પહેલા મોદી અદાણીના પ્લેનમાં મુસાફરી કરતા, હવે અદાણી મોદીના પ્લેનમાં મુસાફરી કરે છે :સંસદમાં અદાણી મુદ્દે મોદી સરકાર ઉપર રાહુલના ઘા
બજેટ સત્ર દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં અદાણી મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કેન્દ્રની મોદી સરકાર અદાણી ગ્રુપનો પક્ષ લઈ રહી છે. પીએમ મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે પહેલા તેઓ અદાણીના પ્લેનમાં મુસાફરી કરતા હતા અને હવે અદાણી મોદીજી સાથે તેમના પ્લેનમાં મુસાફરી કરે છે. પહેલા આ મુદ્દો ગુજરાત પૂરતો સીમિત હતો અને હવે તે આંતરરાષ્ટ્રીય બની ગયો છે.
રાહુલ ગાંધી સહિત સમગ્ર કોંગ્રેસ પાર્ટી જે રીતે અદાણીને લઈને મોદી સરકાર પર પ્રહારો કરી રહી છે તે જોતા લાગે છે કે 2024ની સામાન્ય ચૂંટણીમાં વિપક્ષ અદાણી કેસને મુખ્ય મુદ્દા તરીકે જનતાની સામે રાખશે. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી પણ અદાણી અને અંબાણી અંગે મોદી સરકાર પર આરોપ લગાવતા જોવા મળ્યા હતા. કોંગ્રેસ હંમેશા મોદી સરકાર પર દેશના મોટા ઉદ્યોગપતિઓની તરફેણ કરવાનો આરોપ લગાવતી રહી છે, પરંતુ જ્યારથી અદાણી ગ્રૂપ પર હિંડનબર્ગ રિપોર્ટ સામે આવ્યો છે ત્યારથી કોંગ્રેસ અને રાહુલ ગાંધી આ મુદ્દાને સતત ટોચ પર રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સંસદમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને પૂછ્યું કે અદાણીએ છેલ્લા 20 વર્ષમાં ભાજપને કેટલા પૈસા આપ્યા? રાહુલે આરોપ લગાવ્યો કે 2022માં શ્રીલંકા ઈલેક્ટ્રિસિટી બોર્ડના અધ્યક્ષે શ્રીલંકાની સંસદીય સમિતિને જાણ કરી હતી કે તેમને રાષ્ટ્રપતિ રાજપક્ષે દ્વારા કહેવામાં આવ્યું હતું કે અદાણીને પવન ઉર્જા પ્રોજેક્ટ આપવા માટે વડા પ્રધાન મોદી દ્વારા તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે પીએમ મોદી ઓસ્ટ્રેલિયા ગયા અને એસબીઆઈએ જાદુઈ રીતે અદાણીને 1 બિલિયન ડોલરની લોન આપી.વડા પ્રધાન બાંગ્લાદેશ જાય છે અને પછી દેશના વીજળી વિકાસ બોર્ડે અદાણી સાથે 25 વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. રાહુલે વધુમાં કહ્યું કે આ ભારતની વિદેશ નીતિ નથી. અદાણીના બિઝનેસ માટેની આ નીતિ છે.
વધુમાં સંસદમાં રાહુલ ગાંધીએ સરકાર ઉપર અગ્નિવીરને લઈને પણ આક્ષેપો કર્યા હતા. જેમાં રાહુલે કહ્યું કે અગ્નિવીર યોજના સેનાની નથી. આ યોજના આરએસએસની હોય તેવું લાગી રહ્યું છે.