મિંગ: નવા વિધેયકની જોગવાઈ મુજબ કૃષિ ક્ષેત્રમાં અત્યાર સુધી ખેતી અને ખેતીના કાર્ય સાથે મુળભૂત ખેડૂત પરિવાર જોડાયેલા રહે તેવી વ્યવસ્થાના બદલે હવે કોન્ટ્રાકટ ફાર્મિંગ એટલે કે, ભાડાપટ્ટે ખેતીની જમીન મેળવીને બિનખેડૂત સંસ્થાઓ પણ ખેતી કરી શકશે.

– ફાયદા: કોન્ટ્રાકટ ફાર્મિંગથી કૃષિ ક્ષેત્રે વિકાસ માટે નાણાની કોઈ ખેંચ નહીં રહે, ખાનગી મુડી રોકાણથી કૃષિ વ્યવસ્થા તંત્ર, ટેકનોલોજી અને નવી સાધન સામગ્રીથી સજ્જ થશે અને ખેતીનો વિકાસ થશે. કોન્ટ્રાકટ ફાર્મિંગથી ખેતી લાયક જમીનની માંગ વધશે. પડતર રહેતી જમીનોના ક્ષેત્રફળ ઘટશે. સરેરાશ આવક વધશે અને તેના માધ્યમથી રોજગારીની તકો વધશે.

– ભય સ્થાન: નવા વિધેયક મુજબ ખેતીમાં કોન્ટ્રાકટ ફાર્મિંગની પધ્ધતિથી મોટી કંપનીઓ અને જે વર્ગ કૃષિ સાથે સંકળાયેલા નથી તેવા બિન ખેડૂત લોકોને ખેતી કામ માટેનો પરવાનો મળી જશે. નાના ખેડૂતોની જમીનો પર જોખમ ઉભુ થશે અને કૃષિ ક્ષેત્રમાં મુડીવાદીઓનું પ્રભુત્વ ઉભુ થશે. નાના ખેડૂતોની રોજગારી પર પ્રશ્ર્ન ઉભો થશે. ખેતી અને ખેતીની જમીન પર બિનખેડૂત મુડીવાદીઓનું પ્રભુત્વ વધશે. ગ્રામ્યસ્તરે વર્તમાન સમયે કૃષિ ક્ષેત્રે પરંપરાગત રીતે સંકળાયેલા ખેડૂત, ખેતમજૂરોને કોન્ટ્રાકટ ફાર્મિંગના કારણે શકય છે કે, રોજગારી ઘટવાની સમસ્યા અને ગામડા તૂટવાનો ભય સેવાઈ રહ્યો છે.

૨. ખેડૂતોની જણસની ખરીદી માટે માર્કેટીંગ યાર્ડની જરૂર નહીં રહે: કૃષિ વિષયક કાયદામાં કરવામાં આવેલા સુધારામાં મોટી પેઢીઓ, કંપનીઓ અને મોટા વેપારીઓને ખેડૂતો પાસેથી સીધા જ માલ ખરીદવાની મંજૂરી આપવામાં આવશે. જેનાથી ખેડૂતોને વચેટીયા મારફત યાર્ડમાં માલ વેંચવાની જરૂર નહીં રહે.

– ફાયદા: ખેડૂતોની જણસ મોટા વેપારીઓ-પેઢીઓને આપવાની વ્યવસ્થાથી ખેડૂતોનો તમામ માલ સમયસર વેંચાઈ જવાની વ્યવસ્થા ઉભી થશે. ખેડૂતોની તૈયાર માલ વેંચવાની અનિશ્ર્ચિતતા દૂર થશે. અત્યારે હરરાજીની હાડમારી અને અનિશ્ર્ચિત બજાર સામે ખેડૂતોને નિશ્ર્ચિત માંગ અને બજારની ઉપલબ્ધી સાથે મોટી પેઢીઓ વચ્ચે ઉભી થનારી સંભવીત હરિફાઈથી ખેડૂતોને માલના ઉંચા ભાવ મળશે.

– ભય સ્થાનો: ખેડૂતો પાસેથી જથ્થાબંધમાં માલ લેવાની ખાનગી કંપનીઓ, વેપારીઓને છૂટ મળવાથી વર્તમાન છુટક બજાર અને માર્કેટીંગ યાર્ડની વ્યવસ્થા પડી ભાંગશે. ખેડૂતો અને વેપારીઓ વચ્ચે કડીરૂપ ભૂમિકા અદા કરતા કમિશન એજન્ટ અને ફટક દલાલોની જરૂર નહીં રહે. અત્યારે ખેડૂતોની પોતાના માલ માટે હરરાજીની વ્યવસ્થામાં માલ એવા ભાવ અને માંગ મુજબના દામ મળી રહે છે. જરૂર અને આર્થિક નબળી પરિસ્થિતિમાં ખેડૂતોને બજારમાંથી નાણાકીય મદદની વ્યવસ્થા જાળવી રાખતા કમિશન એજન્ટ અને વેપારીઓ વચ્ચેની સંકલન કડી તૂટી જશે અને ખેડૂતોને જરૂરી સમયે પૈસા નહીં મળે.

૩. ખેતીની જણસોને આવશ્યક ચીજવસ્તુ ધારામાંથી મુક્તિની જોગવાઈ: દેશમાં કૃષિ ક્ષેત્ર અને અર્થતંત્રને એકબીજાના પુરક માનવામાં આવે છે. અત્યારે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળની વસ્તુઓમાં સરકારનું નિયંત્રણ રહે છે તેનાથી ઉત્પાદન અને પુરવઠા પર અસંતુલીત સ્થિતિ ઉભી ન થાય તે માટે સરકારે સજાગ રહે છે. નવા કૃષિ ધારામાં કેટલીક મહત્વની જણસોને આવશ્યક ચીજવસ્તુ ધારામાંથી મુક્તિ આપી આવી વસ્તુઓ મુક્ત બજારમાં વેંચવાની પરવાનગી આપી છે.

– ફાયદા: કૃષિ અને જીવન જરૂરી ચીજવસ્તુઓ જેવી જણસોને આવશ્યક ચીજવસ્તુ ધારામાંથી મુક્તિ મળતા બજારમાં તે ખુલ્લી રીતે વેંચી શકાશે અને ખેડૂતોને માંગના આધારે સારો ભાવ મળી શકશે અને ખેડૂતોને આવશ્યક ચીજવસ્તુ ધારાનો અવરોધ આવક વધુ મેળવવા માટે અસર નહીં કરે.

– ભય સ્થાનો: કૃષિ અને જીવન જરૂરી ચીજવસ્તુઓને આવશ્યક ચીજવસ્તુ ધારામાંથી મુક્તિ આપવામાં આવતા હવે આવી જણસોના ઉત્પાદન અને પુરવઠાના સંતુલન જાળવવા માટે તંત્રનું કોઈ નિયંત્રણ નહીં રહે જેનાથી સંગ્રહખોરોની સંગ્રહાખોરી અને બજારમાં કૃત્રિમ તંગી ઉભી કરીને ચીજવસ્તુઓના કાળા બજારની શકયતાઓ અને ભય સ્થાનો વધી જશે. આવશ્યક ચીજવસ્તુઓ નિયંત્રણ ધારો મુક્ત ખેત જણસો હવે જાહેર સંપતિ નહીં પરંતુ ધંધાનું સાધન બની જશે જે લાભકરતા વધુ નુકશાનકારક નિવડી શકે તેવી દહેશત વ્યકત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.