એઆઈ પર્સનલ ડેટાનો ઉપયોગ કરી ટેકનોલોજી ડેવલપ કરતી હોય જેની સામે અનેક દેશોની સરકારનો વિરોધ, ભારતમાં પણ જાયન્ટ કંપનીઓની આ કરતૂતને રોકવા ડ્રાફ્ટ તૈયાર, ચોમાસુ સત્રમાં કાયદો ઘડાય તેવી પણ શકયતા
આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ માટે પર્સનલ ડેટાની જરૂર પડતી હોય પણ સરકાર આ મામલે કડક વલણ દાખવી રહી હોય, ચેટ જીપીટી અને બાર્ડ લોકોના પર્સનલ ડેટાનો ઉપયોગ ન કરે તે માટે સરકાર હરકતમાં આવી છે. જો એઆઈ ચેટબોટ્સ પોતાને સુધારવા માટે સાર્વજનિક રીતે ઉપલબ્ધ ડેટાનો ઉપયોગ કરે છે, તો તેમની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે. આ માટે સરકાર ડ્રાફ્ટ તૈયાર કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
થોડા સમય પહેલા ગૂગલે તેના એઆઈ ટૂલની ગોપનીયતા નીતિમાં ફેરફાર કર્યો હતો અને કહ્યું હતું કે કંપની તેના એઆઈ ઉત્પાદનો અને સેવાઓને સુધારવા માટે સાર્વજનિક રીતે ઉપલબ્ધ ડેટાનો ઉપયોગ કરશે. જોકે ભારત અને અન્ય દેશો તેની વિરુદ્ધ છે. ભારત સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન 2023નો નવો ડ્રાફ્ટ બનાવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે એઆઈ કંપનીઓ તેમના ચેટબોટ્સને સુધારવા માટે સાર્વજનિક રીતે ઉપલબ્ધ ડેટાનો ઉપયોગ કરી શકશે નહીં. હાલમાં સરકાર દ્વારા એક રફ ડ્રાફ્ટ બનાવવામાં આવ્યો છે, જે આ ચોમાસુ સત્રમાં પસાર થાય તો કાયદો બની શકે છે.
બિલના નવા ડ્રાફ્ટમાં સરકારે જૂની કલમ હટાવી દીધી છે જેમાં લોકોના ડેટાને મુક્ત રીતે પ્રોસેસ કરવાની વાત કરવામાં આવી હતી. નિષ્ણાતો કહે છે કે જો એઆઈ કંપનીઓ આ બિલ પસાર થયા પછી સાર્વજનિક રીતે ઉપલબ્ધ ડેટાને સ્ક્રેપ કરે છે, તો તેમની સામે કાયદાકીય પગલાં લેવામાં આવી શકે છે જેમ કે હાલમાં યુએસમાં ચાલી રહ્યું છે.
થિંક ટેન્ક સાથે કામ કરતા એક જાહેર નીતિ નિષ્ણાતે જણાવ્યું હતું કે ડીપીડીપી બિલમાંથી કલમ 8(8) દૂર કરવાથી જાહેર હિત હેઠળ કોઈપણ સાર્વજનિક રૂપે ઉપલબ્ધ વ્યક્તિગત ડેટાની પ્રક્રિયા કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જે ચેટજીપીટી જેવા નવા એઆઈ સાધનોના વિકાસને અસર કરી શકે છે. સરકાર નવો ડ્રાફ્ટ લોકસભામાં મૂકશે, જો પાસ થઈ જશે તો દેશવાસીઓ માટે સારું રહેશે. ટેક એક્સપર્ટ્સે કહ્યું કે આ ડ્રાફ્ટમાંથી જૂની કલમ હટાવવાથી એ દર્શાવે છે કે હવે એઆઈ કંપનીઓને ડેટા પ્રોસેસ કરવા માટે પરવાનગી લેવી પડશે.
યુએસ ફેડરલ ટ્રેડ કમિશનએ ગયા અઠવાડિયે ચેટજીપીટી નિર્માતા ઓપન એઆઈ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. એફટીસી એ જાણવા માંગે છે કે શું કંપની ખરેખર ગ્રાહક સુરક્ષા કાયદાનું ઉલ્લંઘન કરી રહી છે. તેના 20 પાનાના પત્રમાં, એફટીસીએ ઓપનએઆઈ ને સ્ટાર્ટઅપની એઆઈ મોડલ તાલીમ અને વ્યક્તિગત ડેટા હેન્ડલિંગ અને અન્ય સુરક્ષા ચિંતાઓ વિશે ઘણા પ્રશ્નો પૂછ્યા.
અહીં કંપનીના સીઈઓ સેમ ઓલ્ટમેને એક ટ્વિટમાં કહ્યું કે કંપની એજન્સી સાથે કામ કરશે. તેમણે કહ્યું કે કંપનીની ટેક્નોલોજી સુરક્ષિત અને યુઝર ફ્રેન્ડલી છે અને અમને વિશ્વાસ છે કે અમે કાયદાનું પાલન કરીશું. ઓલ્ટમેને એમ પણ કહ્યું હતું કે કંપની વપરાશકર્તાઓની ગોપનીયતાનું રક્ષણ કરે છે અને તેની સિસ્ટમ્સને વિશ્વ વિશે જાણવા માટે ડિઝાઇન કરી છે, ખાનગી વ્યક્તિઓ માટે નહીં.