કોમોડીટીના ભાવમાં સતત ઘટાડાના પગલે કામદારોને અપાતા એલાઉન્સમાં કાપ મુકાયો હોવાનો બચાવ
લઘુતમ વેતન દરોમાં રાજય સરકારે મુકેલા કાપથી રોજમદારોની દિવાળી બગડે તેવી દહેશત છે. છેલ્લા છ મહિનાથી કોમોડીટીના ભાવ સતત નીચા જઈ રહ્યાં હોવાના કારણે ઔદ્યોગીક કામદારોના લઘુતમ વેતનદરમાં ઘટાડો કરાયો હોવાનું કારણ રાજય સરકારે આપ્યું છે.
એપ્રીલથી સપ્ટેમ્બર દરમિયાન કોમોડીટીના ભાવ ખૂબજ નીચા રહ્યાં હોવાનું બહાનુ આગળ ધરી લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા વિવિધ ક્ષેત્રના કામદારોના ભથ્થામાં રૂ.૪.૪૦ (રોજના) સુધીનો ઘટાડો કર્યો છે. એકંદરે આ ઘટાડો મહિને પગારમાં રૂ.૧૦૦ ઓછા કરશે.
શિપ બ્રેકિંગ ઈન્ડસ્ટ્રી, રેડીમેઈડ ગાર્મેન્ટ સહિતના સેકટરના કામદારોને આ નિર્ણયની અસર વધુ પ્રમાણમાં થશે.બીજી તરફ સરકારે ખાનગી ઉદ્યોગોને પગાર ઘટાડો ન કરવાની સલાહ આપી છે. સરકારના નિર્ણયથી તહેવારોની સીઝનમાં કામદારોને પગાર ઓછો મળે તેવી ધારણા છે. સરકારે સ્પેશ્યલ એલાઉન્સ અથવા ડીએમાં નજીવો ઘટાડો કરવાનો નિર્ણય કોમોડીટીના ભાવમાં સતત ઘટાડાના પગલે કર્યો હોવાનું જાણવા મળે છે.