કેન્દ્ર સરકાર દ્વારા દેશના ૭૫ ગરીબ જિલ્લાઓમાં મેડિકલ કોલેજ બનાવાશે: કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધન
સુપર સ્પેશ્યાલીટી સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લેતા અનેક દર્દીઓ
રાજકોટમાં પી.ડી.યુ. મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ ખાતે રૂ.૧૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું લોકાર્પણ
પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ ખાતે ભારત સરકારના સહયોગથી રૂા.૧૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત થયેલ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં લોકાર્પણ કરતા ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અનેકવિધ નવી યોજનાઓ બનાવી રાષ્ટ્રને સમર્પણ કરી છે. રાજકોટની સાધારણ હોસ્પિટલને સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલમાં પરિવર્તિત કરી છે. જેનાથી હવે હદય, મગજ, કિડની જેવા ગંભીર રોગોની સારવાર સ્થાનિક કક્ષાએ દર્દીઓને મળી શકશે. ભારત સરકારે દેશમાં ૨૨ જગ્યાએ “એઇમ્સ” આપી રહી છે. રાજકોટને પણ સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ સાથે “એઇમ્સ” પણ મળી છે. ગુજરાતમાં ભાવનગર અને સુરતમાં સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ કરાશે.
મંત્રી ડો. હર્ષવર્ધને વધુમાં ઉમેર્યુ હતું કે, દેશમાં ૧૫૭ મેડિકલ કોલેજો પ્રગતિ હેઠળ છે. ભારત સરકાર દેશના ૭૫ ગરીબ જિલ્લાઓમાં મેડિકલ કોલેજ બનાવશે. પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના માત્ર દેશની જ નહી વિશ્વની સૌથી મોટી યોજના છે. જેમાં ગરીબ પરિવારને દર વર્ષે રૂા. ૫ લાખની સારવાર ખાનગી હોસ્પિટલમાં પ્રાપ્ત થાય છે. સમગ્ર દેશને ૨૦૨૫માં ટીબી મુક્ત કરાશે. સ્વાસ્થ્યવર્ધક ખાણું અને કસરતને દૈનિક જીવનમાં અપનાવવાનો અનુરોધ મંત્રીશ્રીએ લોકોને કર્યો હતો.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, રાજકોટમાં રૂા.૧૫૦ કરોડના ખર્ચે સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ બનાવવામાં આવેલ છે. રૂા.૧૦૦ કરોડના ખર્ચે અદ્યતન “ઝનાના હોસ્પિટલ” બની રહી છે. એઇમ્સનું કામ આગળ વધી રહ્યુ છે. સૌરાષ્ટ્રની જનતાને આરોગ્ય વિષય તકલીફ પડે તો રાજકોટથી દૂર જવુ ન પડે તે માટે તબીબી સેવાની સુપર સ્પેશ્યાલીટી સુવિધા નિ:શુલ્ક મધ્યમવર્ગ અને ગરીબવર્ગ માટે કેન્દ્ર-રાજ્ય સરકારે વ્યવસ્થાઓ કરેલ છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓ દ્વારા દેશને સ્વસ્થ-તંદુરસ્ત બનાવીને વિકાસની હરણફાળ ભરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સરકાર ભવિષ્યના પડકારોને ધ્યાનમાં રાખીને લોકોના આરોગ્યની ચિંતા કરે છે લોકો નિરોગી રહે તેવું આપણે ઇચ્છીએ છીએ દર્દીઓના રોગોના ઈલાજ સારવાર રાજ્ય સરકાર કરશે આવનાર દિવસોમાં રાજ્યમાં વધુ મેડિકલ કોલેજો આપવા જઈ રહ્યા છીએ તેમજ વધુ લોકોને સુપર સ્પેશ્યાલીટી માટેની વિશિષ્ટ સેવાઓ ઘરબેઠા પ્રાપ્ત થાય તેના આયોજન સાથે આપણે આગળ વધી રહ્યા છીએ આ તકે મુખ્યમંત્રીશ્રીએ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં સહયોગ બદલ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટમાં “એઇમ્સ”ની કામગીરી ટુંક સમયમાં હાથ ધરાશે. ગુજરાતના ગતિશીલ અને મોભાના શહેર રાજકોટમાં કેન્દ્ર સરકારના સહયોગથી ૧૫૦ કરોડના ખર્ચે બનેલી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ તંદુરસ્ત અને સ્વસ્થ ગુજરાતનાં નિર્માણ માટે ખૂબ ઉપયોગી બની રહેશે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વાર્ષિક ૯ લાખ ૭૦ હજાર દર્દીઓએ તપાસ અને સારવાર કરાવી હતી, જે પૈકી ૧ લાખ ૧ હજાર દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર કરવામાં આવી તેમજ વાર્ષિક ૧૨૩૦૦ મેજર અને ૨૨૫૦૦ માઇનોર સર્જરી આ હોસ્પિટલમાં થઇ છે.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, રાજકોટની સુપર સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલમાં માત્ર બિલ્ડીંગ જ નહીં નવા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર, નર્સ અને ટેકનિકલ સ્ટાફની ભરતી પણ કરવામાં આવી છે જેથી જટિલ તેમજ ગંભીર રોગોના ઓપરેશન તેમજ સારવારની સુવિધા સાથે રાજકોટના લોકોને ઘરઆંગણે જ તંદુરસ્તી પ્રદાન થઇ છે.
અત્રે ઉલ્લેનીય છે કે આ હોસ્પિટલમાં ૨૩૮ જેટલા બેડની સુવિધા ઉપલબ્ધ છે આઠ જેટલા સુપર સ્પેશ્યાલીસ્ટ વિભાગો છે. જેમાં પ્રથમ માળ પર નેફ્રોલોજી તથા યુરોલોજી વોર્ડ, બીજા માળે કાર્ડિયોલોજી વોર્ડ, ત્રીજા માળે ન્યુરોલોજી વોર્ડ, ચોથા માળે બર્નસ તથા પ્લાસ્ટિક સર્જરી તથા પીડીયાટ્રીશ્યન, પાંચમા માળે આઇ.સી.યુ. કેથલેબ અને ઓપરેશન થિયેટરની સુવિધા ઉપલબ્ધ છે. બાળ રોગ સર્જરી વિભાગમાં ૩૦૦ બેડની સુવિધા છે. ડાયાલીસીસ વિભાગમાં દરરોજ ૫૦ જેટલા દર્દીઓ સારવાર લઇ શકશે અને ત્રણ શીફટમાં સારવાર ઉપલબ્ધ છે.
રાજ્યના આરોગ્ય પરિવાર-કલ્યાણ વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ સ્વાગત પ્રવચન કર્યુ હતું.
આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, અગ્રણીઓ નીતિનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મીરાણી, રાજુભાઇ ધ્રુવ, પ્રદેશ ભાજપ અગ્રણી અંજલીબેન રૂપાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, નાયબ મેયર અશ્વિનભાઈ, ઉદયભાઇ કાનગડ, પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલ, કાર્યકારી કલેક્ટર અનિલ રાણાવસીયા, અધિક નિવાસી કલેક્ટરપરિમલ પંડયા, તથા તબીબી અધિક્ષક મનીષ મહેતા ડીન, ડો.ગૌરવી ધ્રુવ, તબીબી વિભાગના નાયબ નિયામક ડો. રૂપાલી મહેતા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે નવનિર્મિત સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલના લોકાર્પણ અનુસંધાને સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલના લોકાર્પણ અનુસંધાને સુપર સ્પેશ્યાલીટી તથા સ્પેશીયાલીટી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આંખ, કાન, ગળા તેમજ હૃદય અને કેન્સરની બીમારીના ઈલાજ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલના ડોકટરોની ટીમ હાજર રહી હતી. આ કેમ્પનો લાભ રાજકોટ વાસીઓએ મોટી સંખ્યામાં લીધો હતો.
ડો.ગૌરવી ધૃવએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સર્વરોગ નિદાન કેમ્પ અને સુપર સ્પેશ્યાલીટી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વરોગ નિદાન કેમ્પમાં આંખ, કાન, નાક, ગળુ, ચામડી, હાડકા સર્જરી દરેક વિભાગના તજજ્ઞો અહીં આવેલા છે. અમદાવાદથી યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલી ડોક્ટર આવેલા છે. અમદાવાદ ગુજરાત કેન્સર ઈન્સ્ટીટયુટથી ડોકટર આવેલા છે. એ બધા રાજકોટની જનતા માટે સુપર સ્પેશ્યાલીટી કેમ્પમાં આવેલ છે. આ કેમ્પથી રાજકોટની જનતાને ખુબ મોટો ફાયદો થશે.
ડો.કિશાન મન્સુરીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુ.એન.મહેતા હોસ્પિટલ અમદાવાદથી અમે લોકો રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે જે ઉદ્ઘાટન સમારોહ છે. એ નીમીતે સર્વરોગ નિદાન કેમ્પમાં કાર્ડીયોલોજી, નેફરોલોજી તશ સુપર સ્પેશ્યાલીટીની આજે નિદાન તથા સારવાર માટેનો કેમ્પ યોજવામાં આવ્યો છે. અહીં હૃદયરોગને લગતી બાળકોને લઈને વૃદ્ધો સુધીના તમામ હૃદય રોગના નિદાન તથા સારવારની બધી જ સેવાઓ અહીં ઉપલબ્ધ છે. હૃદય રોગ એ હવે નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવે છે. માટે રેગ્યુલર ટેસ્ટ કરાવવા જોઈએ. કસરત કરવી જોઈએ.
ડો.મિના શાહે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સુપર સ્પેશ્યાલીટીનું ઉદ્ઘાટન છે. તે નીમીતે સર્વરોગ નિદાન કેમ્પ તેમજ સુપર સ્પેશ્યાલીટી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બહેનોમાં બ્રેસ્ટનું કેન્સર તથા બીજા કેન્સર માટે આ કેમ્પમાં આયોજન કરવામાં આવ્યું છે. કેન્સર નામથી જ લોકો ડરતા હોય છે ત્યારે સમય પ્રમાણે તપાસ કરાવી જોઈએ.