તહેવારોની સીઝનમાં ઘરેલુ માંગને પહોંચી વળવા સરકારનો નિર્ણય: સેમસંગ, સોની અને એલજી સહિતની ઉત્પાદક કંપનીઓને મોટી રાહત
પ્રિમિયમ રેન્જના ટીવીની આયાત બહારથી કરવા માટે સરકારે હવે છુટ આપી દીધી છે. આ માટે કેન્દ્રએ સેમસંગ, એલજી અને સોની જેવી ટેલિવિઝન ઉત્પાદન કંપનીઓને લાયસન્સ પ્રદાન કર્યા છે. આ અંગે ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે, તહેવારોની સીઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે આ સમયગાળા દરમિયાન ટેલિવિઝનની માંગ પણ વધી છે. આવા સમયે ગ્રાહકોની માંગને પહોંચી વળવા સરકારનો આ નિર્ણય ખુબ મદદરૂપ નિવડશે અને ટીવી ઉત્પાદકોને મોટી રાહત મળશે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં ટેલીવિઝન ઉત્પાદક કંપનીઓ વિશાળ સ્ક્રીનવાળા તેમાં પણ ખાસ કરીને ૫૫ ઈંચ અથવા તેનાથી વધુ મોટી સ્ક્રીનવાળા ટીવીઓ આયાત જ કરે છે.
ભારતે પ્રિમિયમ રેન્જના ટેલીવિઝન માટે આયાત પર જ નિર્ભર રહેવું પડે છે જોકે આ આયાતી રેશિયો ઘટાડી ભારતમાં જ ટીવીઓનું ઉત્પાદન થાય તે માટે સરકારે નિયંત્રણો મુકયા હતા પરંતુ હાલની ફેસ્ટીવ સીઝનની માંગને પહોંચી વળવા આયાતની છુટ આપવામાં આવી છે.
સોની ઈન્ડિયાના મેનેજીંગ ડાયરેકટર સુનિલ નૈયરે આ અંગે જણાવતા કહ્યું કે, સરકારના પ્રતિબંધથી અમારા મોટી સ્ક્રીનવાળા ટેલીવિઝનના પાર્ટસ અટકી ગયા હતા પરંતુ હવે આ માટેના લાયસન્સ મળી ગયા હોવાથી મોટી રાહત મળી છે. સરકારના આ નિર્ણયથી હવે બજારમાં પ્રિમિયમ સેટની ઉપલબ્ધતા વધી જશે જેથી માંગને પહોંચી શકાશે. સેમસંગ અને એલજી સહિતની ટીવી ઉત્પાદક કંપનીઓને પણ લાયસન્સ મળી ગયા છે.
દક્ષિણ કોરિયાની કંપની સેમસંગ ભારતમાં હવે ટીવીનું ઉત્પાદન પણ શરૂ કરવાની છે. આ માટે કંપનીએ સરકારને પત્ર લખી થોડા સમય માટે ટીવી સેટ આયાત કરવાની માંગ કરી હતી કે જેથી કરીને સેમસંગ કંપની સ્થાનિક આંતર માળખાકિય સુવિધાની ચકાસણી કરી ઘરેલુ ઉત્પાદન વધારી શકે અને એ સુનિશ્ર્ચિત કરી શકે કે તે ભારતમાં પ્લાન્ટ નાખી ઉત્પાદન કરવુ કેવું રહેશે. જોકે, કંપની ડિસેમ્બર માસ સુધીમાં પ્લાન્ટ સ્થાપી દેશે તેમ જાણવા મળ્યું છે.