સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજના આધુનિક ભવન અને અદ્યતન કાર્ડિયાક વિભાગનું
મુખ્યમંત્રીના અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ સુરેન્દ્રનગર ખાતે શ્રી સી.યુ.શાહ મેડીકલ કોલેજ અને હોસ્પિટલના અદ્યતન બિલ્ડીંગનું તેમજ હદ્યની આધુનિક સારવાર માટેના કાર્ડિયાક વિભાગનું લોકાર્પણ કરી જણાવ્યું હતું કે સરકાર અને સંસ્થાઓ સાથે મળી માનવ સેવાના કાર્યો કરે તા સોનામાં સુગંધ ભળે. ગુજરાત સામાજીક સેવાકીય સંસ્થાઓના પરોપકારી કાર્યોથી આગળ વધ્યું છે.
મુખ્યમંત્રીએ સુરેન્દ્રનગરમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમજ દાનવીર- દાતા તરીકે ઝાલાવાડ પંથકના પર્યાય બનેલા શ્રી સી.યુ.શાહની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવતા કહ્યું કે, ઝાલાવાડના પર્યાય એવા સી.યુ. શાહ ખરા અર્થમાં સમાજ સેવક હતા.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની જન આરોગ્યની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપતા કહ્યું કે, રાજ્યમાં સિવિલ હોસ્પિટલ પરનું ભારણ ઘટે અને ગુણવત્તાસભર તબીબ સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે સામાજીક સેવા કરતી તબીબી સંસ્થાઓને પ્રોત્સાહનના ભાગરુપે આર્થિક સગવડો આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. અમદાવાદ સિવાયના રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ ઉભી થાય તે માટે સરકારે સબસીડી અને રાહત આપવાની નીતી અમલમાં મૂકી છે. માં વાત્સલ્ય અને માં અમુતમ યોજનાને વિસ્તારીને તેનો લાભ સીનીયર સીટીઝનોને મળી તે માટે ખાસ જોગવાઇ કરવામાં આવી છે. તેમ પણ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે કહ્યું કે, શ્રી સી.યુ.શાહ માત્ર સુરેન્દ્રનગર જિલ્લાના નહીં પરંતુ કડી સહિતના ગુજરાતના અનેક વિસ્તારોના દાનવીર હતા. નાયબ મુખ્યમંત્રીશ્રીએ વર્તમાન સરકારે છેવાડાના લોકો સુધી આરોગ્ય સેવાઓનો લાભ મળે તે માટે ઉભી કરેલી તબીબી સહાયની અને સારવારની વ્યવસ્થાઓની ઝીણવટ ભરી વિગતો આપી હતી.
મહારાષ્ટ્રના જાણીતા શિક્ષણ શાસ્ત્રી અને તજજ્ઞ ડો.વેદ પ્રકાશ મિશ્રાએ સી.યુ.શાહ હોસ્પિટલની સેવાકીય પ્રવૃતિની માહિતી રસપ્રદ દ્રષ્ટાંતો સાથે રજૂ કરી સી.યુ.શાહના જન્મ શતાબ્દી વર્ષ નિમિતે માનવ સેવાના કાર્યોની પ્રશંસા કરી હતી.
આ તકે ટ્રસ્ટી હેમંતભાઇ શાહએ રાજ્ય સરકારની સુજલામ સુફલામ જળ અભિયાન ઝુંબેશને આવકારી હોસ્પિટલ ટ્રસ્ટ તરફથી રુપિયા ૨૫ લાખ રમેશભાઇ વોરા તરફથી રુપિયા ૧૧ લાખ હિમાંશુભાઇ દ્વારા રુપિયા ૧૦ લાખ અને રાજસોભાગ આશ્રમ તરફથી રુપિયા ૫ લાખ મળી કુલ રુપિયા ૫૧ લાખનું દાન જળ અભિયાનમાં આપવાની જાહેરત કરી હતી.
કાર્યક્રમના પ્રારંભે મેડીકલ કોલેજ ટ્રસ્ટના પ્રમુખ મીનલબેન રોહિતભાઇ શાહે મહાનુભાવોનું શાબ્દીક સ્વાગત કરી સંસ્થાના પાયાના પથ્થર અને સમાજ સેવક શ્રી સી.યુ.શાહની આજીવન માનવ સેવાની પ્રવૃતિની માહિતી આપી હતી. તેમણે આગામી સમયમાં શરુ થનારી નવી તબીબી સેવાઓની રુપરેખા આપી હતી. રાજ્ય સરકારની યોજના સાથે સંકલન કરીને હોસ્પિટલમાં મુકબધિર ૪૦૦ બાળકોના ઓપરેશન કરવામાં આવ્યાં છે. તેમ જણાવી ઓપરેશન કરનાર ડો. વિનોદ ખંધારને અભિનંદન આપ્યા હતાં.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે સંસ્થાના લોગાનું અનાવરણ અને સી.યુ.શાહની પોસ્ટલ ટિકિટ નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી. દાતાઓનું મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com