પરમિટ રીન્યુઅલ ફીમાં પાંચ ગણો વધારો.

રીન્યુ પહેલા ૧૫ દિવસ વ્યસન છોડવાની સારવાર અને ત્રણ ડોકટરોની ભલામણ હોય તો જ પરમીટ રીન્યુ.

નવા નિયમો ટુંક સમયમાં.

રાજયમાં ૨૦૧૬નાં દારૂબંધી કાયદાનો અમલ કરાવવાની સાથે સાથે સ્વાસ્થ્ય પરમિટના આધારે વિદેશી દારૂની છુટ મેળવનારા પ્યાસીઓનું સ્વાસ્થ્ય બગાડવા રાજય સરકારે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. માર્ચ માસથી નવી હેલ્થ પરમિટ અને રીન્યુઅલ બંધ કર્યા બાદ હવે ગુજરાત સરકારે પરમિટ રીન્યુઅલ ફીમાં પાંચ ગણો વધારો કરી ત્રણ ડોકટરોની પેનલ પ્યાસીઓનું સંપૂર્ણ હેલ્થ ચેકઅપ કરી જે દર્દ માટે દારૂની પરમીટ આપવામાં આવે છે તેની ૧૫ દિવસની સારવાર લે તોજ પરમીટ રીન્યુ કરવા નવો નિયમ અમલ બનાવવા સજજ બની છે.

ટોચના સુત્રોના જણાવ્યા મુજબ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો ચુસ્ત અમલ કરાવવાની સાથે સાથે સ્વાસ્થ્યના નામે પરમિટ મેળવનાર પ્યાસીઓને નિયંત્રણમાં લેવા સરકાર સજજ બની છે. નશાબંધી વિભાગ દ્વારા પ્યાસીઓની પરમિટો માર્ચ માસથી રીન્યુ કરવાનું બંધ કર્યું છે અને નવી પરમિટ પણ ઈશ્યુ કરવાનું બંધ કરાયું છે ત્યારે ટ્રક સમયમાં જ નશાબંધી વિભાગે નવા નિયમો અમલી બનાવવા ગૃહ વિભાગને દરખાસ્ત મોકલી છે.

આ દરખાસ્ત મુજબ અગાઉ સિવિલ સર્જનના સર્ટીફીકેટના આધારે પ્યાસીઓને પરમીટ આપવાના નિયમમાં ઘરમુળથી ફેરફાર કરી નવા નિયમ મુજબ ત્રણ ડોકટરોની પેનલ ભલામણ કરે તો જ પરમીટ ઈશયુ કે રીન્યુઅલ કરવામાં આવશે. આ ઉપરાંત પરમિટ રીન્યુઅલ માટે જે વ્યકિતએ બિમારીનું રક્ષણ રજુ કર્યું હોય તે બિમારી દુર કરવા માટે ૧૫ દિવસની સારવાર લેવાનું પણ ફરજીયાત બનાવાયું છે.

દરમિયાન નશાબંધીવિભાગ દ્વારા ૧૯૯૯માં હેલ્થ પરમિટમાં પ્રતિ યુનિટ રૂ.૧૦૦ થી ૧૦૦૦ ચાર્જ નિયત કરાયા બાદ હવે નવા રીન્યુઅલમાં પ્રતિ યુનિટ રીન્યુઅલ ફી ‚રૂ.૧૦૦૦ માંથી ૫૦૦૦ રૂપિયા કરવા પણ ભલામણ કરવામાં આવી છે અને નવા નિયમો આગામી ૧૫ દિવસમાં અમલી બને તેવી શકયતા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નશાબંધી વિભાગની નવી દરખાસ્ત મામલે રાજયના ગૃહમંત્રીએ હજુ સુધી તેમના સુધી દરખાસ્ત પહોંચી ન હોવાનું જણાવ્યું હતું. જોકે નવા નિયમોથી રાજયના પ્યાસીઓનું સ્વાસ્થ્ય ચોકકસપણે બગડે તેમ હોવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.