લોકતાંત્રીક વ્યવસ્થામાં ‘મહાપંચાયત’ની ગરીમાપૂર્વકના દરજ્જાથી કોઈ સંસ્થા ઉપરવટ ન જ જઈ શકે !!!
કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈને કોઈપણ કેસમાં તપાસ શરૂ કરતા પહેલા સંબંધીત રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે. સીબીઆઈની તપાસને લઈને છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકારો દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પ્રશ્ર્ન વચ્ચે સુપ્રીમ કોર્ટે પોતાનો મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં સાફ કહી દીધું છે કે, પ્રવર્તમાન સંવિધાનમાં સ્પષ્ટ છે કે, રાજ્ય સરકાર લોકતાંત્રીક વ્યવસ્થામાં સરકારની મંજૂરી વગર કોઈપણ તપાસનીશ સંસ્થા કામ ન કરી શકે.
સુપ્રીમ કોર્ટે આ દિશામાં મહત્વની કેડી કંડારતા ચુકાદામાં જણાવ્યું છે કે, દિલ્હીની વિશેષ પોલીસ સંસ્થા ડીએસપીઈ અધિનિયમ અંતર્ગત સમાવિષ્ટ અધિકારોના ક્ષેત્ર માટે સીબીઆઈને કોઈપણ પ્રકારની તપાસ પૂર્વે રાજ્ય સરકારની મંજૂરી લેવી જરૂરી છે. કોર્ટે જણાવ્યું હતું કે, ડીએસપીઈ કાયદા અધિનિયમ ૫ અંતર્ગત કેન્દ્ર સરકારને કેન્દ્ર શાસીત પ્રદેશો બહારના વિસ્તારોમાં સીબીઆઈની તપાસ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે કે રાજ્ય સરકારની મંજૂરીની આવશ્યકતા હોય છે.
મહારાષ્ટ્ર સરકારે એક પરિપત્ર જારી કરીને સીબીઆઈને પોતાના રાજ્યમાં તપાસ માટે આપેલી મંજૂરી રદ્દ કરી હતી. તપાસના આદેશો રદ્દ કરવાના મહારાષ્ટ્ર સરકારના આ આદેશોથી કેસની તપાસમાં કોઈ અસર નહીં થાય પરંતુ જો ભવિષ્યમાં સીબીઆઈ મહારાષ્ટ્રમાં કોઈપણ નવા કેસમાં તપાસ કરવા માંગતી હોય તો તેને રાજ્ય સરકારની મંજૂરી લેવાની ફરજ પડશે.
સીબીઆઈ કેન્દ્ર શાસીત સૌથી વધુ શક્તિશાળી અને અધિકાર ભોગવતી તપાસનીશ સંસ્થા છે. કેન્દ્ર શાસીત પ્રદેશ સહિતના સંલગ્ન દેશમાં તે પોતાની તપાસ માટે સ્વાયત છે પરંતુ સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી હવે સીબીઆઈને કોઈપણ રાજ્યમાં તપાસ શરૂ કરતા પહેલા રાજ્ય સરકારની અનુમતિ લેવી અનિવાર્ય બની ગયું છે. લોકતાંત્રીક વ્યવસ્થામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા, પંચાયતથી લઈ મહાપંચાયત સુધીની લોક મંદિર જેવી સંસ્થાઓને સત્તા, અધિકારો વિશિષ્ટરૂપે અપાયા છે. સીબીઆઈને તપાસ શરૂ કરતા પહેલા હવે રાજ્ય સરકારની અનુમતિ લેવી અનિવાર્ય બની ગઈ છે.