સરકારી કર્મચારીઓ ‘રકતદાન એ મહાદાન’ નું સુત્ર સાર્થક કરે તે માટે વર્ષમાં ચાર વખત રજા મળી શકશે
આજના સમયે ‘રકત’ની ખાસી એવી ઉણપ છે. જરૂરીયાતમંદ દર્દીઓને યોગ્ય સમયે ‘લોહી’ ન મળતા તેઓ મોતને ભેટે છે. ત્યારે આ પરિસ્થિતિને ધ્યાને લઈ રકતદાન કેમ્પ યોજાતા હોય છે. જેને લઈ હવે રકતદાન એ મહાદાન સુત્રને સરકારી કર્મચારીઓ પણ સાર્થક કરી શકે તે માટે પર્સોનલ મંત્રાલયે ખાસ જાહેરાત કરી છે જેમાં જણાવાયું છે કે રકતદાન કરવા માટે હવે સરકારી કર્મચારીઓને પેઈડ લીવ એટલે કે રજા મળશે.
પર્સોનલ મંત્રાલયે અહેવાલમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ રકતદાન કરી શકે અને લોહોની ઉણપ-પુરાવા સહભાગીદાર બની શકે તે હેતુસર હવે તેમને રકતદાન માટે પેઈડ લીવ મળશે. જે એક વર્ષમાં ચાર વખત મળી શકશે અને કર્મચારીઓએ આ માટે યોગ્ય પ્રુફ પણ આપવું પડશે.
મંત્રાલયના આ પ્રકારના નિર્ણયથી સરકારી કર્મચારીઓને જરૂરથી ફાયદો થશે. પરંતુ આનાથી કદાચ જે-તે વર્ગના કામોને નુકસાની પણ નિવડી શકે છે. આપણે બધા જાણીએ જ છીએ કે આપણે અહીં સરકારી તંત્રના કામ કાજ કેવા છે. કામના દિવસોમાં પણ સરકારી કર્મચારીઓ લાલીયાવાડી કરે છે અને તેમાં પણ ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો ગામડાઓમાં સરકારી કર્મચારીઓ ગેરહાજર રહેવાના મોટા પ્રમાણમાં પ્રશ્ર્નો નોંધાતા હોય છે.
આવી પરિસ્થિતિમાં એવું પણ બની શકે છે. કર્મચારીઓ બ્લડ ડોનેશનના નામે રજા લે અને ફાયદો ઉઠાવે.
મંત્રાલયે આ પ્રકારે રજા આપવાનો નિર્ણય લીધો જ છે તો તેણે કર્મચારીઓ પાસે વેલીડ પ્રુફ માંગવું પડશે અને કડક વલણ દાખવવું પડશે.