સરકારી સેવાઓનો લાભ ઝડપથી નાગરિકોને મળે તે માટે સુશાસન સપ્તાહની ઉજવણી: મંત્રી રૈયાણી
રાજકોટ કલેક્ટર કચેરી ખાતે જિલ્લાકક્ષાના સુશાસન સપ્તાહનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
રાજકોટમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાના સુશાસન સપ્તાહ (25 થી 31 ડિસે.)નો ઉદઘાટન સમારોહ વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા અને વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રી કિરીટસિંહ રાણાએ કહ્યું હતું કે આપણા પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસ નિમીતે વર્ષ 2014 થી સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગામડાં અને શહેરના લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ‘સેવા સેતુ’ના માધ્યમથી 56 જેટલી સરકારી યોજનાઓના લાભો એક જ સ્થળેથી લાભાર્થીઓ પ્રાપ્ત કરે છે. આમ, સુશાસન થકી જનકલ્યાણ માટે સરકાર તત્પર બની છે.
આ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ કહ્યું હતું કે સરકારી સેવાઓનો લાભ ઝડપથી લોકોને મળે તે માટે સુશાસન સપ્તાહ રાજ્ય સરકાર ઉજવી રહી છે. આ સપ્તાહમાં વધુને વધુ લાભાર્થીઓએ લાભ મેળવવો જોઈએ.
આ તકે કલેકટર અરૂણ મહેશ બાબુએ મહેમાનોનું સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કલેકટર કચેરી દ્વારા તૈયાર કરાયેલ “ગુડ ગવર્નન્સ” વિશેના પુસ્તકનું વિમોચન મંત્રીઓએ કર્યું હતું. “સેવા સેતુ” લાભાર્થીઓને આવકના દાખલા સહિતના લાભોથી મંત્રીઓ દ્વારા લાભાન્વિત કરાવાયા હતા.
આ તકે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલા કાર્યોની ટૂંકી ફિલ્મ પણ રજૂ કરાઈ હતી.આ પ્રસંગે સંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય સર્વ ગોવિંદભાઈ પટેલ અને લાખાભાઈ સાગઠીયા, રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન વલ્લભભાઇ કથીરિયા, પોલીસ અધિક્ષક બલરામ મીના, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, ડી.આર.ડી.એ. નિયામક જે.કે. પટેલ, અધિક નિવાસી કલેકટર કેતન ઠક્કર, ડી.સી.એફ. રવિ, પ્રાંત અધિકારી એસ.ગઢવી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સોનલબેન ત્રિવેદીએ કર્યું હતું.