કોંગ્રેસનો આક્ષેપ: ૪૭ હજાર વિદ્યાર્થીઓ અંગે સરકારે નક્કર પગલાં ન લીધા
ગુજરાતી માધ્યમના ૪૭ હજાર વિદ્યાર્થીઓ માટે ભાજપ સરકારે કોઇ પણ પ્રકારના નક્કર પગલાં ન લેવાના કારણે મેડિકલમાં પ્રવેશ માટેના માર્ગ પર ભાજપ સરકારે પાણી ફેરવી કાઢ્યાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. જે રીતે નીટ-૨૦૧૭માં પ્રાદેશિક ભાષાના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી તેમાં સૌથી વધુ ૪૭ હજાર ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ હતા. જેમને અલગ-અલગ પેપર કાઢીને સીબીએસઇ-ભારત સરકારે ભેદભાવ અને અન્યાય કર્યો છે. ત્યારે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ અન્યાયનો ભોગ ન બને તે માટે છેલ્લા ત્રણ મહિના કરતા વધુ સમયથી વિદ્યાર્થીઓ, વાલીઓ સતત રાજ્ય અને કેન્દ્ર સરકારને રજૂઆત કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીએ ૨૦-૭-૧૭ના રોજ સ્પષ્ટ સ્વીકાર કર્યો હતો કે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓના અલગ પ્રશ્નપત્રના કારણે ભારે નુકસાન થયું છે. તેનો તાત્કાલિક ઉકેલ લાવવાની જાહેરાત કરનાર ભાજપ સરકારે ગુજરાત માધ્યમના ૪૭ હજાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી છે, છેતરપિંડી કરી છે.
કોંગ્રેસ દ્વારા આ સમગ્ર મામલે આક્ષેપ કરતા પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે,ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયાને ૯૦ દિવસ જેટલો સમય વીતી ગયો છે. નીટ આધારે પ્રવેશ પ્રક્રિયાથી ગુજરાતના વિદ્યાર્થીઓમાં ભારે અન્યાયની લાગણી અનુભવી રહ્યા છે. ગુજરાતી માધ્યમના મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓના ન્યાય માટે ભાજપ સરકાર તાત્કાલિક વટહુકમ લાવે જેને કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ ટેકો આપશે. આ અંગે મુખ્યમંત્રીને કોંગ્રેસ પક્ષ દ્વારા ૪૦ દિવસ પહેલા વિસ્તૃત રજૂઆત છતા હજુ સુધી કોઇ નક્કર જાહેરાત ગુજરાતી માધ્યમના મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી નથી.
ગુજરાતી માધ્યમના ૮૦ ટકા વિદ્યાર્થીઓના ભવિષ્યને નુકસાન ના થાય તેની કાળજી રાખવાની ફરજ રાજ્ય સરકારની છે. ત્યારે રાજ્ય સરકારે કેમ ઉંઘી રહી છે તેવો પ્રશ્ન કરતા મનીષ દોશીએ જણાવ્યું હતું કે,નીટના આધારે પ્રવેશ માટે વર્ષ ૨૦૧૧, ૨૦૧૨ અને ૨૦૧૩માં જે તે સમયે રાજ્ય સરકારે ગુજરાતના હિતમાં મોટી મોટી વાતો કરી હતી. તે સમયે જે એફિડેવિટ નામદાર સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી તે બાબતો અંગે ભાજપ સરકારે ચાર વર્ષમાં અભ્યાસક્રમમાં કોઇ ફેરફાર ન કર્યો. નીટ માટે પૂર્વ તૈયારી ગુજરાત વિદ્યાર્થીઓ પણ કરી શકે પણ સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા વેડફીને ઉત્સવોમાં વ્યસ્ત ભાજપ સરકારને રાજ્યના વિદ્યાર્થીઓના ભવિષ્યની કોઇ ચિંતા ના હોય તેવું સ્પષ્ટ થઇ રહ્યું છે. પરિણામે વર્ષ ૨૦૧૭માં ગુજરાતના બી ગ્રુપના ૪૭૫૮૩ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓના ડોક્ટર બનવાના સપના પર તલવાર લટકી રહી છે.