ગરમીને લઈને પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સરકાર સમક્ષ દ્વિતીય સત્રની પરીક્ષામાં ફેરફાર કરવા માંગ કરાઈ હતી
ગરમીને લઈને પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજય સરકાર સમક્ષ રાજયની પ્રાથમિક સ્કુલોમાં ધો.૩ થી ૮ની દ્વિતીય સત્રની પરીક્ષામાં ફેરફાર કરવા માંગ કરવામાં આવી હતી જેને પગલે ૨૯મી એપ્રીલે પૂર્ણ થનારી પરીક્ષાઓ હવે ૩ મે એ પુરી થશે અને રોજ બપોરના ૧૨:૩૦ સુધી ચાલનારી પરીક્ષા સવારે ૧૧:૦૦ વાગ્યે પૂર્ણ કરી દેવામાં આવશે.
પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા રાજયની જિલ્લા પંચાયત હેઠળની ધો.૩ થી ધો.૮ની સરકારી સ્કુલો અને કોર્પોરેશન હેઠળની ધો.૩ થી ૮ની સ્કુલોની દ્વિતીય સત્રની પરીક્ષાને લઈને અગાઉ ૧૬મી માર્ચે જાહેર કરેલા ટાઈમ ટેબલ મુજબ ૮ એપ્રીલથી ૨૯ એપ્રીલ સુધી પરીક્ષા ગોઠવવામાં આવી હતી. જેમાં ધો.૩ થી ૫ નાં વિદ્યાર્થીઓની ૪૦ માર્કસની બે કલાકની પરીક્ષા સવારે ૭:૧૫ થી ૯:૧૫ સુધી હતી અને ધો.૬ થી ૮ના વિદ્યાર્થીઓની ૮૦ માર્કસની ૩ કલાકની પરીક્ષા સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ સુધીની હતી.
આ ટાઈમટેબલ મુજબ ૮ એપ્રીલથી ૧૫ એપ્રીલ સુધી સળંગ પરીક્ષા હતી ત્યારબાદ ચુંટણીને લઈને થોડા દિવસ રજા મુકવામાં આવી હતી. ચુંટણીમાં ૨૬ એપ્રીલથી ૨૯મી એપ્રીલ સુધીમાં ધો.૩ થી ૮ની પરીક્ષા ગોઠવવામાં આવી હતી અને આ ટાઈમટેબલ બદલાવવા માંગ કરાઈ હતી. જેને પગલે સરકારે ટાઈમટેબલમાં સુધારો કરવા માટે ચુંટણીપંચની પણ મંજુરી લીધી હતી અને નવું ટાઈમટેબલ જાહેર કરાયું હતું. હવે ૮ એપ્રીલથી ૨૦ એપ્રીલ સુધી સળંગ પરીક્ષા ચાલશે અને ચુંટણીને લઈને ૮ દિવસની વચ્ચે રજા રહેશે ત્યારબાદ ૨૯મી એપ્રીલથી ફરીથી પરીક્ષાઓ શરૂ થશે અને જે ૩ મે સુધી ચાલશે અને તમામ પરીક્ષાઓ ૧૧ વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ જશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી ત્રીજા તબકકાની પરીક્ષા શરૂ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી ત્રીજા તબકકાની પરીક્ષા શરૂ થઈ છે. ૧૫૫ પરીક્ષા કેન્દ્રો પર ૬૧,૨૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષામાં ગેરરીતિ આચરતા તત્વો પર બાજ નજર રાખવા ૩૩૦ ઓબ્ઝર્વરના ઓર્ડર ઈસ્યુ કરાયા છે. બીજા તબકકા બાદ લોકસભાની ચુંટણીને લીધે ૧૫ દિવસનો બ્રેક રહેશે અને ત્યારબાદ ચોથા તબકકાની પરીક્ષા શ‚ થશે. યુનિવર્સિટીમાં આજથી ત્રીજા તબકકાની પરીક્ષામાં બી.કોમ, બી.એ., બી.એડ. સહિતના કોર્ષના સેમ-૨ના ૬૧,૨૨૪ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ૩૩૦ ઓબ્ઝર્વરને ઓર્ડર અપાયા છે જેમાંથી અડધા ઓબ્ઝર્વરને પેપર ચેકિંગની કામગીરી સોંપવામાં આવશે.