નાગરિકો એસ.ઓ.પી.નું પાલન કરે, ભીડભાડ ટાળે: લોકડાઉન-કર્ફ્યુની વાત માત્ર અફવા: ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ યથાવત રહેશે
કોરોનાની મહામારી વચ્ચે રાજ્યમાં કોરોના સંક્રમણ રોકવા સરકાર કટીબદ્ધ છે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું. ઓછામાં ઓછું સંક્રમણ થાય એટલું જ નહિ, સંક્રમિતોને ત્વરિત સઘન સારવાર મળી રહે તે માટે પૂરતા બેડ, તબીબો, દવાઓ-સાધન સામગ્રીની સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. સંક્રમિતો આના પરિણામે જલ્દીથી સ્વસ્થ થઇ પોતાના ઘરે જાય તેવી આપણી નેમ છે, એમ પણ તેમણે કહ્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, લોકોની સ્વાસ્થ્ય સલામતિ એ સરકારની પ્રાયોરિટી-પ્રાથમિકતા છે. વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, રાજ્યમાં ફરી લોકડાઉન આવવાની કે રાત્રિ કરફયુ લાગુ કરવાની વાતો માત્ર અફવા છે. તેમણે કહ્યું કે, જે ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં હાલ જે રાત્રિ કફ્યુ છે તે યથાવત ચાલુ રાખવામાં આવશે.
મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોને આગ્રહપૂર્વક અનુરોધ કર્યો કે, કોરોના સંક્રમણને વ્યાપક થતું અટકવવા સૌ લોકો એસ.ઓ.પી.નું પાલન કરે, ફરજિયાત માસ્કનો ઉપયોગ કરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે, ભીડભાડ ન કરે અને સ્વયં સતર્કતા, સાવચેતી રાખે.
ખોટો ડર કે ગભરાટ રાખવાની પણ કોઇએ જરૂર નથી એમ જણાવતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકાર સંપૂર્ણ સજાગ છે અને પરિસ્થિતી કાબુમાં છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, આમ છતાં જો સંક્રમણનો વ્યાપ વધશે કે સ્થિતી વિકટ થશે તો રાજ્ય સરકાર લોકોની આરોગ્ય-સલામતિ ધ્યાને રાખીને યોગ્ય નિર્ણય કરશે.
મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે, કોરોના સંક્રમણ નિયંત્રણ, સારવાર સુવિધાઓ માટે સરકારે માસ્ટર પ્લાન-એકશન પ્લાન બનાવ્યો છે તે મુજબ કામગીરી કરાઇ રહી છે.
તેમણે કોરોના વેકસીનની વિગતો પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં આપતાં જણાવ્યું કે, આ વેકસીનની થર્ડ હ્યુમન ટ્રાયલ ચાલી રહી છે. ગુજરાતમાં લગભગ એક હજારથી વધુ લોકો પર કામ ચાલે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને કોરોના વેકસીનના વિતરણ અંગે સલાહ સુચનો અને પરામર્શ કર્યા હતા તેની પણ વિગતો મુખ્યમંત્રીએ આપી હતી.
દ્વિતીય સ્ટેજમાં કોરોના વોરિયર્સ એટલે કે સફાઇ કર્મીઓ, રેવન્યુ, પોલીસકર્મીઓ વગેરેને આવરી લેવાશે તેમજ ત્રીજા સ્ટેજમાં પ૦ વર્ષથી વધુની વયના લોકો જેમને કોરોના સંક્રમણની સંભાવના વધુ હોય છે તેમને તથા ચોથા સ્ટેજમાં પ૦ વર્ષથી નીચેના પરંતુ કો-ર્મોબીડ એટલે કે અન્ય બિમારીઓથી પીડિત લોકોને આવરી લેવાશે.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, આ પ્રારંભિક ચર્ચા-વિચારણાઓ છે પરંતુ ભારત સરકારના નિર્ણય અને અગ્રતા અનુસાર દેશભરમાં વેકસીન અંગેની વિતરણ વ્યવસ્થા થશે.