- વિધાનસભા ગૃહમાં કલાકારોના સ્વાગત અને સન્માન કરવામાં આવશે
- વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ
- સરકારે રાજ્યમાં જુદાજુદા જિલ્લાઓમાંથી 300થી વધુ કલાકારોને આમંત્રિત કર્યા છે
વિધાનસભા ગૃહમાં કલાકારોના સ્વાગત અને સન્માન કરવામાં આવશે, આ માટે સરકારે રાજ્યમાં જુદાજુદા જિલ્લાઓમાંથી 300થી વધુ કલાકારોને આમંત્રિત કર્યા છે
થોડાક દિવસો પહેલા 10 માર્ચે ગુજરાત વિધાનસભામાં યોજાયેલા કલાકારોના સન્માન સમારંભમાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન મળવાને લઇને વિવાદ થયો હતો. ગુજરાતના સુપરસ્ટાર અને લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોરે રાજ્ય સરકાર દ્વારા ઠાકોર સમાજના કલાકારો અને અન્ય સમાજની અવગણના કર્યાના આક્ષેપો કર્યા હતા. વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયા પર લાઈવ કાર્યક્રમ દરમિયાન પોતાની વેદના વ્યક્ત કરી હતી. હવે સરકારે આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઇને વિક્રમ ઠાકોર અને અન્ય કલાકારોને વિધાનસભામાં ગૃહની કાર્યવાહી નીહાળવા આમંત્રિત કર્યા છે. અ
મળતી માહિતી મુજબ, વિધાનસભા ગૃહમાં કલાકારોના સ્વાગત અને સન્માન કરવામાં આવશે, આ માટે સરકારે રાજ્યમાં જુદાજુદા જિલ્લાઓમાંથી 300થી વધુ કલાકારોને આમંત્રિત કર્યા છે. વિક્રમ ઠાકોરે સમાજના અને અન્ય સમાજના કલાકારોના સન્માનની અવગણનાને લઇને સરકાર સામે મોરચો માંડ્યો હતો, નારાજગી વ્યક્ત કરતા ગાંધીનગરમાં એક મોટુ સંમેલન પણ યોજ્યુ હતુ. જોકે, હવે સરકારે આ મામલે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે વિક્રમ ઠાકોરને 26 અને 27 માર્ચે એમ બે દિવસ માટે વિધાનસભામાં આમંત્રિત કર્યા છે.
26મી માર્ચે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક કલાકારોને આમંત્રિત કરાયા છે, 26મી માર્ચે વિક્રમ ઠાકોર, હિતુ કનોડિયા, સિદ્ધાર્થ રાંદેરિયા, હિતેન કુમાર, મમતા સોની, મલ્હાર ઠાકર, યશ સોની, જાનકી બોડીવાલા, મિત્ર ગઢવી, ભવ્ય ગાંધી સહિતના મોટા કલાકારોને સરકારે ગૃહની કાર્યવાહી નીહાળવા અને સન્માનિત કરવા આમંત્રિત કર્યા છે. ખાસ વાત એ છે કે, 200 જેટલા અન્ય કલાકારોને 27 માર્ચે વિધાનસભામાં આમંત્રિત કરવામાં આવ્યા છે.
રાજ્યમાંથી 300 જેટલા કલાકારો, એકટર-એક્ટ્રેસીસ, સંગીત વાદકોને આમંત્રણ આપવામાં આવ્યુ છે. દરેક જિલ્લામાંથી ફિલ્મ અને સાંસ્કૃતિક ક્ષેત્રે જોડાયેલા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. અગાઉ લોક સાહિત્યકારને આમંત્રણ આપીને વિધાનસભા ગૃહની કામગીરી જોવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જોકે કલાકારોના આમંત્રણ અને સન્માનના વિવાદ બાદ હવે કલાકારોના આમંત્રણ મુદ્દે પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયાને જવાબદારી સોંપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 10 માર્ચના રોજ જાણીતા લોકકલાકારો ભીખુદાન ગઢવી, માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, ગીતા રબારી, જીજ્ઞેશ કવિરાજ અને કિંજલ દવે વિધાનસભાની કાર્યવાહી નિહાળવા માટે પહોંચ્યા હતા અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.