આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ એ ભારતની મૂળભૂત અને પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે. જેનો મુખ્ય હેતુ ઔષધિઓ અને પ્રાકૃતિક વસ્તુઓથી લોકોને સ્વસ્થ રાખવા અને બીમાર પડે તો તેની સારવાર કરવાનો છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ મુજબ દિનચર્યા અને ઋતુચર્યાના સિદ્ધાંતોનું પાલન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ઋતુજન્ય તથા જીવન શૈલીજન્ય રોગો સામે રક્ષણ મળે છે. આયુર્વેદ એ ધન્વંતરી જેવા અનેક ઋષિમુનીઓ અને વૈજ્ઞાનિકોના સંશોધન અને અનુભવથી રચાયેલી ચિકિત્સા પદ્ધતિ છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેજા હેઠળ રાજ્ય સરકાર આયુર્વેદ ચિકિત્સાને જન-જન સુધી પહોંચાડવા પ્રતિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે ’આયુષ’નો અર્થ એ-આયુર્વેદ, વાય-યોગ, યુ-યુનાની, એસ-સિદ્ધા, એચ-હોમીયોપેથી થાય છે.
રાજકોટ હોસ્પિટલમાં સાત મહિનામાં 29 હજારથી વધુ દર્દીઓને અપાય સારવાર
રાજકોટની સરકારી આયુર્વેદ હોસ્પિટલના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. સુનિલ હાપલિયા જણાવે છે કે સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં આમવાત, સંધિવાત, કરોડરજ્જુના મણકા, થાપના સાંધાનો ઘસારો, સોરીયાસીસ, ખરજવું, ધાધર, ખરતા વાળ, ગેસ, એસીડીટી, કબજિયાત, માથાનો દુ:ખાવો, વિવિધ એલર્જી સહિતની બીમારીઓ તેમજ સ્ત્રી રોગો તથા બાળ રોગોની તેમજ દર્દીની જરૂરિયાત મુજબ પંચકર્મ સારવાર આપવામાં આવે છે. વર્ષ 2022-’23 દરમિયાન 40,762 દર્દીઓએ તેમજ એપ્રિલથી ઓક્ટોબર, 2023 સુધી 29,257 દર્દીઓએ આયુર્વેદ સારવારનો લાભ મેળવ્યો હતો.
વેલનેસ સેન્ટરમાં દરરોજ સવારે અંદાજે 100થી વધુ લોકો જોડાય છે. તેમજ અહીં ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવા લાઈફસ્ટાઈલ ડિસઓર્ડરમાં દર્દીઓને તપાસી યોગ ચિકિત્સાથી સારવાર આપવામાં આવે છે.
રાજકોટ જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. ભાનુભાઈ મેતાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં આયુષ મેળા, આયુર્વેદ જાગૃતિ કાર્યક્રમો, આયુર્વેદિક દવાઓનો પ્રચાર, ઉકાળા વિતરણ કેમ્પ સહીત જન આરોગ્ય અર્થે વિવિધ કામગીરી સુપેરે કરાઈ રહી છે. એપ્રિલથી સપ્ટેમ્બર માસ દરમિયાન 98,648 ઓ.પી.ડી., 10,175 સંસમની વટી, 5357 આર્સેનિક આલ્બ તથા 1,53,467 લોકોએ અમૃતપેય ઉકાળા વિતરણનો લાભ લીધો હતો. તેમજ 103 નિદાન કેમ્પમાં 6128, 549 હેલ્થ અવેરનેસ કેમ્પમાં 8993, 782 યોગ શિબિરમાં 18,582 લોકો જોડાયા હતા. 416 જેટલી આંગણવાડીઓ તથા 212 શાળાઓની મુલાકાત દરમિયાન અનુક્રમે 5431 તથા 14,269 બાળકોની આરોગ્ય તપાસણી કરી નિદાન-સારવારની સેવા અપાઈ હતી.