વિવિધ કેસો સેટલ થયા બાદ બાકી રહેતા ૩૦,૦૦૦ કરોડ રૂપિયા ૧૫મી જાન્યુઆરી સુધી ભરવાની આપી છુટ
દેશના નાણા મંત્રાલય દ્વારા ઘણી ખરી એવી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે જેનાથી લોકોને અને કરદાતાઓને ઘણો ખરો ફાયદો પહોંચી શકે. કેન્દ્ર સરકાર અને નાણા મંત્રાલય દ્વારા ઈનડાયરેકટ ટેકસ હેઠળ જે ૨૦૧૯માં સબ કા વિશ્ર્વાસ સ્કિમને અમલી બનાવવાનું જણાવાયું હતું તેની મુદતમાં ૧૫ દિવસનો વધારો કરવામાં આવ્યો છે. સબ કા વિશ્ર્વાસ સ્કિમ એટલે કે જે કોઈ કરદાતાઓને સેન્ટ્રલ એકસાઈઝ કે પછી સર્વિસ ટેકસના મુદે પડતર કેસો કે તે અંગેની કોઈપણ અપીલો હોય તે તમામ પ્રકારનાં કેસોનો ત્વરીત નિકાલ થઈ શકે તે હેતુસર સરકારે સબ કા વિશ્ર્વાસ સ્કિમને અમલી બનાવી છે.
નાણા મંત્રાલય દ્વારા આ સ્કિમની મુદતમાં ૧૫ દિવસનો વધારો કરી પડતર કેસોમાં જે સેટલમેન્ટ થયું છે તે પૈકી કરદાતાઓએ હવે ૩૦,૬૨૭ કરોડ જેટલી માતબર રકમ આગામી ૧૫ જાન્યુઆરી સુધી ભરવાની છુટ પણ આપી છે. મંત્રાલયનાં જણાવ્યા અનુસાર સર્વિસ ટેકસ અને સેન્ટર એકસાઈઝના કુલ ૩.૬ લાખ કરોડ કેસોની સામે ૧.૮૩ કરોડ કેસો અપીલ સહિત અનેકવિધ સ્થળો પર પડતર પડેલા છે. સબ કા વિશ્ર્વાસ યોજના હેઠળ જે કોઈ લાભાર્થી કરદાતા હોય તે તેમની બાકી ટેકસની રકમ પણ જાહેર કરી શકે છે. તમામ બાકી રહેતા કેસોની કુલ બાકી રહેતો કર ૬૯,૫૫૦ કરોડનો છે તેમાંથી નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવતી રાહત બાદ બાકી રહેતી રકમનો આંકડો ૩૦,૬૨૭ કરોડે પહોંચ્યો છે જે માટે સરકારે આગામી ૧૫ દિવસમાં ભરવાની છુટ પણ આપી છે.
૧.૮૪ લાખ કરદાતાઓની સામે સ્કિમનો લાભ લેવા માટે ૧.૩૩ લાખ કરદાતાઓએ એપ્લીકેશન ભરી છે આ આંકડો નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. સરકાર દ્વારા સબ કા વિશ્ર્વાસ સ્કિમ અતિમહત્વપૂર્ણ અને ઉપયોગી સાબિત થશે તે વાતમાં પણ કોઈ જ પ્રકારનો મીનમેક જોવા મળતો નથી. સબ કા વિશ્ર્વાસ સ્કિમ હેઠળ જે કોઈ કરદાતાઓને સેન્ટ્રલ એકસાઈઝ કે પછી સર્વિસ ટેકસને લઈ ફરિયાદો હોય તેનું ત્વરીત નિવારણ કે પછી નિર્ધારીત સમયમાં તે પ્રશ્ર્નને હલ કરવા માટે આ સ્કિમને અમલી બનાવવામાં આવી છે. નાણા મંત્રાલય દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આ યોજનાથી કરદાતાઓ વંચિત ન રહી જાય તે હેતુસર તમામ પગલાઓ હાલ લેવામાં આવી રહ્યા છે ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા આ યોજનાની અમલવારી માટે વધુ ૧૫ દિવસનો સમય ફાળવ્યો છે. દેશમાં જયારથી આ યોજના અમલી બનશે ત્યારથી ઘણી ખરી કરદાતાઓને પડતી તકલીફોનું ત્વરીત નિરાકરણ થઈ શકશે અને દેશને પણ ઘણાખરા અંશે ડેનીફીટ મળશે.