વિદ્યાર્થીઓ, શિક્ષકો અને દર્દીઓ પર ડેન્ગ્યુ તાવનું ઝળુંબતુ જોખમ: આરોગ્ય શાખાએ હાથ ધર્યું ચેકિંગ
દિવસ દરમિયાન જયાં વિશાળ માનવ સમુહની અવર-જવર રહે છે તેવા સ્થળોએ આરોગ્ય શાખા દ્વારા મચ્છરોની ઉત્પતિ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સરકારી પ્રેસ, જી.ટી.શેઠ હોસ્પિટલ, રેલવે કેમ્પસ અને ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસમાંથી ડેન્ગ્યુ તાવ ફેલાવતા મચ્છરોના પોરા મળી આવ્યા હતા. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને દર્દીઓ પર ડેન્ગ્યુનું વધુ જોખમ હોવાનો પર્દાફાશ થયો છે.કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે સરકારી પ્રેસમાં હાથ ધરવામાં આવેલા ચેકિંગમાં ઓફિસ પાછળ પડતર ભંગારમાં, વોટર કુલરની ડિસમાં, સ્ટેશનરી વિભાગમાં નળ નીચેની ડોલમાં, પક્ષી કુંજમાં, સિન્ટેક્ષની ખુલ્લી ટાંકીમાં, અંડરગ્રાઉન્ડ ટાંકીમાં અને ખુલ્લી ડ્રેનેજ લાઈન સહિત કુલ ૬ સ્થળોએ મચ્છરોના પોરા મળી આવ્યા હતા. જયારે જામટાવર નજીક જી.ટી.શેઠ ઓર્થોપેડીક હોસ્પિટલમાં ખુલ્લી ડ્રેનેજ, અગાશી, બિનવપરાશી સિન્ટેક્ષ, એસીમાંથી નિકળતા વેસ્ટ વોટર, જમા થતી ડોલમાં, અગાસી પરના પાણી સહિત પાંચ સ્થળે મચ્છરના પોરા મળી આવ્યા હતા. ધર્મેન્દ્રસિંહ કોલેજ કેમ્પસમાં પક્ષીકુંજ, કોટક સાયન્સ સ્કુલમાં લેબોરેટરીની બે કુંડી, એનસીસી કેમ્પસમાં ફુલછોડના ત્રણ કુંડા સહિત આઠ સ્થળોએ મચ્છરના પોરા મળી આવ્યા હતા. જયારે રેલવે કેમ્પસમાં રેલવે હોસ્પિટલની અગાશી પર જમા થયેલા પાણીમાં, પક્ષીકુંજમાં, મંદિરની સામેની ઓફિસમાં, વોટર કુલરમાં, બાલમંદિરના પક્ષીકુંજમાં, કેમ્પસની સામે આવેલી હોટલની પાણીની નાંદ સહિત પાંચ સ્થળોએ મચ્છરના પોરા મળી આવ્યા હતા.