- એક જ દિવસમાં વિમાન ભાડામાં 50 ટકાનો ઘટાડો
- દિલ્હીથી પ્રયાગરાજ સુધીની ફ્લાઈટ્સની કિંમત 29,000થી ઘટીને સરેરાશ 10,000 કરાઇ
મહાકુંભમાં જવા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. જેને લઇને એરલાઇન્સ દ્વારા બેફામ ભાડા વસૂલવામાં આવી રહ્યાં હતાં. ત્યારે સરકારના હસ્તક્ષેપ બાદ પ્રયાગરાજના હવાઈ ભાડામાં 50 ટકાથી વધુ ઘટાડો થયો છે. કુંભ મેળા દરમિયાન વધતા હવાઈ ભાડા અંગે વધતી જતી ચિંતાઓ વચ્ચે, નાગરિક ઉડ્ડયન નિયમનકાર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને બુધવારે એરલાઈન્સને વાજબી ટિકિટના ભાવ જાળવવા નિર્દેશ આપ્યો હતો. ઉચ્ચ માંગને પહોંચી વળવા એરલાઇન્સે પણ શહેરમાં ફ્લાઇટ્સ વધારી છે. સરકારના અનુમાન મુજબ, આશરે 1.5 મિલિયન વિદેશી પ્રવાસીઓ સહિત 450 મિલિયનથી વધુ ભક્તો મહા કુંભમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.
બુકિંગ પ્લેટફોર્મ પરના ભાડા દર્શાવે છે કે દિલ્હીથી પ્રયાગરાજ સુધીની ફ્લાઈટ્સની કિંમત અગાઉના રૂ. 29,000 હતી, જે સરેરાશ રૂ. 10,000 થઈ છે. એરલાઇન એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું હતું કે વધુ ફ્લાઇટ્સ ઉમેરવાને કારણે ભાડામાં લગભગ 50 ટકાનો ઘટાડો થયો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે જાન્યુઆરીમાં કુલ 81 વધારાની ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી હતી.
ભારતની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોએ ગઈ કાલે જણાવ્યું હતું કે પ્રયાગરાજ ફ્લાઈટ્સ માટે હવાઈ ભાડાં સ્થિર થઈ ગયા છે અને એરલાઈને મહાકુંભ માટે રૂટ પર ફ્લાઈટ્સની સંખ્યા નોંધપાત્ર રીતે વધારીને 900 કરી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ 5 ફેબ્રુઆરી, 2025 થી દિલ્હી અને વારાણસી વચ્ચે દૈનિક સીધી ફ્લાઈટ્સ શરૂ કરશે.