શાળા પ્રવેશોત્સવ બાળકોના ભવિષ્યનું પ્રથમ સોપાન
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અન્વયે ગુજરાતની દરેક સરકારી પ્રાથમિક શાળામાં બાલવાટિકા શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. તેથી, આ વર્ષે બાલવાટિકામાં પ્રવેશ પામનારા બાળકોનો પણ શાળા પ્રવેશોત્સવમાં સમાવેશ કરવામાં આવશે. પહેલી જુનના રોજ પાંચ વર્ષથી વધુ અને છ વર્ષ કરતા ઓછી વય હોય, તેવા બાળકોને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે. રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવની 18મી શૃંખલા તા. 12 થી 14 જુન દરમિયાન યોજાશે. જે અન્વયે રાજકોટ જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારી બી. એસ. કૈલાના માર્ગદર્શન હેઠળ વર્ષ 2023-’24 માટે સરકારી શાળાઓની બાલવાટિકાઓમાં કુલ 11,899 ભૂલકાંઓ પ્રવેશ મેળવશે.
શાળા પ્રવેશોત્સવ – 2023 અંતર્ગત રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકામાં 1 દિવ્યાંગ મળી કુલ 2084 બાળકો, જેતપુર તાલુકામાં 1 દિવ્યાંગ મળી કુલ 1017 બાળકો, જામકંડોરણા તાલુકામાં કુલ 571 બાળકો, પડધરી તાલુકામાં 1 દિવ્યાંગ મળી કુલ 616 બાળકો, ઉપલેટા તાલુકામાં કુલ 973 બાળકો, કોટડાસાંગાણી તાલુકામાં 1 દિવ્યાંગ મળી કુલ 717 બાળકો, ધોરાજી તાલુકામાં 2 દિવ્યાંગ મળી કુલ 962 બાળકો, ગોંડલ તાલુકામાં 8 દિવ્યાંગ મળી કુલ 1309 બાળકો, જસદણ તાલુકામાં 1589 બાળકો, લોધીકા તાલુકામાં 1 દિવ્યાંગ મળી 557 બાળકો તથા વિંછીયા તાલુકામાં 1 દિવ્યાંગ મળી 1504 બાળકો સરકારી શાળાઓની બાલવાટિકાઓમાં પ્રવેશપાત્ર છે.
આમ, રાજકોટ જિલ્લાની સરકારી બાલવાટિકાઓમાં 16 દિવ્યાંગ બાળકો સહીત કુલ 11,899 બાળકોને પ્રવેશ અપાશે. રાજકોટ જિલ્લામાં 6086 કુમારો અને 5813 ક્ધયાઓને પ્રવેશ મળતાં શાળા પ્રવેશોત્સવ બાળકોના ભવિષ્યનું પ્રથમ સોપાન બની રહેશે.
ઢોલ નગારા, ગીતોગાઈ, રેલી દ્વારા આંગણવાડી પ્રવેશોત્સવનો પ્રચાર કરાયો
રાજકોટ જિલ્લામાં આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા પ્રોગ્રામ ઓફિસર સાવિત્રી નાથજીના માર્ગદર્શન હેઠળ આંગણવાડી પ્રવેશોત્સવ 2023-24 અંતર્ગત પ્રચાર-પ્રસારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભૂલકાઓને આંગણવાડીમાં હૂંફાળો આવકાર મળે, તેમનો આંગણવાડીમાં આવવાનો ઉત્સાહ વધે અને વાલીઓમાં આંગણવાડી દ્વારા આપવામાં આવતા પૂર્વ શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી આંગણવાડી પ્રવેશોત્સવ યોજાનાર છે. આ માટે રાજકોટ જિલ્લાની 1360 આંગણવાડીઓના વર્કર બહેનો દ્વારા આંગણવાડી પ્રવેશોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે આંગણવાડી પ્રવેશોત્સવ રેલી તેમજ અન્ય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
જિલ્લામાં વિવિધ ઘટકો દ્વારા ઢોલ નગારા વગાડી, ગીતો ગાઈ, રેલી યોજી, બાળકો દ્વારા બનાવાયેલા આમંત્રણ કાર્ડ ગામના આગેવાનોને આપવા જેવી પ્રવૃત્તિઓ તેમજ યોજનાકીય સંદેશા સાથે ગામની શેરીઓમાં સૂત્રોચ્ચાર કરીને આંગણવાડી પ્રવેશોત્સવનો પ્રચાર કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. આ રેલી અને વિવિધ પ્રવૃત્તિઓમાં અનેક બાળકો જોડાઈ રહ્યા છે. આંગણવાડી પ્રવેશોત્સવ દ્વારા રાજકોટ જિલ્લાની 1360 આંગણવાડીઓમાં અંદાજે 6500થી વધુ બાળકો પ્રવેશ પામશે.