સરકારે સોલાર પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા અને સોલર પેનલના ઊંચા ખર્ચને આવરી લેવા રૂફટોપ સોલાર પ્રોગ્રામ હેઠળ રહેણાંક ક્ષેત્રને અપાતી કેન્દ્રીય નાણાકીય સહાયમાં વધારો કર્યો છે.
નવી અને પુન:પ્રાપ્ય ઉર્જા મંત્રાલયની સૂચના અનુસાર, સામાન્ય રાજ્યો માટે 3 કિલો વોટ સુધીની ક્ષમતા માટે સહાય 23.4% વધારીને રૂ.18,000 પ્રતિ કિલોવોટ કરવામાં આવી છે. જે અગાઉ રૂ. 14,588 પ્રતિ કિલોવોટ હતી.
રહેણાંક સોલાર રૂફટોપ પ્રોજેકટમાં 3 કિલો વોટ સુધીની ક્ષમતા માટે સહાય રૂ.18,000 અને 10 કિલોવોટ સુધીની ક્ષમતા માટે સહાય રૂ.9,000 પ્રતિ કિલોવોટ કરાઈ
3 કિલો વોટ થી વધુ અને 10 કિલોવોટ સુધીની ક્ષમતા માટે, સામાન્ય રાજ્યો માટે સહાય 7,294 રૂપિયા પ્રતિ કિલોવોટ થી વધારીને રૂ. 9,000 પ્રતિ કિલોવોટ કરવામાં આવી છે.રૂફટોપ પ્રોજેક્ટ્સ માટે કેન્દ્રીય નાણાકીય સહાયમાં ફેરફાર લગભગ એક વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો
નવા દરો 20 જાન્યુઆરી પછી બંધ કરાયેલી તમામ અરજીઓ અને 5 જાન્યુઆરી પછી સબમિટ કરાયેલા દાવાઓ પર લાગુ થશે. નવેમ્બરમાં કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયરમેન્ટ એન્ડ વોટરના અહેવાલ મુજબ, સમગ્ર ભારતમાં 25 કરોડથી વધુ ઘરોની છત પર 637 ગીગાવોટ સોલાર પાવર ક્ષમતા થવા સંભાવના છે.
નવી અને પુન:પ્રાપ્ય ઉર્જા મંત્રાલય તરફથી મૂડી સબસિડી સાથે, ક્ષમતા વધીને 32 ગીગા વોટ થઈ ગઈ છે, જે વધુ ગ્રાહકો માટે સોલર સિસ્ટમને શક્ય બનાવે છે, અહેવાલમાં જણાવાયું છે. અહેવાલ મુજબ, હાલમાં, ભારતે 11 ગીગા વોટ રૂફટોપ સોલર ક્ષમતા સ્થાપિત કરી છે, જેમાંથી માત્ર 2.7 ગીગા વોટ રહેણાંક ક્ષેત્રમાં છે.
2022 સુધીમાં 40-ગીગાવોટ રૂફટોપ સોલાર લક્ષ્યાંક હાંસલ કરવા માટે, કેન્દ્ર સરકારે કેન્દ્રીય નાણાકીય સહાય દ્વારા પ્રોત્સાહનો સાથે ગ્રીડ-કનેક્ટેડ રૂફટોપ અને નાના સોલાર પાવર પ્લાન્ટ પ્રોગ્રામના બે તબક્કા શરૂ કર્યા હતા. ઉદ્યોગના નિષ્ણાતોના મતે, ડિસ્કોમ તેમના ઊંચા પગારવાળા ગ્રાહકો પાસેથી આવક ગુમાવવાના ભય, આવા પ્રોજેક્ટ્સની નાણાકીય શક્યતા અને સોર્સિંગ ફાઇનાન્સ અને જરૂરી નેટ મીટરિંગ સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવામાં સમસ્યાઓના કારણે રૂફટોપ સોલાર પ્રોજેક્ટ્સ માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં અચકાય છે.