આટકોટ ખાતે આયોજિત સેવાસેતુ કાર્યક્રમનો શુભારંભ કરાવતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા
આટકોટ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સેવાસેતુ કાર્યક્રમનો શુભારંભ પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય વડે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મંત્રી કુવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, સેવાસેતુ થકી રાજ્યના છેવાડાના માનવી સુધી સુખ-સુવિધા પહોંચાડવા સરકાર કટીબધ્ધ છે. હાલમાં જ રાજ્ય સરકારે આયુષ્માન કાર્ડ અંતર્ગત મળતી સુવિધામાં વિક્રમ જનક ફેરફાર કરીને સામાન્ય માનવી માટે મેડિકલ સહાયનો ધોધ ખુલ્લો મૂકી દીધો છે. અત્યાર સુધી આયુષ્માન ભારત કાર્ડ અંતર્ગત મળતી સુવિધા પાંચ લાખની હતી, જે અંગે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અંતર્ગત તેમાં વધારો કરીને દસ લાખ રૂપિયા સુધીની આરોગ્યની સુરક્ષા નિ:શુલ્ક પૂરી પાડવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યનો કોઈ માનવી ભૂખ્યો ના સુવે તે માટે દેશના વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં શરૂ થયેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મુદતમાં સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, વિધવા સહાય, જન્મ-મરણના દાખલા, આયુષ્માન કાર્ડ, બુસ્ટર ડોઝ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધાઓ વગેરે એક જ જગ્યાએથી મળી રહે તે માટે આયોજિત સેવા સેતુ સુશાસનનું એક શ્રેષ્ઠ ઉદાહરણ સાબિત થશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
મંત્રી બાવળીયાએ વહિવટી તંત્રને સંવેદનશીલ અને પ્રજાભિમુખ બનીને કામ કરવા સુચવ્યું હતું તેમજ સેવાસેતુના આયોજન બદલ તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.
મંત્રી અને મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જસદણ તાલુકાના પ્રાંત અધિકારી રાજેશ આલએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.આ પ્રસંગે શાસક પક્ષના તાલુકા પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા, તાલુકા વિકાસ અધિકારી જી.એમ.રાઠોડ, મામલતદારશ્રી સંજય અસવાર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.