૨૪મીએ વડાપ્રધાન મોદી યુ.પી.માં યોજાનારી નેશનલ કન્વેન્શનમાં ખેડૂતો માટે મોટી રાહતની જાહેરાતો કરવાની શકયતા

કૃષિ પ્રધાન દેશ ભારતના ધરતીપુત્ર ખેડૂતોના વિકાસ માટે સરકાર મહત્વકાંક્ષી યોજનાઓ લઈને આવી છે. ખેડૂતોની આવક બમણી કરવા સરકાર પ્રોત્સાહનના પટારા ખોલશે. ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, કેન્દ્ર ટૂંક સમયમાં જ ખેડૂતોની આવકને લઈ ખુબજ મોટા નિર્ણયો લેવા જઈ રહ્યું છે. ખેડૂતોની પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય જનતા પાર્ટીના વિરેન્દ્રસિંહ મસ્તે કહ્યું હતું કે, ગ્રામ્ય તેમજ કૃષિ વિસ્તારમાં સરકારે અગણીત ઐતિહાસિક નિર્ણયો લીધા છે. ભવિષ્યમાં પણ ખેડૂતોની આવક વધે અને તેઓ વિકાસના શિખરો સર કરે તેને લઈ સરકાર સતત પ્લાનીંગ કરી રહી છે.

ખેડૂતોને થતાં ખર્ચ ઘટાડવાને લઈ કેન્દ્ર સરકાર તેમને અન્યની જમીન ઉપર નિર્ભર ન રહેવું પડે તેને લઈ નિર્ણયો લેશે. દેશભરના ખેડૂતોની જે લોન મેળવવાની મુશ્કેલી છે તેની પણ કામગીરી કરવામાં આવશે. વધુમાં તેમણે ઉમેર્યું કે, ભાજપની ખેડૂતોની વિંગની રાષ્ટ્રીય કન્વેન્શન જે ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં યોજાનાર છે તેમાં ૨૪મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના છે. શકયતાઓ છે કે, ૨૪મીએ ખેડૂતલક્ષી યોજનાઓની ઐતિહાસિક જાહેરાતો થાય જેવી રીતે સવર્ણો માટે ૧૦ ટકા અનામતનો પટારો ખોલી સરકારે ચૂંટણીલક્ષી જાહેરાતો કરી છે તેમ દેશના નારાજ ખેડૂતોને મનાવવા માટે પણ સરકાર મોટા નિર્ણયો જાહેર કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.