સોફટવેર, એન્જિનિયર કેટેગરીના પસંદગી કરી પીઆર આપ્યા
રાજકોટ મહાનગરપાલિકામા IEC સેલ ખાતે ફરજ બજાવતા ભગીરથસિંહ ઝાલાની ઈન્ફોર્મેશન ટેકનોલોજી બાબતમાં કુનેહની ઓસ્ટ્રેલિયન કોમ્પ્યુ ટર સોસાયટીએ નોંધ લઇ ઓસ્ટ્રેલિયાની સરકારે તેઓની સોફ્ટવેર એન્જિનિયર કેટેગરીમાં પસંદગી કરી પી.આર.(પરમેનેન્ટ રેસીડન્સી) વિઝા આપ્યાં છે.
મહાપાલિકામાં આઈઈસી સેલ સંભાળતા ભગીરથસિંહ ઝાલાએ વિવિધ જવાબદારીઓ અન્વયે અનેક પ્રકારની નોંધનીય કામગીરી કરી છે. ઈ.ચા. પી.એ. ટુ કમિશનર, સ્માર્ટ સિટીમાં આઇ.ટી. બાબતોની કમિટીના મેમ્બરથી લઈ સ્વચ્છતા ઝુંબેશ ,સ્વચ્છ સર્વેક્ષણ, રાજકોટ મહાનગરપાલિકા માટે સોશ્યલ મિડીયાની શરૂઆત કરાવવા સહિતની અનેક કામગીરી રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી/કર્મચારીઓ માટે નોંધપાત્ર બની છે.
આઈ.ટી. ક્ષેત્રમાં કંઈક નોખુ અને અનોખુ કરતાં રહેતા ભગીરથસિંહ ઝાલાની કામગીરીની ઓસ્ટ્રેલિયાની સરકારે નોંધ લીધી હતી અને તેઓને સોફ્ટવેર એન્જિનિયર કેટેગરીમાં પસંદ કરી ઓસ્ટ્રેલિયામા કામગીરી કરવા આમંત્રણ આપ્યું હતું. સાથોસાથ જો તેઓ આ ઓફર સ્વિકારે તો સ્પોન્સરશિપ સાથે પી.આર આપવાની પણ ઓસ્ટ્રેલિયા ની સરકારે તૈયારી બતાવી હતી. ભગીરથસિંહે આ ઓફર સ્વીકારી મહાનગર પાલિકામાંથી રાજીનામું આપ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકામાં સપ્ટેમ્બર ૨૦૦૯થી ભગીરથ કાર્ય કરતાં ભગીરથસિંહ ઝાલાને તેઓના કાર્યકાળ દરમ્યાન ડો. દિનેશ બ્રહ્મભટ્ટ ,અજય ભાદૂ તથા વિજય નેહરા તેમજ બંછાનિધિ પાની સાથે કામ કરવાની તક મળી છે. આ ઉચ્ચ અધિકારીઓના અનુભવો તેમની જિંદગીની મૂડી બની રહ્યા છે. આ તમામ ઉચ્ચ અધિકારીઓએ તેઓની સારી કામગીરીને બિરદાવી છે. અત્રે એ નોંધનીય છે કે તેઓ ૧૧ વખત પી.એ. ટુ કમિશનરના ચાર્જમાં પણ રહેલા છે અને અધિકારી તેમજ કર્મચારીઓમાં ખૂબ જ સારી એવી લોક ચાહના ધરાવે છે. ભગીરથસિંહને મિત્રો તેમજ કર્મચારી ગણ તરફથી મોબાઈલ નંબર ૭૬૯૮૮ ૭૪૭૪૮ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.