લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારે બજેટમાં નોકરીયાત વર્ગને ઈન્કમટેક્ષમાં રાહત આપ્યા બાદ રૂપાણી સરકારના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાતથી બેવડો લાભ મળતા કર્મચારીઓમાં આનંદો
લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીનો સમય બાકી છે. ત્યારે મોદી સરકાર દ્વારા ગઈકાલે રજૂ કરેલા વચગાળાના બજેટમાં તમામ વર્ગોને રાજી રાખવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં નોકરીયાત વર્ગ માટે ઈન્કમટેક્ષમાં રાહત આપવામાં આવી હતી જે બાદ રાજયની રૂપાણી સરકારે પણ રાજયના ૯.૬૧ લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો ખુશ થાય તેવો મહત્વનો નિર્ણય લીધો છે. આ કર્મચારીઓ અને પેન્શનરોની વર્ષો જૂની મોંઘવારી ભથ્થામા વધારો આપવાની માંગ સ્વીકારવામાં આવી છે. રાજય સરકારે મોઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરી તેને ૧ જુલાઈ ૨૦૧૮થી આપવાની જાહેરાત કરી છે.
રાજયના નાયબ મુખ્યમંત્રી અને સરકારના પ્રવકતા નિતિનભાઈ પટેલે આ અંગેની ગઈકાલે જાહેરાત કરતા જણાવ્યું હતુ કે વધતી જતી મોંઘવારીને લઈને રાજયના કર્મચારીઓ અને પેન્શનરોએ મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની માંગણી કરી રહ્યા હતા જેને રાજય સરકારે સ્વીકારી લઈને ૧ લી જુલાઈ ૨૦૧૮ની મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવશે. આ વધારાનો લાભ રાજયના ૯.૬૧ લાખ કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. વર્તમાન મોંઘવારી ભથ્થુ ૭ ટકા છે તે વધી ૯ ટકા પર પહોચી જશે તે માટે સરકારી તિજોરી પર ૭૭૧ કરોડ રૂ.નો વધારાનો બોજો આવશે. સાત માસ પાછળની તારીખથી મોંઘવારી ભથ્થામાં વધારો લાગુ કરવાની તેનું ચૂકવવાનું થતુ એરીયર્સ કર્મચારીઓને ફેબ્રુઆરીના પગારમાં ચૂકવી દેવામાં આવશે તેમ પટેલે ઉમેર્યું હતુ.
અત્રે, ઉલ્લેખનીય છે કે, રાજયમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર હતી ત્યારથી તમામ વિભાગોનાં અધિકારીઓ કર્મચારીઓને વિવિધ કાર્યો પ્રવૃત્તિઓમાં દોડતા રાખવામાં આવી રહ્યા છે. શિક્ષકો જેવા અનેક કર્મચારીઓને તેમની ફરજનાં ભાગરૂપેની કામગીરી ઉપરાંતની બીજી અન્ય કામગીરીઓ પણ સોંપવામાં આવે છે.
આ પરંપરા વર્તમાન રૂપાણી સરકારે પણ ચાલુ રાખી છે. જેથી આવી વધારાના કામગીરીને બોજ માનતા અધિકારી કર્મચારીઓ અને તેના પરિવારે લાંબા સમયથી ભાજપના વિરોધમાં છે. આ વધારાના બોજને દૂર કરવા કર્મચારી સંગઠ્ઠનો સમયાંતરે રાજય સરકારમાં રજૂઆતો કરતા રહ્યા છે.
રાજયની કુલ વસ્તીના ૧.૫ ટકા જેટલા સરકારી અને તેમના પરિવારોની ગણતરી કરવામાં આવે તો ૫ ટકા જેવા મતદારો થવા જાય છે. આ મતદારો શિક્ષીત હોય તેમની નારાજગીદૂર થઈ જાય તો ભાજપ તરફી મતદાન અને સરકાર ચલાવવામાં વધુ સરળતા થઈ જાય તેવી સંભાવના વધુ જોવામા આવી છે. જેની, લોકસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે.ક ત્યારે મોદી સરકાર બાદ રૂપાણી સરકારે પણ કર્મચારીઓ પેન્શનરોને બેવડો લાભ આપીને તેમને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. પાછળની તારીખથી આ લાભ આપવાથી ચૂંટણીપહેલા સરકારી કર્મચારીઓને એરીયર્સમાં એક સાથે મોટી રકમ આવશે જેથી તેમની નારાજગી દૂર થાય તેવો પણ રાજય સરકારનો ઉદેશ્ય હોવાનું રાજકીય પંડીતોમાં મનાય રહ્યું છે.