આજીવન કારાવાસની સજા પામેલા કોન્સ્ટેબલના કેસમાં નોંધપાત્ર ચુકાદો
ગુનાહિત પ્રવૃતિમાં સજા પડે તો પણ સરકારી કર્મચારીને બરતરફ કરી શકાય નહીં તે પ્રકારનો ચુકાદો અલ્હાબાદ હાઈકોર્ટે આપ્યો છે. કર્મચારીના આચરણ અંગે વિચાર કરીને નિર્ણય લેવો જોઈએ તેવું હાઈકોર્ટે કહ્યું છે. હાઈકોર્ટના આ નિર્ણયથી બરતરફ કરાયેલા અનેક કર્મચારીઓને રાહત મળશે તેવી શકયતા છે.
આ કેસમાં જસ્ટીસ એસ.પી.કેસરવાનીએ ચુકાદો આપ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે વડી અદાલતે આપેલા વિધિ સિદ્ધાંતના આધારે આ નિર્ણય લીધો હતો. નૈતિક અપરાધ હોય તો સેવા પ્રભાવિત થાય તેવું હાઈકોર્ટે કહ્યું હતું. અહીં નોંધનીય છે કે, આ કેસ કોન્સ્ટેબલ રામકિશન સામે ચાલી રહ્યો હતો. તેના પર હત્યાનો આરોપ હતો અને આજીવન કારાવાસની સજા પણ થઈ હતી. ત્યારબાદ અપીલમાં તેને જામીન મળ્યા હતા. સજા પડવાના કારણે એસપીએ કોન્સ્ટેબલને બરતરફ કર્યો હતો. જેની સામે કોન્સ્ટેબલે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે આ કેસમાં કહ્યું હતું કે, આરોપીના આચરણ મુદ્દે વિચાર કરીને નિર્ણય લેવો જોઈએ. માત્ર કોઈ સરકારી કર્મચારીને સજા થઈ જાય તો તેને તે કારણે બરતરફ કરી શકાય નહીં. આ કેસમાં અરજકર્તા છુટી જશે તો વેતન સાથે પીએફ સહિતના હક્ક તેને મળશે તેવું જાણવા મળી રહ્યું છે. અલ્હાબાદ હાઈકોર્ટે આ કેસમાં વડી અદાલતે આપેલા વિધિ સિદ્ધાંતના આધારે આ ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાના કારણે બરતરફ થયેલા અનેક સરકારી કર્મચારીઓને રાહત થઈ શકે છે.