સરેરાશ 10 ટકા જેટલી લાગતી કસ્ટમ ડ્યુટી કેન્દ્ર સરકારે હટાવી
કેન્દ્ર સરકારે ગંભીર રોગોના ઈલાજ માટે ઉપયોગમાં લેવાતી દવાઓને કસ્ટમ ડયુટીમાંથી સંપૂર્ણ મુક્તિ આપી છે. આ છૂટ આજથી અમલમાં આવી છે. અત્યાર સુધી સરેરાશ 10 ટકા જેટલી ડ્યુટી લાગતી હતી. જે હવેથી હટાવી દેવામાં આવી છે.
સરકારે વિવિધ પ્રકારના કેન્સરની સારવારમાં વપરાતા પેમ્બ્રોલિઝુમાબ સહિતની દવાઓને મૂળભૂત કસ્ટમ ડયુટીમાંથી પણ મુક્તિ આપી છે. દવાઓ ઉપર સામાન્ય રીતે ૧૦ ટકાની મૂળભૂત કસ્ટમ ડયુટી લાગે છે, જ્યારે જીવન બચાવતી દવાઓ/રસીની અમુક શ્રેણીઓ પર પાંચ ટકા કસ્ટમ્સ ડયુટી લાગે છે.
નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ગંભીર રોગ નીતિ ૨૦૨૧ હેઠળ સૂચિબદ્ધ તમામ ગંભીર રોગોની સારવારના સંબંધમાં વ્યક્તિગત ઉપયોગ માટે વિશેષ તબીબી હેતુ માટે આયાત કરવામાં આવતી તમામ દવાઓ અને ખાદ્ય ચીજોને કસ્ટમ ડયુટીમાંથી મુક્તિ આપી છે.
સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી અથવા ડયુચેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની સારવાર માટે સૂચવવામાં આવેલી દવાઓ માટે પહેલાથી જ મુક્તિ આપવામાં આવી છે, પરંતુ સરકારને અન્ય ગંભીર રોગોની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવાઓ અને દવાઓ માટે કસ્ટમ ડયુટી મુક્તિની માંગ કરતી ઘણી રજૂઆતો પ્રાપ્ત થઈ હતી.
મંત્રાલયે જણાવ્યું છે કે એક અંદાજ મુજબ ૧૦ કીલો વજન ધરાવતા બાળક માટે કેટલીક ગંભીર બીમારીઓની સારવારનો વાર્ષિક ખર્ચ ૧૦ લાખ રૂપિયાથી લઇને ૧ કરોડ રૂપિયાથી વધુ હોઇ શકે છે. મંત્રાલયે જણાવ્યું છે કે કેન્દ્રના આ નિર્ણયથી ગંભીર બિમારીઓના દર્દીઓને મોટી રાહત મળશે.