રૂપિયો અત્યારે ટનાટન છે. છતાં પણ એને બળ આપવા સરકારે જાપાનને યુપીઆઈ સાથે જોડાવા કવાયત હાથ ધરી છે. બીજી તરફ વ્યાપારી સરળતા માટે જાપાને પણ આ દિશામાં રસ દાખવ્યો છે. વધુમાં અત્યાર સુધીમાં, ભૂટાન, સિંગાપોર, નેપાળ અને યુએઇએ યુપીઆઈ સાથે જોડાણ કરી લીધું છે.
રૂપિયાની સફળતાની ગાથા ખરેખર આંતરરાષ્ટ્રીય મોડલ બની, યુપીઆઈને વધુમાં વધુ દેશોની ઝડપી પેમેન્ટ સિસ્ટમ સાથે જોડવા ભારત સજ્જ : ગવર્નર શક્તિકાંત દાસ
આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ પર કહ્યું કે ભારતમાં ફિનટેક ક્રાંતિમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા છે. દાસે ગુરુવારે ટોક્યોમાં એક સેમિનારમાં કહ્યું હતું કે રૂપિયાની સફળતાની ગાથા ખરેખર આંતરરાષ્ટ્રીય મોડલ બની ગઈ છે. મોબાઈલ એપ્લીકેશન દ્વારા બેંક ખાતાઓ વચ્ચે તરત જ નાણાં ટ્રાન્સફર કરવાની તેની ક્ષમતાએ લોકોની ડિજિટલ વ્યવહારો કરવાની રીત બદલી નાખી છે. આ સિવાય યુપીઆઈને અન્ય દેશોની ઝડપી પેમેન્ટ સિસ્ટમ સાથે જોડવાનું કામ પણ ચાલી રહ્યું છે. ફિનટેકનો લાભ લઈને ક્રોસ બોર્ડર પેમેન્ટને વધુ કાર્યક્ષમ અને સસ્તી બનાવવા માટે ભારત અને જાપાનની ઝડપી ચુકવણી પ્રણાલીઓને જોડવાની શક્યતા શોધી શકાય છે.
આરબીઆઇની નાણાકીય ટેકનોલોજી (ફિનટેક) પર્યાવરણ ગ્રાહક કેન્દ્રિત છે, દાસે ટોક્યોમાં ઉદ્યોગ સંસ્થા ટોક્યો ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ખાતે ભારતીય અર્થતંત્ર પર ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈકોનોમિક સ્ટડીઝના સિમ્પોઝિયમમાં જણાવ્યું હતું. સ્વ-નિયમનકારી સંસ્થા દ્વારા વધુ સારી ગવર્નન્સ મિકેનિઝમ્સ, અસરકારક દેખરેખ, નૈતિક રીતે યોગ્ય પ્રવૃત્તિઓ, જોખમ વ્યવસ્થાપન અને ફિનટેક્સના સ્વ-નિયમનને પ્રોત્સાહિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
ભારતીય અર્થવ્યવસ્થાના પ્રદર્શન પર દાસે કહ્યું કે, તે સંતોષની વાત છે કે તાજેતરના વર્ષોમાં ઉથલપાથલના સમયમાં પણ તે સરળતાથી વિકાસ પામી છે. તેની આંતરિક શક્તિ અને શાણપણ સાથેના નીતિગત પગલાં વિકાસને વેગ અને શક્તિ આપે છે. વિચારશીલ પગલાં અને યોગ્ય નાણાકીય અને રાજકોષીય નીતિઓને કારણે મહામારીના સમયગાળાથી અમારું આર્થિક પ્રદર્શન વધુ સારું રહ્યું છે. જો કે, વર્તમાન અનિશ્ચિત વાતાવરણમાં આત્મસંતોષ માટે કોઈ અવકાશ નથી.
મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે 2023 માટે ભારતના આર્થિક વિકાસ દરનું અનુમાન 6.7 ટકા જાળવી રાખ્યું છે. વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર 2024માં 6.1 ટકા અને 2025માં 6.3 ટકા હોઈ શકે છે. મૂડીઝે ગુરુવારે જણાવ્યું હતું કે સ્થાનિક માંગમાં વધારો નજીકના ગાળામાં જીડીપી વૃદ્ધિને વેગ આપશે તેવી અપેક્ષા છે. ભારતનો વિકાસ દર જૂન ક્વાર્ટરમાં 7.8 ટકા અને માર્ચ ક્વાર્ટરમાં 6.1 ટકા હતો. ઊંચા ભાવ અંગે મૂડીઝે જણાવ્યું હતું કે, કોર ફુગાવો પણ ઓગસ્ટમાં 4.8 ટકાથી ઘટીને 4.5 ટકા થયો હતો. પરંતુ, અસમાન હવામાન અને ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા વચ્ચે ફુગાવાનું જોખમ છે.
આપણો રૂપિયો આપણને જ કામ લાગશે
ભારતીય બેંકોમાં પડેલા રશિયાના ફંડને હવે કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરવાની મંજૂરી મળશે
ભારત સ્પેશિયલ રુપી વોસ્ટ્રો એકાઉન્ટ્સમાં વધારાની રકમને કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરવાની મંજૂરી આપવા માટે એક યોજના પર વિચાર કરી રહ્યું છે જેથી રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપાર સેટલમેન્ટને પ્રોત્સાહન મળે. હાલના નિયમો હેઠળ, વોસ્ટ્રો એકાઉન્ટ્સનું રોકાણ સરકારી સિક્યોરિટીઝ અને ટ્રેઝરી બિલ્સ સુધી મર્યાદિત છે
વોસ્ટ્રો એકાઉન્ટસના ફંડમાંથી કોર્પોરેટ બોન્ડમાં રોકાણને મંજૂરી આપવાથી આવા વધુ દ્વિપક્ષીય કરારો આકર્ષિત થશે. વોસ્ટ્રો એકાઉન્ટ અન્ય ધિરાણકર્તા વતી બેંકમાં રાખવામાં આવે છે જે સામાન્ય રીતે વિદેશમાં સ્થિત હોય છે. આ વર્ષની શરૂઆતમાં, રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓના ભારતીય બેંકોમાં અંદાજે 60 હજાર કરોડ રૂપિયા પડ્યા છે. 2 જુલાઈ સુધી, આરબીઆઈએ 14 ભારતીય વ્યાપારી ધિરાણકર્તાઓમાં વોસ્ટ્રો એકાઉન્ટ ખોલવા માટે વિવિધ રશિયન બેંકોની 34 અરજીઓને મંજૂરી આપી હતી.