રાજકારણમાં ફસાયેલી ખેડૂતોની ગૂંચ ઉકેલાશે?

કૃષિ બિલના વિરોધમાં આંદોલન કરી રહેલા આંદોલનકારીઓ અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક

નવા કૃષિ બિલના વિરોધમાં દિલ્હી ખાતે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે. ખેડૂતોનો આ મામલો વધુને વધુ પેચીદો બનતો જાય છે પરિણામે આંદોલનકારીઓ અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ વચ્ચે એક મહત્વની બેઠકનું આયોજન થયું હતું. ખેડૂતોના પ્રશ્ને વિપક્ષ રાજકીય રોટલા શેકી રહ્યો હોવાના આક્ષેપ વચ્ચે રાજકારણમાં ફસાયેલી ખેડૂતોની ગૂંચ ઉકેલાશે કે નહીં તે અંગે પણ તર્ક વિતર્ક થઈ રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ ગઈકાલે વારાણસીમાં સંબોધન કર્યું હતું. સંબોધનમાં અન્નદાતાઓને પ્રણામ કહીને પોતાના સંબોધનની શરૂઆત કરી અને વિપક્ષ પર આરોપ લગાવ્યો કે વિપક્ષ ખેડૂતોને ભરમાવી રહ્યું છે અને દાયકાઓથી ખેડૂતો સાથે કપટ કરનારા અન્નદાતાઓમાં ભ્રમ ફેલાવી રહ્યા છે. ભાજપ સરકાર ખેડુત વિરોધી નથી. વિરોધપક્ષ રોટલા શેકવાનું બંધ કરે. પીએમ મોદીએ કહ્યું કે કૃષિ કાયદાઓ પર ખેડૂતોમાં ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે જોકે નવા કાયદા તો ખેડૂતોને વિકલ્પ આપે તેવા છે.

નોંધનીય છે કે, નવા કૃષિ કાયદાના માધ્યમથી મોદી સરકારે દેશભરમાં કૃષિ સુધારણા તરફ મહત્વનું પગલું ભર્યું છે. કૃષિ કાયદાના કારણે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, ટેકાના ભાવ અને એપીએમસી સહિતના મુદ્દે ખેડૂતો અને લાભાલાભ હોવાનું છે. નિષ્ણાંતોનું માનવું છે પંજાબ અને હરિયાણાના ખેડૂતો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે જેની પાછળ પણ કેટલાક કારણો જવાબદાર છે.

પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું હતું કે પહેલાના સમયમાં સરકારનો કોઈ નિર્ણય પસંદ ન આવતો તો તેનો વિરોધ કરવામાં આવતો હતો પરંતુ હવે વિરોધના નામે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. પીએમ મોદી પોતાના ભાષણમાં વિરોધીઓ જોરદાર વરસ્યા, કહ્યું કે આશંકાઓના આધારે ભ્રમ ફેલાવી રહ્યા છે, જ્યાં સુધી એક મુદ્દા પર લોકો તેમનું જુઠ્ઠાણું પકડે ત્યાં સુધી તો તે બીજા મુદ્દે ભ્રમ ફેલાવવા લાગે છે. ચોવીસે કલાક તેમનું આ જ કામ છે.

છેલ્લા ઘણા સમયથી કૃષિ બિલના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં વિરોધ પક્ષોએ વધુ હવા આપી છે. સામાન્ય રીતે તો આ બિલનો વિરોધ ઘણા પક્ષો કરી રહ્યા છે. પરંતુ જે રીતે તૈયારીઓ થઈ છે તે જોતા આ મામલો વધુ ગરમ થશે તેવું લાગી રહ્યું છે. આજે કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ અને ખેડૂતો આંદોલનના આગેવાનો વચ્ચે મીટીંગ થવા જઈ રહી છે મોદી સરકાર કૃષિ બિલ મામલે મક્કમ છે કૃષિ બીલ લાવવા માં મોદી સરકાર નો ઉદ્દેશ્ય સારો છે.

રાજ્યસભામાં જે કૃષિ બિલો પસાર થયા હતા તેમાં પહેલું બિલ ધ ફાર્મર્સ એન્ડ પ્રોડયુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ, ૨૦૨૦, બીજું ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રિમેન્ટ ઓન પ્રાઈસ એસ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ બિલ, ૨૦૨૦ અને ત્રીજું એશેન્શિયલ કોમોડિટીઝ (અમેન્ડમેન્ટ) બિલ, ૨૦૨૦ હતું. આ ત્રણેય બિલમાં અલગ અલગ જોગવાઈઓ છે.  ખેડૂત તેની ઈચ્છા મુજબના સ્થળે તેનો પાક વેચી શકે, જેથી ખેડૂત તેના પાકનો સોદો માત્ર પોતાના જ નહીં અન્ય રાજ્યના વેપારીઓ સાથે પણ કરી શકે છે. આ નીતિ હેઠળ જે વિસ્તારોમાં ખેડૂતો પાસે વધારાનો પાક છે, તેઓ આ પાકની અછત હોય તેવા રાજ્યોમાં તેનું વેચાણ કરે તો તેમને વધુ સારી કિંમત મળશે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગને નેશનલ ફ્રેમવર્ક મળશે. તેનાથી ખેતી સંબંધિત બધું જોખમ માત્ર ખેડૂત નહીં, પરંતુ તેની સાથે કરાર કરનારી કંપની પર પણ રહેશે. બીજો મોટો લાભ ખેડૂતોને તેમના ઉત્પાદનના માર્કેટિંગ પર ખર્ચ નહીં કરવો પડે અને દલાલી ખતમ થશે. કૃષિ ક્ષેત્રની કંપનીઓ, હોલસેલર્સ, એક્સપોર્ટર્સ અને રીટલર્સ સાથે ખેડૂતો પોતે કરાર કરીને પરસ્પર ઉત્પાદનોના ભાવ નક્કી કરશે અને પાક વેચશે. ખેડૂતોને તેનાથી તેમના ઉત્પાદનોનું યોગ્ય મૂલ્ય મળશે.

આ પ્રકારના સુધારાના પરિણામે ખેડૂતોની આવકમાં વધારો થશે તેવી આશાઓ હતી જોકે પંજાબ અને હરિયાણાના અનેક ખેડૂતો આ બિલનો વિરોધ કરી રહ્યા છે. આવા સંજોગોમાં કેન્દ્ર સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે મહત્ત્વની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.