૧૬ બાળકોને રાજ્યકક્ષાએ સ્પોર્ટસ સ્કુલમાં એડમીશન મળ્યું.
ઘટાદાર વૃક્ષોનાં છાયામાં ઘેરાયેલ તાંતીવેલાની સરકારી પ્રા.શાળામાં પ્રવેશતાજ ચહેરા પર તાજગી આવી જાય છે. રીશેષનાં સમયમાં ઉછળકુદ કરતા બાળકો સાથે શિક્ષકો એવા હળીમળી ગયા છે કે, શાળાને સંસ્કારનું મંદિર બનાવી દીધું છે. શિક્ષણકાર્યમાં કોઇ બાંધછોડ વગર નબળા બાળકોને શિક્ષકો દ્વારા જુદા તારવી અન્ય બાળકોની હરોળમાં લાવી અહીંનાં શિક્ષકો શિક્ષણકક્ષ શરૂ કરે છે.
૧૦૬ કુમાર અને ૧૫૪ કન્યા એમ કુલ ૩૩૦ બાળકો ૧૯૫૬ થી કાર્યરત ધોરણ ૧ થી ૮ ની આ શાળામાં અભ્યાસ કરે છે. તેમ જણાવી શાળાનાં યુવાન આચાર્યશ્રી રમેશ રામ કહે છે, અમારી શાળાનાં તમામ શિક્ષકો સમર્પીત ભાવથી બાળકોને વહાલથી શિક્ષણનાં પાઠ ભણાવે છે. આચાર્ય એમ.એ.બી.એઙ છે. ધોરણ ૬ થી ૮ નાં શિક્ષક દર્શનાબેન તન્ના અને બાળક કનકસિંહ બી.એસ.સી.બી.એઙ છે. જે બાળકોને ગણીત-વિજ્ઞાનનાં પાઠ ભણાવે છે. જોષી રશ્મીબેન એમ.કોમ.બી.એઙ છે. તો સ્નેહાબેન ગોહીલ શાળા સમયબાદ શાળાની વિદ્યાર્થીનીઓ સાથે ગામની દીકરીઓને સેલ્ફ ડિફેન્સ માટે તાલીમબધ્ધ કરે છે.
તાંતીવેલા શાળાનાં વિદ્યાર્થીઓ ગણીત-વિજ્ઞાન પ્રદર્શન હોય, રમત-ગમત હોય કોઇ રીતે પાછા પડતા નથી. શિક્ષકોનાં મજબુત સપોર્ટ સાથે યોગ્ય માર્ગદર્શન થકી આજે આ શાળાનાં ૧૬ બાળકોએ રાજ્ય સ્તરે ઉજળો દેખાવ કરી કાર્યરત સ્પોર્ટસ સ્કુલમાં એડમીશન લીધું છે. જેમને રહેવા-જમવા તથા બાળકે પસંદ કરેલી રમતમાં ખાસ કોચીંગની સવલત મળે છે.
શિક્ષણકાર્ય સાથે શાળાનાં શિક્ષકો દ્વારા વ્યસન મુક્તિને પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે. ગ્રામજનોને વ્યસનમુક્તિ માટે ખાસ પ્રેરણા આપી વ્યસન મુક્ત બનાવાઇ છે અને ગ્રામજનો શિક્ષકોની આ બાબતને વિશેષ પ્રાધાન્ય પણ આપી રહ્યા છે. શાળાનાં ગ્રામજનો પાસેથી મળતી દાનની રકમમાંથી ગરીબ ઘરનાં લોકોને બીમારી વખતે સારવાર માટે આર્થિક સહયોગ પણ આપવામાં આવે છે. શાળામાં રાષ્ટ્રીય પર્વોની ઉજવણી સાથે દરેક મહત્વના પ્રસંગો બાળકો વાલીગણને સાથે લઇ ઉજવણી કરવામાં આવે છે. શાળા અને શિક્ષણ સાથે ગ્રામજનોને જોડીને શાળાને શિક્ષકો ધ્વારા આદર્શ શાળા બનાવાઇ છે.