રાજ્ય સરકાર અને બોર્ડ-નિગમના કર્મચારીઓને દિવાળીના તહેવારમાં પાંચ દિવસનું સળંગ મિની વેકેશન મળશે. રાજ્ય સરકાર દ્વારા ધોકા અર્થાત્ પડતર દિવસની રજા જાહેર કરતા પાંચ દિવસની સળંગ રજાનો મેળ પડી ગયો છે. ધોકાના દિવસે આપવામાં આવેલી રજાના કારણે 9મી ડિસેમ્બરના રોજ બીજો શનિવાર હોવા છતા તમામ સરકારી કચેરીઓ ચાલુ રહેશે. રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરનામું પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું છે.
ધોકાના દિવસે રાજ્ય સરકારે રજા જાહેર કરી: 9 ડિસેમ્બરે બીજા શનિવારે કચેરી ચાલુ રહેશે
સરકારી કચેરીઓમાં તા.11ના રોજ બીજા શનિવારની રજા, તા.12ના રોજ દિવાળીની રજા, તા.14ને મંગળવારના રોજ, નૂતન વર્ષ દિન નિમિત્તે રજા તથા તા.15ને બુધવારના રોજ ભાઇબીજ નિમિત્તે જાહેર રજા આવે છે. જ્યારે આ રજાઓ વચ્ચે તા.13 ના રોજ સોમવારે સરકારી કચેરીઓ ચાલુ રહેતી હતી.
દિવાળી પર્વમાં સરકારી અધિકારી-કર્મચારીઓ તહેવારો માણી શકે તે હેતુસર તા.13ને સોમવારના રોજ તમામ સરકારી કચેરીઓ (પંચાયત અને રાજ્ય સરકારના બોર્ડ / કોર્પોરેશન સહિત) બંધ રહેશે તેના બદલામાં તા.9 ડિસેમ્બરે બીજા શનિવારના રોજ આ તમામ કચેરીઓ ચાલુ રહેશે. આ હુકમો ગુજરાત સરકારની બધી કચેરીઓને તથા રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ / કોર્પોરેશન તેમજ પંચાયત કર્મચારીઓને પણ લાગુ પડશે. આ રજા વટાઉખત અધિનિયમ, 1881ની જોગવાઇઓ હેઠળ જાહેર કરેલ નથી.