આરબ દેશ કતારમાં 26 ઓક્ટોબર 2023 એટલે કે ગુરૂવારે ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ અધિકારીઓને મોતની સજા સંભળાવવામાં આવી છે. આ તમામ પર જાસૂસીનો આરોપ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ અધિકારીઓની જાસૂસીના આરોપમાં કતારમાં ધરપકડ કરવામાં આવી હતી. કતારે આઠ ભૂતપૂર્વ અધિકારીઓને મોતની સજા સંભળાવી તેનાથી ભારતને મોટો આંચકો લાગ્યો છે.
દોહરા ગ્લોબલ ટેક્નોલોજી અને કન્સલ્ટન્સી સર્વિસ માટે કામ કરતા અધિકારીઓ પર ઇઝરાયલ માટે જાસૂસી કરવાનો આરોપ
આ મામલામાં ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે મૃત્યુદંડના નિર્ણયથી અમે સ્તબ્ધ છીએ. વિગતવાર નિર્ણયની રાહ જોવાઈ રહી છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમે પરિવારના સભ્યો અને કાનૂની ટીમના સંપર્કમાં છીએ અને તમામ કાયદાકીય વિકલ્પો શોધી રહ્યા છીએ. અમે આ બાબતને ખૂબ જ મહત્વપૂર્ણ માનીએ છીએ અને તેના પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. તમામ કોન્સ્યુલર અને કાનૂની સહાય પૂરી પાડવાનું ચાલુ રાખવવામાં આવશે. આ નિર્ણયને કતારના સત્તાવાળાઓ સમક્ષ પણ ઉઠાવવામાં આવશે.
આ તમામ અધિકારીઓ ભારતીય નૌકાદળમાં અલગ-અલગ પોસ્ટ પર કામ કરી ચૂક્યા છે. તેમના પર ઈઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ છે. આ 8 લોકોમાં પ્રતિષ્ઠિત અધિકારીઓ પણ સામેલ છે. તેમણે એક સમયે મોટા ભારતીય યુદ્ધ જહાજોને કમાન્ડ કર્યા હતા. હાલમાં તેઓ ડહરા ગ્લોબલ ટેક્નોલોજી અને કન્સલ્ટન્સી સર્વિસ માટે કામ કરી રહ્યા હતા. આ એક ખાનગી પેઢી છે, જે કતારના સશસ્ત્ર દળોને તાલીમ અને સંબંધિત સેવાઓ પૂરી પાડે છે.
કતારે જે નૌકાદળના જે આઠ ભૂતપૂર્વ અધિકારીઓને મોતની સજા સંભળાવી છે તેમાં કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા અને નાવિક રાગેશનો સમાવેશ થાય છે. આ તમામની જાસૂસીના આરોપમાં પૂછપરછ માટે તેમના સ્થાનિક નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર આ 8 ભારતીયોની જામીન અરજી ઘણી વખત ફગાવી દેવામાં આવી છે. કતારના અધિકારીઓએ તેમની કસ્ટડી વધારી દીધી હતી. ગુરુવારે કતારની કોર્ટે 8 ભારતીયોને ફાંસીની સજા સંભળાવી હતી.
સત્તાવાર ભારતીય સૂત્રોને ટાંકીને સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે, ભારતીય એજન્સીઓ હવે આ મામલાને સંભવિત ઉચ્ચ સ્તરે ઉઠાવશે. પરંતુ કતાર સરકારે આ મુદ્દે કોઈ નમ્રતા દર્શાવી નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારીઓને પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ દ્વારા ફસાવવામાં આવ્યા હોય તેવી આશંકા છે