ઉત્તરાખંડ સરકારે હાલ પૂરતું બહારના લોકોને ખેતીલાયક જમીન અને બાગાયત જમીન ખરીદવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઉત્તરાખંડ સરકારે મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી દ્વારા રચાયેલી પાંચ સભ્યોની સમિતિ નવા જમીન કાયદા અંગેનો અંતિમ અહેવાલ રજૂ ન કરે ત્યાં સુધી અન્ય રાજ્યોના લોકો દ્વારા કૃષિ અને બાગાયતી જમીન ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે.
પાંચ સભ્યોની પેનલનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી પ્રતિબંધની અમલવારી: અહેવાલ બાદ નવો નિર્ણય લેવાશે
અધિક મુખ્ય સચિવ રાધા રાતુરીની આગેવાની હેઠળ પાંચ સભ્યોના બોર્ડને 2022 માં ભૂતપૂર્વ મુખ્ય સચિવ સુભાષ કુમારની આગેવાની હેઠળની સમિતિ દ્વારા રજૂ કરાયેલ ડ્રાફ્ટની સમીક્ષા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું જેણે કુલ 23 ભલામણો કરી હતી. પેનલના અન્ય સભ્યોમાં મુખ્ય સચિવ (કાનૂની), સચિવ મહેસૂલ, સેક્રેટરી જનરલ એડમિનિસ્ટ્રેશન અને મુખ્ય પ્રધાનના અધિક સચિવ જગદીશ કંદપાલનો સમાવેશ થાય છે.
રવિવારની મોડી રાતની બેઠકમાં મુખ્યમંત્રીએ પેનલને રાજ્યના વિવિધ ભાગોમાં લોકો સાથે વાતચીત કરવા અને તેનો અંતિમ ડ્રાફ્ટ રજૂ કરતા પહેલા વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો પાસેથી સૂચનો લેવા સૂચના આપી હતી. આગળના આદેશો સુધી ડીસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટને કૃષિ અને બાગાયતી હેતુઓ માટે જમીન ખરીદવા માટે “બહારના લોકોને” પરવાનગી આપવાના કોઈપણ પ્રસ્તાવને મંજૂરી ન આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ગયા વર્ષે મે મહિનામાં રાજ્ય સરકારે ઉત્તરાખંડમાં જમીન ખરીદનારા લોકોની ચકાસણી કરવાનો આદેશ આપ્યો હતો. ધામીએ સોમવારે કહ્યું હતું કે, બધા નિર્ણયો રાજ્યના હિતમાં લેવામાં આવી રહ્યા છે.
સરકાર ઉત્તરાખંડની જનતાની ભાવનાઓ અનુસાર સતત કામ કરશે. 2003 માં તત્કાલિન મુખ્ય પ્રધાન એનડી તિવારીએ એક સુધારો રજૂ કર્યો હતો જેમાં “બહારના લોકોને” પહાડી વિસ્તારોમાં જમીન ખરીદવાની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ માત્ર 500 ચો.મી. સુધીની જ મંજૂરી આપવામાં આવી હતી. પહાડી જિલ્લાઓમાં મોટા પ્લોટના વેચાણ અને ખરીદીને રોકવા માટે બીસી ખંડુરીની આગેવાની હેઠળની ભાજપ સરકાર દ્વારા મર્યાદાને વધુ ઘટાડીને 250 ચો.મી. કરવામાં આવી હતી. યુપી જમીનદારી નાબૂદી અને જમીન સુધારણા અધિનિયમ, 1950 ની કલમ 154 માં 2004 માં કરાયેલા સુધારા મુજબ જે વ્યક્તિઓ 12 સપ્ટેમ્બર, 2003 પહેલા ઉત્તરાખંડમાં સ્થાવર મિલકતના ધારક ન હતા, તેમને પરવાનગી પછી ખેતી અને બાગાયત માટે જમીન ખરીદવાની મંજૂરી આપવામાં આવી હતી.