સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રૂ. 30.55 કરોડના ખર્ચે નવનિર્મિત આલિશાન અતિથિગૃહનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ય્યુઅલ લોકાર્પણ
અબતક, અતુલ કોટેચા, વેરાવળ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતવર્ષના આસ્થા કેન્દ્ર ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અને અરબી સમુદ્રના કિનારે રૂ. 30.55 કરોડના ખર્ચે નવનિર્મિત આલિશાન અતિથિગૃહનો વર્ય્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. આ દરમિયાન તેમણે સંબોધન કરતા જણાવ્યું કે, ભગવાન સોમનાથની આરાધાનામાં આપણાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, ભક્તિ પ્રદાનાય કૃપા અવતિરણમ કમ સોમનાથમ પ્રપ્ધ્યેય એટલે ભગવાના સોમનાથની કૃપા અવતિરણ હોય છે. હું આ વિકાસ કાર્યને દાદાની કૃપા માનું છું. થોડા સમય પહેલા અહીં અનેક વિકાસ કામના લોકાર્પણ થયા હતા અને હવે મંદિરની નજીક સર્કિટ હાઉસ બનતા અનેક લોકોને લાભ મળશે.
છેલ્લા ઘણા સમયમાં ભાજપ સરકારે ધાર્મિક સ્થળોનો વિકાસ કરી સાબિત કરી બતાવ્યું છે કે ભારત હવે બાવા સાધુઓનો દેશ રહ્યો નથી. પહેલા ધાર્મિક સ્થળો ધરાવતા શહેરો પણ ગંદકીથી ખદબદતા હતા. પણ હવે આ દિવસો ભૂતકાળ બન્યા છે. ધાર્મિક સ્થળોના વિકાસ કરી સરકારે સાંસ્ક્રુતિક ધરોહરને જાળવવાનું કામ કર્યું છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે જે સંજોગોમાં સોમનાથ મંદિરનો નાશ થયો હતો અને જે સંજોગોમાં સરદાર પટેલના પ્રયાસોથી મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો એ બંને આપણા માટે મોટા સંદેશ છે. આપણે વિશ્વના ઘણા દેશો વિશે સાંભળીએ છીએ કે તેમની અર્થવ્યવસ્થામાં પર્યટનનું યોગદાન કેટલું મોટું છે. આપણી પાસે દરેક રાજ્યમાં, દરેક ક્ષેત્રમાં આવી અનંત શક્યતાઓ છે.
સાંસ્કૃતિક વારસાનો વિકાસનો ઉલ્ળેખ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લાં 7 વર્ષમાં દેશે પર્યટનની ક્ષમતાને સાકાર કરવા માટે સતત કામ કર્યું છે. આજે પ્રવાસન કેન્દ્રોનો આ વિકાસ માત્ર સરકારી યોજનાનો ભાગ નથી, પરંતુ જનભાગીદારીનું અભિયાન છે. દેશના હેરિટેજ સ્થળો, આપણા સાંસ્કૃતિક વારસાનો વિકાસ આનું ઉત્તમ ઉદાહરણ છે. આજે દેશ પર્યટનને સર્વગ્રાહી રીતે જોઈ રહ્યો છે. ઙખ નરેન્દ્ર મોદીએ મહત્ત્વના ચાર પાસાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે આજના સમયમાં પ્રવાસન વધારવા માટે ચાર બાબત જરૂરી છે. પ્રથમ સ્વચ્છતા- અગાઉ આપણાં પ્રવાસન સ્થળો, પવિત્ર યાત્રાધામો પણ અસ્વચ્છ હતાં. આજે સ્વચ્છ ભારત અભિયાને આ ચિત્ર બદલ્યું છે. પ્રવાસન વધારવા માટે સમય એ ત્રીજું મહત્ત્વનું પાસું છે. આજે ટ્વેન્ટી-ટ્વેન્ટીનો યુગ છે. લોકો ઓછામાં ઓછા સમયમાં મહત્તમ જગ્યા આવરી લેવા માગે છે.
ટૂરિઝમ વધારવા માટેની ચોથી બાબતનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે આ ચોથી બાબત આપણી વિચારસરણી છે. આપણી વિચારસરણી નવીન અને આધુનિક હોવી જરૂરી છે, પરંતુ એ જ સમયે આપણને આપણા પ્રાચીન વારસા પર કેટલું ગર્વ છે એ ઘણું મહત્ત્વનું છે. આઝાદી પછી દિલ્હીમાં માત્ર થોડા પરિવારોનું પુન:નિર્માણ થયું, પરંતુ આજે દેશ એ સંકુચિત વિચારસરણીને પાછળ છોડીને ગૌરવની નવી જગ્યાઓ બનાવી રહ્યો છે, તેમને ભવ્યતા આપી રહ્યો છે. દિલ્હીમાં બાબાસાહેબ મેમોરિયલનું નિર્માણ આપણી જ સરકારે કર્યું છે.
અતિથિ ગૃહની વિશેષતા
આ આલિશાન ચાર મંજિલ અતિથિગૃહ કુલ 15000 ટો.મી એરિયામાં ફેલાયેલું છે. જેનો કુલ કાર્પેટ એરિયા 7077 ચોમી છે. અદ્યતન સુવિધા સાથેના આ સરકીટ હાઉસમાં 2 વીવીઆઈપી સ્ટૂય રૂમ, 8 વીવીઆઈપી રૂમ, 8 વીઆઈપી રૂમ 24 ડીલક્ષ રૂમ સાથે કિચન, જનરલ અને વીઆઈપી ડાઈનિંગ, સ્ટોર રૂમ, કોન્ફરન્સ રૂમ અને 200 લોકોને સમાવતો ઓડિટોરિયમ હોલ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ સરકીટ હાઉસ ખાતેથી અરબી સમુદ્ર અને સોમનાથ મંદિર પરિસરનો નજારો માણી શકાશે
આવનાર સમયમાં સોમનાથ ટુરિસ્ટ પોઇન્ટ બની જશે
પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, યાત્રાળુઓને સર્કિટ હાઉસમાંથી સમુદ્ર કિનારો અને સોમનાથ મંદિરના દર્શન પણ થશે. 1 કરોડ શ્રદ્ધાળુઓ સોમનાથ મંદિરમાં શીશ ઝુકાવવા આવે છે અને સાથે ઘણી બધી યાદોને લઈને જતા હોય છે. જેથી આવનાર સમયમાં સોમનાથ ટુરિસ્ટ પોઇન્ટ બની જશે
સોમનાથ મંદિર ટ્રસ્ટે ‘જીવ હી શિવ હૈ’નું સૂત્ર સાર્થક કર્યું
તેમણે જણાવ્યું કે, ‘જીવ હી શિવ હૈ’ સૂત્રને સોમનાથ મંદિર ટ્રસ્ટે સાર્થક કર્યું છે. ગુજરાતની વાત કરવામાં આવે તો દ્વારકા, સોમનાથ, કચ્છ, ધોળાવીરાની અચૂક યાદ આવી જાય છે. આ સાથે વિવિધ ધાર્મિક સ્થળનો પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત તેમણે છેલ્લા 7 વર્ષમાં સરકાર દ્વારા પર્યટન ક્ષેત્રમાં હરળફાળ વિકાસ કરવા બદલ રાજ્ય સરકારને અભિનંદન પણ પાઠવ્યા હતા.