પ્રાધ્યાપકોએ સપ્તાહમાં ફરજિયાત ૪૦ કલાક કામ કરવું પડશે!
રાજ્યમાં નવી શાળાઓ શરૂ કરવા માટેના નિયમોમાં શિક્ષણ વિભાગ દ્વારા ફરી એકવાર ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોને રાહત આપવામાં આવી છે. દિવસે ને દિવસે સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોમાં ઘટાડો તો હતો. આ ઘટાડાને ટાંકવા માટે સરકાર દ્વારા નવી શાળાઓ શરૂ કરવા માટે ફેરફાર કરવામાં આવ્યા છે. આવતા દિવસોમાં સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોની સંખ્યા વધે અને શિક્ષણનું પ્રમાણ વધે તે માટે સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોને સરકારે ખાસ રાહત આપી છે અને નવા ધારા-ધોરણ નકકી કર્યા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે માપદંડ રજૂ કર્યા છે જેમાં સંચાલક પાસે અત્યાર સુધી નવી શાળા શરૂ કરવા માટે રમત-ગમતના મેદાન પોતાની માલીકીની ખુલ્લી જગ્યા હોવી જોઈએ તેવો નિયમ હતો. હવે તેમાં ફેરફાર કરી ભાડેથી પણ મેદાન લાવવાની જોગવાઈ કરવામાં આવી છે અને મેદાનના ક્ષેત્રફળમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. જે મુજબ શહેર વિસ્તારમાં ૧૨૦૦ ચો.મી.ના બદલે ૮૦૦ ચો.મી અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૦૦૦ ચો.મી.ના બદલે ૧૫૦૦ ચો.મી.નું મેદાન રાખવામાં આવશે. શિક્ષણ વિભાગના આ નિર્ણય બાદ હવે ઘણી સંસ્થાઓ શાળાઓ શરૂ કરવા પ્રેરાશે તેવું માનવામાં આવે છે.
જીએસએચએસઈબીએ ૨૦૧૭-૧૮માં નવી ૨૨૬ શાળાઓને મંજૂરી આપવામાં આવી હતી તે સમયે બોર્ડની ૫૫૩૫ અરજીઓ મળી હતી. જ્યારે ચાલુ વર્ષ એટલે કે ૨૦૧૯-૨૦માં નવી શાળાઓની ૪૪૩ અરજીઓ મળી હતી. જેમાંથી ૪૭ નવી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. એટલે કે ફક્ત ૧૦.૬ ટકા સ્કૂલોને જ મંજૂરી અપાય. ગયા વર્ષની તુલનામાં વાત કરવામાં આવે તો આ વર્ષે નવી શાળાઓની મંજૂરીમાં ૮૦ ટકાનો ઘટાડો થયો છે. હવે જ્યારે શિક્ષણ વિભાગે નવા માપદંડ રજૂ કર્યા છે. ઘણી સંસ્થાઓ શાળાઓ શરૂ કરવા માટે પ્રેરાય તેવું મનાઈ રહ્યું છે અને આ નવા માપદંડથી સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોમાં પણ વધારો થશે તેવું લાગી રહ્યું છે.
આવી જ રીતે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પણ સરકારે અધ્યાપકોની હાજરી મામલે આદેશ કર્યો છે. શિક્ષણ વિભાગે રાજ્યની જુદી જુદી યુનિવર્સિટી સાથે જોડાયેલ કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપકો અને વિર્દ્યાથીઓની ઓનલાઈન હાજરીની કવાયત શરૂ કરી છે. હવેથી યુજીસીની ગાઈડ લાઈન મુજબ કોલેજોમાં અને યુનિવર્સિટીમાં અધ્યાપકોને ફરજીયાત ૭ કલાક અને શનિવારે ૫ કલાક હાજર રહેવા આદેશ કર્યો છે. દરેક સરકારી અને ગ્રાન્ટેડ કોલેજ યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્ય ૧૮૦ દિવસ કરવાનું રહેશે. અઠવાડિયામાં ૬ દિવસ ઓછામાં ઓછા ૪૦ કલાક એટલે કે સોમ થી શુક્ર સુધી ૭ કલાક અને શનિવારના રોજ ૫ કલાક શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાનું રહેશે. જો કે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો મોટાભાગની સરકારી કોલેજ અને યુનિવર્સિટીમાં પ્રોફેસરો માત્ર ૨ કલાક અભ્યાસ કરાવીને ગુટલી મારી દેતા હોય છે. શિક્ષણ વિભાગે સપ્તાહમાં ૪૦ કલાકના વર્કલોડ અને કોલેજમાં ૭ કલાકની હાજરીનો પરિપત્ર બહાર પાડયો છે. છેલ્લા કેટલાય દિવસથી શિક્ષણ વિભાગના અધિકારીઓ રાજ્યમાં ઓનલાઈન હાજરી શરૂ થાય તે માટે પ્રયાસો કરી રહ્યાં છે જો કે કોલેજોના પ્રોફેસરો અને સંચાલકો આ માટે તૈયાર થતા નથી. જો કે હવે ફરજીયાત કોલેજોમાં અને યુનિવર્સિટીઓમાં પ્રાધ્યાપકોને સપ્તાહમાં ૪૦ કલાક કામ કરવું ફરજિયાત બનશે.