રાજય સરકારે પ્રજાની આશા-અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પૂર્ણ કરી સુશાસનની પ્રતિતિ કરાવી છે: વડોદરામાં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયું વિશાળ સુશાસન ખેડુત સંમેલન
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે રાજય સરકારે ખેડૂતો-ગરીબો-વંચિતો-શોષિતો અને ગામડાંઓના પ્રશ્નો હલ કરી પ્રજાજનોની આશા-અપેક્ષાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરી સુશાસનની પ્રતિતિ કરાવી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજય સરકાર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી, સિંચાઇનું પાણી અને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે પ્રતિબધ્ધ છે. મુખ્ય મંત્રીએ ઉમેર્યું કે ખેડૂતોને સમયસર સિંચાઇનું પાણી મળી રહે તો ખેડૂતોમાં પોતાના બાવળાના બળથી સમગ્ર વિશ્વની ભૂખ ભાગવાની તાકાત ધરાવે છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે ભારત રત્ન સ્વ. અટલજીના જન્મ દિને સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત વિધાનસભાના અધ્ય્ક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી, સહકાર રાજય મંત્રી ઇશ્વસિંહ પટેલ અને નર્મદા રાજય વિકાસ મંત્રી યોગેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં વડોદરા ખાતેથી રાજયમાં કમોસમી વરસાદથી રાજયના ખેડૂતોના પાકને થયેલ નુકસાન સહાય પેકેજનો રાજયવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્ય મંત્રીના ઉપસ્થિતિમાં વડોદરા ખાતે વડોદરા, ભરૂચ, આણંદ, છોટાઉદેપુર અને નર્મદા સહિત પાંચ જિલ્લાઓનના વિશાળ સુશાસન કિસાન સંમેલન યોજાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજયના ખેડૂતોના પાકને થયેલ નુકસાન પેટે રાજય સરકારે સહાય માટે રાજયમાં સૌપ્રથમવાર ઐતિહાસિક એવા રૂા. ૩૭૯૫ કરોડનું પેકેજ જાહેર કર્યું છે. મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ લાભાર્થી ખેડૂતોને કૃષિ સહાય પેકેજ, ફાર્મ મિકેનાઇઝેશન અને ટેકાના ભાવે ડાંગર ખરીદીના લાભોનું પ્રતિકાત્મક વિતરણ કર્યું હતું. મુખ્ય મંત્રીએ વડોદરા જિલ્લાના ચિખોદરા ખાતે નવનિર્મિત જળ શુધ્ધિકરણ પ્લાન્ટનું પણ ઇ-લોન્ચિંગ કર્યું હતું. મુખ્યમંત્રીએ રાજયના ખેડૂતોને રવિ અને ઉનાળુ સીઝનમાં મબલખ પાક ઉત્પાદન મેળવવા આહવાન કર્યું હતું. ગત ચોમાસામાં કુદરતની કૃપા થતાં રાજયમાં સારો વરસાદ થતાં તળાવો-ચેકડેમો પણ ભરાયેલા છે. એટલું જ નહીં જરૂર જણાયે ઉનાળામાં પણ ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી આપવામાં આવશે તેમ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ગુજરાત દરેક ક્ષેત્રમાં સમગ્ર દેશમાં અગ્રેસર છે, ત્યારે રાજયના ખેડૂતો અને ખેતી સમૃધ્ધ થાય તે માટે સરકાર સંકલ્પબધ્ધ છે. રાજયમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું હતું તેનો સવિશેષ ઉલ્લેખ કરતાં મુખ્ય મંત્રીએ જણાવ્યું કે, જગતના તાતના આંસુ લૂછવા રાજય સરકારે રૂા. ૩૭૯૫ કરોડનું ઐતિહાસિક કૃષિ સહાય પેકેજ જાહેર કરી ખેડૂતોને સહાયરૂપ થઇ છે. કૃષિ સહાય પેકેજ હેઠળ રાજયમાં ર૬ લાખ ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવી છે. રાજયના તમામ ખેડૂતોને સહાય પેકેજ નાણાં સીધેસીધા કોઇપણ જાતના વચેટિયાઓ વગર તેમના ખાતામાં જમા કરવામાં આવશે તેમ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આઝાદી બાદ સ્વરાજ મળ્યું પરંતુ સુરાજયની કલ્પના સાકાર થઇ નહોતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સક્ષમ નેતૃત્વમાં સમગ્ર દેશમાં ખેડૂતો-ગરીબો-પીડિતો-વંચિતો અને ગામડાંઓના સર્વ સમાવેશક વિકાસ દ્વારા સુરાજયની અનુભૂતિ થઇ રહી છે. ભૂતકાળમાં શાસકોએ ખેડૂતોના દેવા નાબૂદીના નામે ૫૫ વર્ષમાં માત્ર રૂા. ૫૫ હજાર કરોડની સહાય કરી હતી. જયારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતોના કલ્યાણને કેન્દ્રસ્થાને રાખી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે દેશના ખેડૂતોને રૂા. ૭૫ હજાર કરોડની માતબર સહાય આપવાની મહત્વાકાંક્ષી યોજના બનાવી છે તેમ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું. કોંગ્રેસ માત્ર વોટ બેન્કની રાજનીતિ માટે ખેડૂતોને પાક વીમા અને દેવા નાબૂદીના મુદ્દે ગુમરાહ કરી મગરના આંસુ સારી રહી છે પરંતુ ભૂતકાળમાં કોંગ્રેસના શાસકોએ પાક વીમા મુદ્દે ખેડૂતો ઉપર ગોળી ચલાવી હતી જે ગુજરાતના ખેડૂતો ભૂલ્યાં નથી તેમ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારે ખૂબ જ ટૂંકાગાળામાં દેશની એકતા-અખંડિતતા, સાર્વભૌમત્વને અખંડ રાખવા કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ દૂર કરી છે એટલું જ નહીં ત્રિપલ તલાક, અયોધ્યા રામ મંદિર જેવા વર્ષો જૂના પ્રશ્નોનો પણ ઉકેલ કર્યો છે. મુખ્ય મંત્રીએ આક્રોશ વ્યકત કરતાં જણાવ્યું કે કોંગ્રેસ નાગરિક અધિકાર બીલ અંગે નાગિરકોને ગુમરાહ કરી દેશમાં અશાંતિ ઊભી કરવાના ષડયંત્રો રચી રહી છે, પરંતુ કોંગ્રેસના આ કારસા સફળ થવાના નથી નાગરિક અધિકાર બીલથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના હિન્દુ, શીખ, ઇસાઇ અને બૌધ્ધ ધર્મના લોકોને ભારતમાં નાગરિકતા પ્રાપ્ત થશે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્ય મંત્રીએ જણાવ્યું કે, રાજયના નાગરિકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મુખ્ય મંત્રી અમૃતમ યોજના અને મા વાત્સલ્ય યોજના હેઠળ રૂા. પાંચ લાખનું આરોગ્ય સુરક્ષા કવચ પુરૂં પાડયું છે. મુખ્ય મંત્રીએ રાજયમાં પારદર્શી પ્રશાસન માટે લીધેલી વ્યાપક પગલાંની વિસ્તૃત ભૂમિકા આપી હતી મુખ્ય મંત્રીએ રાજયમાં વર્ષ ૨૦૦૦ પહેલાં કૃષિ ઉત્પાદન માત્ર રૂા. ૪૫૦૦ કરોડ હતું જે આજે વધીને રૂા. ૧,૪૦,૦૦૦/- કરોડે પહોંચ્યું છે તેમ જણાવ્યું હતું. મુખ્ય મંત્રીએ ઉમેર્યું કે રાજય સરકાર ખેડૂતોની કૃષિ પેદાશો ટેકાના ભાવથી ખરીદશે એટલું જ નહીં ઉત્તર ગુજરાતમાં તીડ નિયંત્રણ માટે ખેડૂતોની સાથે ઊભી છે.