જામદાદરમાં શાળા-ભવન અને ચાવંડીમાં આરોગ્ય ભવનનું ખાતમૂર્હુત કરતા મંત્રી રાદડીયા
જામકંડોરણા તાલુકાના જામદાદર તેમજ ચાવંડી ગામ ખાતે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં જામદાદર ખાતે પ્રાથમિક શાળાનું ૨૫ લાખના ખર્ચે નિર્માણ થનાર છે તે પ્રાથમિક શાળા ભવનનું અને ચાવંડી ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય ભવનનું ખાતમુહૂર્ત કરતા મંત્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય અને પ્રાથમિક શિક્ષણની પર્યાપ્ત સુવિધાઓ પુરી પાડવા માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે.
તેમજ લોકોની સુખાકારીની રાજય સરકાર ચિંતા કરી રહી છે. છેલ્લા દસમાં રાજય સરકારે છેવાડાના માનવી સુધી પ્રાથમિક સુવિધાઓનો લાભ પહોંચાડી પારદર્શક વહિવટની પ્રતિતિ કરાવી છે ત્યારે વિકાસના કામોમાં લોકોને સહયોગી, સહભાગી બનવા મંત્રી જયેશભાઈ રાદડિયાએ ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જામદાદરમાં પ્રાથમિક શિક્ષણ માટેના શાળા ભવનનું રૂપિયા ૨૫ લાખના ખર્ચે નિર્માણ થશે. જયારે ૧૭ લાખના ખર્ચે ચાવંડી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય ભવનનું નિર્માણ થશે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિપાલસિંહ જાડેજા જામકંડોરણા તાલુકાનો જે વિકાસ થયો છે તે ઉડીને આંખે વળગે એવો છે તેમ જણાવતા મંત્રી જયેશભાઈ રાદડિયાને સત્કારેલ હતા. આ ઉપરાંત અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયાએ તાલુકાના અન્ય ગામોની મુલાકાત લઈને લોકપ્રશ્ર્નોની વિગતો મેળવી હતી.