ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા એક વીડિયોમાં કહેવાયું છે કે દેશની પહેલી હાઇ સ્પીડ બુલેટ ટ્રેનનું કામ કયારે અને કેવી રીતે શરૂ થશે. સાથો સાથ દેખાડવામાં આવ્યું છે કે કે કેવી રીતે બુલેટ પ્રોજેક્ટનું કામ આગળ વધશે. આ વીડિયોમાં બુલેટ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાવ્યો છે. વીડિયોના મતે આ આખા પ્રોજેક્ટને પૂરો કરવાનું કામ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરાશે.
બુલેટ ટ્રેનના નિર્માણનું સૌથી પહેલું પગલું હશે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ ખોલવાનું છે. આ ઇન્સ્ટિટ્યુટ વડોદરામાં ખોલાશે. અહીં અંદાજે 4000 લોકોને ટ્રેનિંગ અપાશે. જૂન 2018થી પુલ બનાવાશે જેના પર ટ્રેક પથરાશે. તેના લીધે 20000 લોકોને રોજગારી મળવાનો દાવો કરાઇ રહ્યો છે. ભારતની પહેલી બુલેટ ટ્રેન જૂન 2021 સુધીમાં ભારત આવશે. આમ તો ટ્રેન એક કલાકમાં 320 કિલોમીટરની ઝડપથી ચાલી શકે છે પરંતુ તેનો ટ્રાયલ આંતરરાષ્ટ્રીય માપદંડોને ધ્યાનમાં રાખીને કરાશે.
વીડિયોમાં જણાવામાં આવ્યું છે કે બુલેટ ટ્રેન માટે ગુજરાત અમદાવાદના સાબરમતી સ્ટેશનને નવું બનાવાશે. સાબરમતી સ્ટેશનનું સ્વરૂપ જ આખું બદલાઇ જશે. દાવો કરાઇ રહ્યો છે કે બુલેટ ટ્રેનમાં વાર્ષિક 150 મિલિયન લોકો મુસાફરી કરશે. માનવામાં આવી રહ્યું છે કે આ પ્રોજેક્ટ 2022 સુધીમાં પૂરો થઇ જશે. તેની મદદથી મુંબઇ સુધીની મુસાફરી સાત કલાકની જગ્યાએ માત્ર 3 કલાકમાં પૂરી કરી શકાશે. તેનો રસ્તો બનાવા માટે 21 કિલોમીટરની સુરંગ પણ ખોદાશે. જેમાં સાત કિલોમીટરનો રસ્તો દરિયામાંથી પસાર થશે.
બુલેટ ટ્રેનમાં અમદાવાદથી મુંબઇની વચ્ચે 12 સ્ટેશન હશે. તેમાં મુંબઇ, થાણે, વિરાર, બોસિર, વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, અને સાબરમતી સામેલ છે. જો બુલેટ ટ્રેન માત્ર ચાર સ્ટેશન (અમદાવાદ, વડોદરા, સુરત અને મુંબઇ) પર થોભશે તો 508 કિલોમીટરનું અંતર માત્ર 2 કલાક 7 મિનિટમાં પૂરું કરી શકશે.