Abtak Media Google News
  • કેન્દ્રીય કર્મચારી સંગઠનોએ નાણામંત્રી સમક્ષ આઠમા પગાર પંચની રચના, તબીબી સુવિધાઓમાં સુધારો, સ્ટાફ લાભ ભંડોળ,આવકવેરામાં રાહત, હોમ લોનની વસૂલાતમાં રાહત સહિતની 9 માંગણીઓ કરી રજૂ

કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ કેન્દ્રીય બજેટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જુલાઈના ત્રીજા સપ્તાહમાં કેન્દ્રીય બજેટ રજૂ થઈ શકે છે.  તે પહેલા આર્થિક સર્વેનો રિપોર્ટ જાહેર કરવામાં આવશે.  કેન્દ્રીય કર્મચારી સંગઠનોએ પણ તેમની નવ માંગણીઓની યાદી નાણામંત્રી સમક્ષ મૂકી છે.  આમાં જૂનું પેન્શન પુન:સ્થાપિત કરવા, આઠમા પગાર પંચની રચના, તબીબી સુવિધાઓમાં સુધારો, સ્ટાફ લાભ ભંડોળ, પેન્શનની પુન:સ્થાપના, આવકવેરા સ્લેબ, હોમ લોનની વસૂલાત અને રેલ્વેની ક્ષમતામાં વધારો વગેરેનો સમાવેશ થાય છે.

જેસીએમ ’સ્ટાફ સાઇડ’ સેક્રેટરી અને એઆઈઆર એઆઈઆરએફના જનરલ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાએ 21 જૂને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે.  તેમણે પોતાના પત્રમાં કહ્યું છે કે, કેન્દ્રીય કર્મચારીઓને આગામી બજેટથી ઘણી અપેક્ષાઓ છે.  કર્મચારીઓની માંગમાં ટોચ પર ’જૂનું પેન્શન પુન:સ્થાપિત કરવું’ છે.  મિશ્રાએ કહ્યું કે, ઓપીએસ માત્ર પેન્શન નથી, પરંતુ તે સામાજિક સુરક્ષાનું માધ્યમ છે.  એનપીએસએ સરકારી કર્મચારીઓના સામાજિક અને આર્થિક સુરક્ષા વર્તુળને તોડી નાખ્યું છે.  જ્યારે કોઈ કર્મચારી ત્રણ દાયકાની સેવા પછી એનપીએસમાંથી નિવૃત્ત થાય છે, ત્યારે તેને પેન્શન તરીકે માત્ર 4-5 હજાર રૂપિયા મળે છે.  બીજી માંગ ’આઠમા પગાર પંચની રચના’ની છે.  સાતમું પગાર પંચ 1 જાન્યુઆરી, 2016થી અમલમાં આવ્યું હતું.  અગાઉ દર દસ વર્ષે પગાર પંચની રચના કરવામાં આવતી હતી.  હવે ડીએ 50 ટકાને પાર કરી ગયો છે

વર્તમાન સંજોગોમાં અને મોંઘવારીના યુગમાં પગારધોરણ, ભથ્થાં અને પેન્શન લાભોમાં સુધારો કરવો જરૂરી છે.  રેલ્વેમાં સ્ટાફ બેનિફિટ ફંડ, રૂ. 800 પર કેપિટા કોન્ટ્રીબ્યુશન ફંડ, 2014 થી મંજૂર છે.  છેલ્લા દસ વર્ષમાં આ ફંડમાં કોઈ વધારો થયો નથી.  ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં શિષ્યવૃત્તિ પણ આ રકમથી સંચાલિત કરી શકાતી નથી.  કુદરતી આફતોના કારણે સ્ટાફને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે.  તેઓ તણાવમાં રહેવા લાગે છે.  રમતગમતની પ્રવૃતિઓ, મહિલા સશક્તિકરણ અને આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાખાના વગેરે જેવા કામોને પણ અસર થાય છે.

કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓને આવકવેરા સ્લેબમાં આવરી લેવામાં આવ્યા છે.  આર્થિક તંગી હોવા છતાં તેમને આ બોજ ઉઠાવવો પડે છે.  કર્મચારીઓને રાહત આપવાના હેતુથી કેન્દ્રીય બજેટમાં આવકવેરાના સ્લેબને વ્યાજબી બનાવવો જોઈએ.  નવા કર માળખામાં, કર્મચારીઓને પ્રમાણભૂત કપાત, 88સી હેઠળ કપાત અને અન્ય મુક્તિ આપીને બચત કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.  આ પગલું સરકાર માટે પણ ફાયદાકારક સાબિત થશે.  આનાથી સરકારની મોટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાને વેગ મળશે.  નિવૃત્તિ પછી પેન્શન પર પણ ટેક્સ લાગે છે.  વૃદ્ધાવસ્થામાં, તબીબી ખર્ચ એટલો વધી જાય છે કે સમગ્ર પેન્શન તેના પર ખર્ચવામાં આવે છે.  ખર્ચ વધવાને કારણે આવકનો કોઈ સ્ત્રોત નથી.  આવી સ્થિતિમાં, નાણાપ્રધાનને વિનંતી કરવામાં આવે છે કે પેન્શનધારકોને આવકવેરાની જાળમાંથી બહાર રાખો.

કેન્દ્રીય કર્મચારીઓ માટે તબીબી સુવિધાઓ વધારવી જોઈએ.  આ પહેલા કર્મચારી સંગઠનોએ વડાપ્રધાન મોદી અને ડીઓપીટી મંત્રી સાથે પત્રવ્યવહાર કર્યો છે.  મિશ્રાએ પોતાના પત્રમાં લખ્યું છે કે, લગભગ 10 લાખ ખાલી જગ્યાઓ સાથે છેલ્લા એક દાયકામાં કેન્દ્ર સરકારના કર્મચારીઓની સંખ્યા ઘટી રહી છે.  હાલના કર્મચારીઓ પર કામનું ભારે દબાણ છે.  વર્ષ 2020-21 દરમિયાન કેન્દ્ર સરકારના કર્મચારીઓના વેતન અને ભથ્થા પરનો વાસ્તવિક ખર્ચ કુલ આવક ખર્ચના માત્ર 7.29 ટકા છે.  પેન્શનરોના સંબંધમાં પેન્શન પરનો વાસ્તવિક ખર્ચ કુલ મહેસૂલ ખર્ચના લગભગ 4 ટકા છે.  અગાઉના પગાર પંચો દ્વારા એવી ભલામણ પણ કરવામાં આવી છે કે દસ વર્ષના લાંબા ગાળાની રાહ જોયા વિના સમયાંતરે મેટ્રિક્સની સમીક્ષા કરવામાં આવે.  એક્રોયડ ફોમ્ર્યુલાના આધારે તેની સમીક્ષા અને ફેરફાર કરી શકાય છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.