વધુ પ્રમાણમાં આયાત થતી 16 જેટલી પ્રોડક્ટને ગુણવતા ધોરણો હેઠળ આવરી લેવાશે
ઘરવપરાશની વસ્તુઓની ગુણવતા જાળવવા સરકાર હરકતમાં આવી છે. વધુ પ્રમાણમાં આયાત થતી 16 જેટલી પ્રોડક્ટને ગુણવતા ધોરણો હેઠળ આવરી લેવા સરકારે પ્લાન તૈયાર કરી નાખ્યો છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડીપીઆઈઆઈટી) એર કૂલર, સાઈકલ, બોટલ્ડ વોટર ડિસ્પેન્સર, પમ્પ, ડોર ફિટિંગ્સ, કુકવેર, ઇલેક્ટ્રિકલ એસેસરીઝ, કોમ્યુનિકેશમ કેબલ અને વોટર મિટર સહિતની 16 પ્રોડક્ટને ગુણવત્તાના ધોરણો હેઠળ લાવવાનું નક્કી કર્યું છે. આ પગલાનો હેતુ હલકી ગુણવત્તાવાળા માલની આયાતને રોકવા અને સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે.
વિભાગે 16 ઉત્પાદનો માટે ડ્રાફ્ટ કંટ્રોલ ઓર્ડર્સ જારી કર્યા છે. આ આદેશ મુજબ, તમામ ઉદ્યોગો, સર્વોચ્ચ ઉદ્યોગો/એસોસિએશનો, ક્ષેત્રીય ઉદ્યોગો/એસોસિએશનો, પ્રાદેશિક ઉદ્યોગો/એસોસિએશનો, સંબંધિત વહીવટી મંત્રાલયો, સંબંધિત સંશોધન અને વિકાસ સંસ્થાઓ/સંગઠનોને જાન્યુઆરીના ક્યુસીઓ દ્વારા ડ્રાફ્ટ પર તેમના મંતવ્યો મોકલવા વિનંતી કરવામાં આવી છે.
આ ઓર્ડરમાં સમાવિષ્ટ વસ્તુઓનું ઉત્પાદન, વેચાણ/વેપાર, આયાત અને સ્ટોક કરી શકાતો નથી સિવાય કે તે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ માર્ક ધરાવતી હોય. વિભાગ દ્વારા આ આદેશો તેના ડોમેન હેઠળ આવતા ઉદ્યોગો માટે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન એગ્રીમેન્ટ ઓન ટેક્નિકલ બેરિયર્સ ટુ ટ્રેડના કરાર અનુસાર જારી કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે નબળી ગુણવતા વાળી ઘરવપરાશની વસ્તુઓ કે જે જોખમી છે તેના કારણે કોઈ નુકસાન ન થાય તે માટે સરકારે તેની ગુણવતા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હવેથી આ પ્રોડક્ટ ગુણવતાયુક્ત હશે તો જ તેનું વેચાણ શક્ય બનશે. એટલે નબળી ગુણવતાવાળી પ્રોડક્ટ લોકો સુધી ન પહોંચે તેની તમામ તકેદારી રખાશે.
કેવી પ્રોડક્ટ માટે ક્વોલિટી ક્ધટ્રોલ નિયમ લાગુ થશે?
- એર કૂલર
- સાઈકલ
- બોટલ્ડ વોટર ડિસ્પેન્સર
- પમ્પ
- ડોર ફિટિંગ્સ
- કુકવેર
- ઇલેક્ટ્રિકલ એસેસરીઝ
- કોમ્યુનિકેશમ કેબલ
- વોટર મિટર સહિતની 16 પ્રોડક્ટ
નબળી પ્રોડક્ટ ઘરઆંગણે ઉત્પાદન થતી પ્રોડક્ટને હરીફાઈ આપતી, હવે તે બંધ થશે
ગુજરાતમાં ઘરવપરાશની અનેક વસ્તુઓનું ઉત્પાદન થાય છે. આ પ્રોડક્ટ ગુણવતા યુક્ત હોય છે. પરંતુ બહારથી આયાત કરવામાં આવતી પ્રોડક્ટ ગુણવતામાં હલકી હોય કિંમત બાબતે સ્થાનિક પ્રોડક્ટને ટક્કર મારે છે. પરંતુ હવે નબળી ગુણવતાવાળી પ્રોડક્ટની આયાત ઉપર રોક લાગશે એટલે ઘર આંગણે ઉત્પાદિત થતી ગુણવત્તાયુક્ત પ્રોડકટનું વેચાણ વધશે.