મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે અકોટાના ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહિલેના જનહિત કાર્યાલયને સૂર્યકિરણ કોમ્પલેક્ષ અકોટા ખાતે ખૂલ્લું મુકયું હતું.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે એકાત્મ માનવતાવાદના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયના અંત્યોદય કલ્યાણના વિચારોને ભાજપા સરકાર છેવાડાના માનવી સુધી પ્રજાકલ્યાણ અને વિકાસલક્ષી યોજનાઓ સુપેરે પહોંચાડી પ્રજાજનોને સુશાસનનો અહેસાસ કરાવી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સમાજના અંતિમ માનવીને જનસુવિધાઓ ઘેર બેઠા મળે તે માટે સરકાર સંકલ્પબધ્ધ છે. અકોટાના ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહિલે દ્વારા જનહિત માટે શરૂ કરવામાં આવેલા કાર્યાલયમાં નાનામાં નાના માણસની સમસ્યાઓનું નિરાકરણ આવશે તેવો વિશ્વાસ વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જનસેવા કેન્દ્ર શરૂ કરવા બદલ ધારાસભ્યશ્રીને અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, મેયરશ્રી ભરતભાઇ ડાંગર, વુડાના ચેરમેનશ્રી નારણભાઇ પટેલ, ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, ધારાસભ્યશ્રી જીતુભાઇ સુખડિયા, પૂર્વધારાસભ્યશ્રીઓ, અન્ન અને નાગરિક પુરવઠાના ચેરમેન શ્રી ભૂપેન્દ્રભાઇ લાખાવાલા, વડોદરા કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.