- ચૌધરી હાઇસ્કુલ અને પી.ડી.માલવીયા કોલેજ સહિતના સ્થળોએ આજથી મતદાન શરૂ: આવતીકાલે પણ મતદાન પ્રક્રિયા ચાલુ રહેશે
રાજકોટમાં સરકારી કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી હોંશભેર મતદાન કરી રહ્યા છે. ચૌધરી હાઇસ્કુલ અને પી.ડી.માલવીયા કોલેજ સહિતના સ્થળોએ આજથી મતદાન શરૂ થયું છે. આવતીકાલે પણ મતદાન પ્રક્રિયા ચાલુ રહેશે.
રાજય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીમાં ફરજ બજાવનાર સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન માટેની વ્યવસ્થા ચૂંટણી પંચના આદેશ અનુસાર કરવામાં આવેેલ છે. આ કર્મચારીઓએ ફોર્મ 12- ડી ભરીને પોસ્ટલ બેલેટથી ચૂંટણીમાં ભાગ લેવા ચૂંટણી પંચને કરેલી અરજી અન્વયે ફેસીલીટેશન સેન્ટર તૈયાર કરીને તેમનું મતદાન હાથ ધરવામાં આવે છે. જે ઉપક્રમે રાજકોટ સંસદીય મતવિસ્તાર અંતર્ગત તા.29-30 એપ્રિલે સવારે 9 થી 5 દરમ્યાન એ.એસ. ચૌધરી હાઈસ્કુલ, કસ્તુરબા રોડ, રાજકોટ ખાતે મતદાન થઈ રહ્યું છે.
શાળામાં ગ્રાઉન્ડ ફ્લોર પર વિવિધ રૂમમાં આ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આવશ્યક સેવા સાથે સંકળાયેલા સ્ટાફ માટે રૂમ નંબર 3, પોલીસ સ્ટાફ માટે રૂમ નંબર 2 અને અન્ય સ્ટાફ જેવા કે ઝોનલ અધિકારી, મદદનીશ ઝોનલ અધિકારી, રીસિવિંગ- ડીસ્પેચિંગ સ્ટાફ, પોલીંગ સ્ટાફ વગેરે રૂમ નંબર 1 ખાતે મતદાન કરી રહ્યા છે. આવી જ રીતે પી.ડી. માલવીયા કોલેજ ખાતે પણ 70 રાજકોટ દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાં રોકાયેલ ચૂંટણી સ્ટાફ મતદાન કરી રહ્યો છે. આ વેળાએ સિટી -1 પ્રાંત ચાંદની પરમાર, દક્ષિણ મામલતદાર જે.વી.કાકડીયા અને નાયબ મામલતદાર ભાલોડી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયાનું જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ નિરીક્ષણ પણ કર્યું હતું.
મતદાનને લઈ તંત્ર સજ્જ: તમામ વિધાનસભા મતવિસ્તારની સમીક્ષા કરતા કલેકટર
એઆરઓ સાથે બેઠક યોજી પોસ્ટલ બેલેટ અને મોક પોલની કામગીરી તેમજ ઇવીએમ, વીવીપેટ, બીયુ, સીયુની ચકાસણી વિષયક સૂચનાઓ અપાઈ
રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોષીની અધ્યક્ષતામાં આસિસ્ટન્ટ રીટર્નીંગ ઓફિસર્સ અને વિવિધ સમિતિઓના નોડલ ઓફિસર્સની વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ટંકારા, વાંકાનેર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજી વિધાનસભા મત વિસ્તારની ચૂંટણી તંત્રની કામગીરીની સમીક્ષા કરી હતી. પોસ્ટલ બેલેટ અને મોક પોલની કામગીરી તેમજ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇ.વી.એમ.), વી.વી.પેટ, બી. યુ., સી.યુ.ની ચકાસણી વિષયક સૂચનાઓ આપી હતી. તેમજ મતદાન મથકે સ્ટેશનરી કીટ, મેડિકલ કીટ સહિતની વ્યવસ્થાઓ સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન. કે. મુછાર, ચાંદનીબેન પરમાર, નિશાબેન ચૌધરી, વિમલભાઈ ચક્રવર્તી, રાજેશ્રીબેન વંગવાણી, જે. એન. લિખીયા, ગ્રીષ્માબેન રાઠવા, રાહુલભાઈ ગમારા, સુબોધ દુદકીયા સહિતના આસિસ્ટન્ટ રીટર્નીંગ ઓફિસરો, એમ.સી.એમ.સી. નોડલ ઓફિસર સોનલબેન જોષીપુરા, સ્વીપ નોડલ ઓફિસર જિજ્ઞાસાબેન ગઢવી, ડી.આર.ડી.એ. નિયામક એ. કે. વસ્તાણી, મામલતદાર એમ. ડી. દવે સહિતના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સમાં જોડાયાં હતાં.
ઈ.વી.એમ. સેન્ટરની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી
વીરનગર અને જંગવડમાં ક્રિટિકલ બુથોની પણ મુલાકાત લઈ સમીક્ષા કરાઈ
રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશી દ્વારા વિવિધ કેન્દ્રોની મુલાકાત લઈને ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે.
જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા 72-જસદણ વિધાનસભા મત વિસ્તારના ઈ.વી.એમ. પ્રિપેરેશન સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં તેમણે 5% મુજબ કરવામાં આવતા મોકપોલ, ઈ.વી.એમ.ની તૈયારીઓની વિગતવાર માહિતી મેળવીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ તકે આ વિસ્તારના પ્રાંત અધિકારી સુશ્રી ગ્રીષ્મા રાઠવા પણ હાજર રહ્યા હતા.
જિલ્લા ચૂંટણી અધિકારીએ વીરનગર અને જંગવડ ગામે આવેલા ક્રિટિકલ બુથની મુલાકાત લીધી હતી તેમજ હાજર બુથ લેવલ ઓફિસર પાસેથી પોલ ડે મોનીટરીંગ સિસ્ટમની ડ્રાય રન તેમજ “નો યોર પોલિંગ સ્ટેશન” તેમજ “ચુનાવ કી પાઠશાળા” અંતર્ગત કેવા કેવા કાર્યક્રમો કરવામાં આવ્યા છે તેની વિગતો જાણીને સમીક્ષા કરી હતી.
બીજી તરફ આગામી 7મી મેના રોજ મતદાનના દિવસે મહત્તમ નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના આ અવસરમાં સહભાગી બને તે માટે, જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નિર્દેશ મુજબ સ્વીપ અંતર્ગત સઘન મતદાન જાગૃતિ ઝુંબેશ ચાલી રહી છે.
જે અંતર્ગત, જામકંડોરણામાં સરકારી કચેરીની બહાર મતદાનની પ્રેરણા આપતી રંગોળી કરવામાં આવી હતી. આ સાથે નાગરિકોને અચૂક મતદાન કરવાની અપીલ કરવામાં આવી હતી.
જ્યારે 74-જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં આવતા બંધિયા તથા ઉજળા ગામમાં “તમારા મતદાન મથકને જાણો” અંતર્ગત નાગરિકોને મતદાન મથકની મુલાકાત કરાવાઈ હતી. આ સાથે આગામી ચૂંટણીમાં અચૂક મતદાન કરવાના સંકલ્પ લેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત 71-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં તેમજ અન્ય વિસ્તારોમાં મતદાન મથકોની સફાઈ શરૂ કરવામાં આવી છે.
તમારા મતદાન મથકને જાણો કેમ્પેઈનનો લાભ લેતા જાગૃત મતદારો
મતદાન કેન્દ્રની મુલાકાત લેનાર જાગૃત મતદાતાઓએ પ્રથમ વખત શરૂ થયેલી આ સુવિધા અંગે સંતોષ વ્યકત કર્યો
10 રાજકોટ લોકસભા સંસદીય મતવિસ્તાર અંતર્ગત સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિસ્તાર માં નો યોર પોલિંગ સ્ટેશન -નો યોર પોલીંગ સ્ટેશન તમારા મતદાન મથકને જાણોં- કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત 67- વાંકાનેર કુચિયાદડ-1 અને 2, રાજકોટ તાલુકાના બુથ નં 195- સૂર્યરામપરા તથા બુથ નં 197 ખીજડીયા, બુથ નં 209,210 – રામપરા બેટી 1-2, બુથ નં 198- નાગલપર, વાંકાનેર, કુવાડવા તથા ગુંદા, આનંદપર ઉપરાંત 71- રાજકોટ ગ્રામ્ય મતવિસ્તારમાં બુથ નં – 213 હડમતિયા ગોલીડા પોલીંગ સ્ટેશનો કાર્યરત કરવામાં આવ્યા હતા.
ઉપરોક્ત, તમામ બુથ પર ઉપસ્થિત બી.એલ.ઓ. દ્વારા મતદારોને મતદાન માટેનો રૂમ, મતદાર ક્રમાંક ત્યાંની સુવિધાઓ જેવી કે પાર્કિંગ, વ્હિલચેર, સ્વયંસેવક, સહાયતા કેન્દ્ર અને મતદાન માટે ઓળખના વૈકલ્પિક પુરાવા સહિતની તમામ માહિતી મુલાકાત લેનાર મતદાતાઓને આપવામાં આવી હતી. મતદાન કેન્દ્રની મુલાકાત લેનાર જાગૃત મતદાતાઓ પ્રથમવાર શરૂ થયેલી આ સુવિધા અંગે સંતોષ વ્યકત કર્યો હતો.
કદરદાન.. મહેરબાન.. નૌજવાન.. સબ કરો મતદાન
વિદ્યાર્થીઓએ કઠપૂતળી અને નુક્કડ નાટક ભજવીને આપ્યો મતદાનનો સંદેશ
ક્રિસ્ટલ મોલ અને એલ. જી. ધોળકિયા શાળા ખાતે આયોજિત મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સેલ્ફી પોઇન્ટ, વોટ જંક્શન અને સિગ્નેચર કેમ્પેઇન બન્યા આકર્ષણનું કેન્દ્ર
રાજકોટ સંસદીય મત વિસ્તારમાં લોકસભાના મહાપર્વ ચૂંટણીમાં મહત્તમ મતદારો ઉમેળકાભેર સહભાગી બને, તે હેતુસર સ્વીપ (સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) પ્રોગ્રામ હેઠળ મતદાનની જનજાગૃતિના સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે ભાવિ મતદાતાઓ એવા ધોળકિયા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાનમાં યોગદાન આપવામાં આવ્યું હતું.
રાજકોટ શહેરમાં ક્રિસ્ટલ મોલ ખાતે આયોજિત મતદાન જાગૃતિ કાર્યક્રમમાં ધોરણ એચ.કે.જી.માં અભ્યાસ કરતાં બાળકોએ લોકપરંપરાગત માધ્યમ કઠપૂતળીની ભૂમિકા ભજવીને જનતાને મત આપવા જવાનો અનુરોધ કર્યો હતો. તેમજ ’7મી મેના દિવસે છે મજાનું ચૂંટણી પર્વ’, ’મતદાન છે આપણું ભવિષ્ય’ જેવા સૂત્રો થકી મતદાનના મહત્વને ઉજાગર કર્યું હતું. આ તકે ચૂંટણીલક્ષી સેલ્ફી પોઇન્ટ થકી પણ મતદાન જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
આ ઉપરાંત, એલ. જી. ધોળકિયા શાળામાં ’મસ્તી કા મેલા’ ખાતે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર મતદાન જાગૃતિ કાર્યક્રમમાં જોડાયા હતા. મેળામાં ઠેર-ઠેર મતદાન જાગૃતિના બેનર પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં. વોટ જંક્શનમાં બાળકોએ વાલીઓ સાથે મીની ટ્રેનમાં ફરીને અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. તેમજ ઇલેક્શન સિગ્નેચર કેમ્પેઇનમાં મેળાના મુલાકાતીઓએ સિગ્નેચર કરી હતી.
આ કાર્યક્રમના અંતે ધોરણ 12ની વિદ્યાર્થીનીઓએ નુક્કડ નાટકના માધ્યમથી મતદાન જાગૃતિ અર્થે પ્રેક્ષકોનું ધ્યાન ખેંચ્યું હતું. જેમાં ’કદરદાન.. મહેરબાન.. નૌજવાન.. સબ કરો મતદાન’ની અપીલ કરવામાં આવી હતી. સૌએ ’મૈં ભારત હું, ભારત હૈ મૂજમે’ અને ’વોટિંગ ઇઝ અ ન્યુ કુલ’ વીડિયો સોંગ નિહાળ્યા હતા. આ તકે સ્વીપ નોડલ ઓફિસર જિજ્ઞાસાબેન ગઢવી, નાયબ મામલતદાર પ્રીતિબેન વ્યાસ, ટ્રસ્ટીઓ કૃષ્ણકાંતભાઈ ધોળકિયા અને જીતુભાઈ ધોળકિયા ઉપસ્થિત રહ્યાં હતાં.