શાળા-કોલેજ પાસે ખુલ્લે આમ ડ્રગ્સના વેચાણ સામે અસરકારક કામગીરી કરી દરરોજ સરકારમાં રિપોર્ટ કરવા ગૃહ મંત્રીનો આદેશ
કાયદાનો ચુસ્ત રીતે અમલ કરાવવા પોલીસ અધિકારીની જવાબદારી ફિકસ કરવામાં આવશે
સરકારે દારૂબંધીનો કાયદો કડક કરતા પોલીસને ફાયદો થયો?
દારૂબંધીનો કાયદો પોલીસ તંત્ર માટે આશિર્વાદ સમાન બન્યો?
રાજયમાં દારૂબંધીનો કાયદો સરકાર દ્વારા કડક બનાવવામાં આવતા દારૂબંધીનો અમલ કરાવવાની જેઓની જવાબદારી રહેલી છે તે પોલીસતંત્રએ કાયદાનો ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યુ હોય તેમ પોલીસ માટે દારૂબંધીનો કાયદો આર્શિવાદ સમાન બન્યાનું સરકારના ધ્યાને આવતા રાજયમાં ડ્રગ્સ માફિયા અને બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવા સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નશીલા પર્દાથ અને દારૂના વેચાણ કરનાર તેમજ તેની સાથે સંડોવાયેલા શખ્સો સામે કરેલી કામગીરીનો ડે ટુ ડેનો રિપોર્ટ કરવા રાજયના પોલીસ વડા અને ગૃહ સચિવને રાજયના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કર્યો છે.
સરકારે દારૂબંધીના કાયદામાં ઘણા સુધારા કરી દારૂ વેચનાર અને દારૂની હેરાફેરી કરતા વાહનોને છુટવું અઘરૂ બની રહ્યું હોવાથી બુટલેગરો પર સરકાર દ્વારા ભીસ વધારવામાં આવી છે. ત્યારે પોલીસે દારૂબંધીના કડક કાયદાનો ફાયદો લેવાનું શરૂ કરી દારૂબંધીના કાયદાનો ચુસ્ત રીતે અમલ કરાવવામાં આંખ આડા કાન કરવાનું શરૂ કરાયું છે. એક બોટલ દારૂ સાથે ઝડપાયેલા શખ્સ પાસેથી રૂા.૫૦૦થી લઇ રૂા.૨૦૦૦ સુધીનો ‘તોડ’ થતો હતો તેના બદલે એક બોટલના કેસમાં નવા સુધારેલાકાયદા અંગે પોલીસ શરૂ કાર્યવાહી કરી શકે તેવું કાયદાનું વિશલેષણ કરી કાયદાનો અમલ કરાવવાના બદલે કાયદાનો ભય બતાવી ઝડપાયેલા શખ્સ પાસેથી કંઇ રીતે વધુ નાણા ખંખેરવા તેવી ગોઠવણ કરતા હોવાની ફરિયાદ ઉઠી હતી.
દારૂના ધંધાર્થીઓ પાસેથી ફાયદો મેળવતા પોલીસ દારૂબંધીનો કાયદાનો અમલ કરાવવામાં ઉણી ઉતરતી હોવાથી દારૂના ધંધાર્થીઓ ડ્રગ્સનું વેચાણ કરી યુવાધનને બરબાદ કરવાનું શરૂ કર્યાનું અને રાજયના સ્કૂલ અને કોલેજો પાસે ડ્રગ્સનું છાને ખૂણે વેચાણ થતું હોવા છતાં પોલીસ દ્વારા કાર્યવાહી થતી ન હોવાથી સરકારે દારૂના ધંધાર્થીઓ અને ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ કર્યા છે.
ડ્રગ્સ માફિયા અને દારૂના ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં પોલીસ તંત્ર ઉણું ઉર્ત્યુ હોવાથી ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા અને ગૃહ સચિવ તિવારીને ડ્રગ્સ માફિયા અને બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવા આદેશ કરી કાયદાનો અમલ કરવામાં આવ્યા અંગેની વિગતો ડે ટુ ડે મોકલવા હુકમ કર્યો છે.
પોલીસતંત્ર દ્વારા સરકારને ઉઠા ભણાવતા હોવાથી ડે ટુ ડેની કામગીરીની વિગતો મેળવવા ઉપરાંત પોલીસ અધિકારીઓની જવાબદારી ફિકસ કરવામાં આવી છે.