મહેસૂલી આવક વધારવા માટે 12 વર્ષ બાદ જંત્રીદરમાં વધારો કરાશે: વર્ષ-2023-24ના અંદાજપત્રમાં સત્તાવાર ઘોષણાની સંભાવના
ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રનો ખૂબ જ વિકાસ થઇ રહ્યો છે. છેલ્લાં 12 વર્ષથી મિલકતના જંત્રીદરમાં વધારો કરવામાં આવ્યો નથી. જેના કારણે રાજ્ય સરકારની મહેસૂલી આવકમાં ધાર્યો વધારો થતો નથી. રાજ્યની પટેલ સરકારે હવે મિલકતના જંત્રીદરમાં વધારો કરવાનો મક્કમ મન બનાવી લીધું છે. આગામી વર્ષ-2023-24ના બજેટમાં આ અંગે ઘોષણા કરવામાં આવે તેવ શક્યતા જણાય રહી છે. જંત્રીના વર્તમાન દરમાં 10 થી લઇ 25 ટકા સુધીનો વધારો કરવામાં આવે તેવી સંભાવના હાલ જણાય રહી છે.
રાજ્યમાં મિલકતની કિંમત નક્કી કરવા માટે વર્ષ-2008માં જંત્રીની અમલવારી કરવામાં આવી હતી. જેમાં વર્ષ-2011માં સુધારો કરી જંત્રીના દરમાં વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લાં 12 વર્ષથી એક યા બીજા કારણોસર જંત્રીદરમાં વધારો કરી શકાયો નથી. ચાલુ વર્ષે કોઇ ચૂંટણી યોજાવાની નથી. આટલું જ નહિં વિધાનસભાની ગત ડિસેમ્બરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપની 156 બેઠકો સાથે ઐતિહાસિક જીત થવા પામી છે. લોકોની અપેક્ષાઓને પરિપૂર્ણ કરતું બજેટ આપવાનું મન રાજ્યની પટેલ સરકારે બનાવી લીધું છે. બજેટનું કદ વધશે તે ફાઇનલ મનાય રહ્યું છે. આવામાં સરકારની મહેસૂલી આવકમાં વધારો કરવા માટે મિલકતની જંત્રીના વર્તમાન દરમાં વધારો કરવામાં આવે તે ફાઇનલ મનાય રહ્યું છે.
છેલ્લાં એક દશકામાં રાજ્યમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રનો અદ્વિતીય વિકાસ થયો છે. જેની સામે જંત્રીના દરમાં કોઇ વધારો કરવામાં આવ્યો ન હોવાના કારણે રાજ્ય સરકારને જંત્રી પેટે જે આવક થાય છે તેમાં કોઇ ખાસ્સો વધારો થયો નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જંત્રીદરમાં વધારો કરવાનો નક્કી કરી લીધું છે અને આ માટે સંબંધિત વિભાગના મંત્રીઓ અને અધિકારીઓ સાથે પણ ચર્ચા પૂર્ણ કરી લેવામાં આવી છે. હવે જંત્રીના દરમાં કેટલો વધારો કરવો તે અંગે નિર્ણય લેવાનું બાકી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2008માં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં મિલકતની કિંમત નક્કી કરવા માટે જંત્રીની અમલવારી શરૂ કરવામાં આવી હતી. ત્રણ વર્ષ બાદ એટલે કે વર્ષ-2011માં જંત્રીના દરમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ છેલ્લા 12 વર્ષથી કોઇ કારણોસર જંત્રીના દરમાં વધારો કરી શકાયો નથી. વિચારણાં અનેક વખત કરવામાં આવે છે પરંતુ સ્થાનિક સ્વરાજ્યની, વિધાનસભાની કે લોકસભાની ચૂંટણી નજીકમાં હોવાના કારણે જંત્રીના દરમાં વધારો કરવાનો નિર્ણય પડતો મૂકી દેવામાં આવ્યો છે. આ વર્ષે ગુજરાતમાં એકપણ ચૂંટણી યોજાવાની નથી.
બીજી તરફ જનતાએ ભાજપને ઐતિહાસિક 156 બેઠકો આપી છે. આવામાં ભાજપે ચૂંટણી ઢંઢેરામાં જે વચનો આપ્યા છે તે પરિપૂર્ણ કરવા માટે બજેટમાં અનેક લોકાનુભાવન યોજનાઓ જાહેર કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. આ યોજનાની અમલવારી માટે મહેસૂલી આવકમાં વધારો કરવો પડે તેમ છે. તમામ સંજોગો અને ભવિષ્યની શક્યતાઓને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા મિલકતની વર્તમાન જંત્રીના દરમાં વધારો કરવાનો નિર્ણય લેવાય ચૂક્યો છે. નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા આગામી નાણાકીય વર્ષના બજેટમાં જંત્રીના દરમાં વધારો કરવાની ઘોષણા કરવામાં આવે તેવી શક્યતા પણ હાલ નકારી શકાતી નથી.
સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજ્ય સરકાર મિલકતના વર્તમાન જંત્રીદરમાં અંદાજે 10 થી લઇ 25 ટકા સુધીનો વધારો કરે તેવી હાલ સંભાવના હાલ જણાય રહી છે. જો કે આ માટે અલગ-અલગ તમામ વિકલ્પોની ચકાસણી અને મંત્રી મંડળના સભ્યો તથા અધિકારીઓ સાથે પુખ્ત વિચારણાં કર્યા બાદ જંત્રીના દરમાં કેટલો વધારો કરવો તે અંગે સત્તાવાર નિર્ણય કરવામાં આવશે. એક વાત ફાઇનલ છે કે ગુજરાત સરકાર દ્વારા 12 વર્ષના લાંબા અંતરાલ બાદ જંત્રીના દરમાં વધારો કરવામાં આવશે.