ભારતને વિશ્વગુરુ બનાવવા માટે નારીનો મોટો ફાળો રહેશે: સાંસદ પૂનમબેન માડમ

ભવ્ય ભારતના ગૌરવશાળી ગુજરાતની ગુણીયલ અને ખમીરવંતી નારી શકિતએ સામાજીક, આર્થિક અને રાજકીય વિકાસયાત્રામાં અમૂલ્ય યોગદાન આપેલ છે. ઝાંસીની રાણી, કસ્તુરબા વગેરે જેવા અનેક ઉદાહરણ છે. આવા અમૂલ્ય યોગદાન છતાં નારી અનઆદિકાળથી અબળા કહેવાય છે. આ માનસિકતામાંથી બહાર લાવવા માટે સરકાર દ્વારા અનેકાઅનેક નારી રક્ષા માટેના કાયદાઓ ઘડી તેમાં સુધારો લાવવાનો પ્રયાસ કરે છે. નારીની રક્ષા તેમજ તેના વિકાસ માટે, પોષણ માટે અનેક યોજનાઓની અમલવારી કરવા માટે ગુજરાત રાજય અગ્રેસર છે. ૮ માર્ચ વિશ્વ મહિલા દિવસના ભાગ‚પે પ્રદર્શન ગ્રાઉન્ડ જામનગર ખાતે ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી કૃષિ, ગ્રામ વિકાસ, મત્સ્ય ઉધોગ, પશુપાલન, વાહન વ્યવહાર આર.સી.ફળદુના હસ્તે જિલ્લામાં વિવિધ ક્ષેત્રે પોતાનું યોગદાન આપનાર મહિલાઓને સન્માનિત કરવાનો અને બેટી બચાવો, બેટી પઢાવોના સંકલ્પ સાથેનું જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન યોજાયું.

આ પ્રસંગે મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજયમાં નારી ગૌરવવંતી થાય તેમના વિવિધ ક્ષેત્રે આપેલા યોગદાનને બિરદાવવા માટે સમગ્ર ગુજરાતમાં મહિલા સંમેલન યોજવામાં આવેલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હરીયાણાથી સમગ્ર દેશમાં બેટી બચાવો બેટી પઢાવોનું આહવાન કર્યું તેમ જણાવતા સાંસદ પૂનમબેન માડમે વધુમાં જણાવ્યું હતું કે, નારીમાં રહેલ શકિતને નારી જ સારી રીતે જાણી શકે છે. નારીમાં સૌથી મોટી તાકાત ઈશ્ર્વરે ત્યાગ અને બલિદાન‚પી આપી છે. સ્ત્રી પોતાના પરિવારની જવાબદારીઓ નિભાવવા માટે પોતાના શોખ અને ઈચ્છાઓનું બલિદાન આપે છે અને પરિવારને ખુશી અર્પણ કરે છે. પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે, બેટી બચાવો બેટી પઢાવોના અભિયાન દ્વારા ગુજરાત રાજયએ સમગ્ર દેશને રાહ ચિંધ્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓને સબળ બનાવવા માટેનો ભગીરથ પ્રયાસ કર્યો છે અને અનેક યોજનાઓ કાર્યવંત કરી કાયદાઓ દ્વારા સુરક્ષા પ્રદાન કર્યું છે.

મેયર પ્રતિભાબેન કનખરાએ તેમના ઉદબોધનમાં જણાવ્યું કે, દિકરીઓને સામાજીક જવાબદારીઓ સોંપી આગળ વધવા પ્રોત્સાહન આપવું જોઈએ. તેમને વિવિધ ક્ષેત્રમાં આગળ વધવાની દરેક વાલીઓએ તક આપવી જોઈએ. આ મહિલા સંમેલન પૂર્વે મેડિકલ કોલેજથી મહિલાઓ રેલી સ્વ‚પે જોડાઈ મહિલાભ્રુણ, નારી સશકિતકરણ, બેટી બચાવો, બેટી પઢાવોના સુત્ર સાથે શહેરના વિવિધ સ્થળોએ ફરી સંમેલનમાં ભાગ લીધો હતો. આ રેલીને કલેકટર રવિશંકર, મેયર પ્રતિભાબેન કનખરા, ડી.ડી.ઓ.મુકેશ પંડયા, કમિશનર આર.બી.બારડએ પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભાજપા જિલ્લા અધ્યક્ષ ચંદ્રેશભાઈ પટેલ, ભાજપા શહેર અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલાસિંગ રાજપુત, માજી ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને લાલજીભાઈ સોલંકી તેમજ વિશાળ સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.