જીએસટીને અભ્યાસક્રમમાં ઉમેરતું પ્રથમ રાજય બન્યુ ગુજરાત
કાળા નાણાને નાથવા માટે મોદી સરકારે જીએસટી લાગુ કરીને ઐતિહાસિક ફેરફારો દ્વારા ફાયનાન્સીયલ સીસ્ટમમાં મસમોટા ફેરફારો કર્યા છે. ત્યારે જીએસટી લાગુ થયા બાદ હવે ગુજરાત શિક્ષણ વિભાગે તેને ધો.૧૧, ૧૨ કોમર્સના અભ્યાસક્રમના વિષય તરીકે જોડવા માટેનો મહત્વનો નિર્ણય લેતા ગુજરાત પ્રથમ રાજય બન્યુ છે જેમાં જીએસટીનો શિક્ષણ અભ્યાસમાં સમાવેશ કરવામાં આવશે.
જીએસટીને અભ્યાસક્રમમાં જોડવાનો મહત્વનો નિર્ણય લેતા એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, જીએસટીને શિક્ષણમાં જોડતા પહેલા કુલ ૯ ચાર્ટડ અકાઉન્ટન્ટ અને નાણા વિભાગના અધિકારીઓનો મત લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ધો.૧૧, ૧૨ના કોમર્સ અભ્યાસક્રમમાં જીએસટીની એન્ટ્રી કરવામાં આવી હતી. આમ પણ જીએસટીને લઈને કેટલાક લોકોને હજુ પણ ઘણી ગેરસમજણ અને અસમંજસ છે ત્યારે અભ્યાસ ક્રમમાં જીએસટીને દાખલ કરવાથી ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસને જાણવા તેમજ સમજવામાં ભાવી પેઢીના વાણીજય ક્ષેત્રના વિદ્યાર્થીઓને મદદરૂપ બનશે.
આગામી વર્ષ ૨૦૧૯થી કોમર્સમાં ધો.૧૧, ૧૨ના વિદ્યાર્થીઓને કલાસમમાં જીએસટી પણ આંકડા શાસ્ત્ર, અર્થશાસ્ત્ર સહિતના વિષયો સાથે ભણાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જીએસટીને અભ્યાસક્રમમાં જોડના ગુજરાત પ્રથમ રાજય બન્યુ છે. ત્યારે શિક્ષકો જીએસટી જેવા જટીલ વિષયને સરળ રીતથી સમજી શકાય તેવા પ્રેકટીકલ તેમજ થીયરી નોલેજ સાથે વિદ્યાર્થીઓને જ્ઞાન આપશે.