કાર્પેટ એરિયામાં કારખાનાઓ માટેનો ભારાંક ૨.૫૦ થી ઘટાડી ૧.૭૫ કરાયો
ચાલુ નાણાકીય વર્ષથી કોર્પોરેશનની ટેકસ બ્રાંચ દ્વારા મિલકત વેરાની આકારણીમાં કાર્પેટ એરિયા આધારીત પઘ્ધતિની અમલવારી કરવામાં આવી છે. જેમાં કારખાનાઓ અને ઔધોગિક એકમો માટેનો ભારાંક અતિશય હોય ઉધોગકારોની માંગણીને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા ભારાંકમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આજે રાજય સરકાર દ્વારા આ દરખાસ્તને સતાવાર રીતે મંજુરી આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે જેનાથી મહાપાલિકાના ૨૦ કરોડ રૂપિયા છુટા થશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કાર્પેટ એરીયા આધારીત વેરા પઘ્ધતિમાં કારખાનાઓ માટેનો ભારાંક ૨.૫૦ રાખવામાં આવ્યો હતો. દરમિયાન શહેરના અલગ-અલગ ઔધોગિક એસોસીએશનો દ્વારા કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. યોગ્ય રજુઆતને ધ્યાનમાં રાખી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કારખાનાઓ માટે વેરાનો ભારાંક ૨.૫૦ થી ઘટાડી ૧.૭૫ કરવામાં આવ્યો હતો. જનરલ બોર્ડમાં પણ આ દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી ત્યારબાદ આખરી મંજુરી માટે રાજય સરકાર સમક્ષ મોકલવામાં આવી હતી.
આજે રાજય સરકાર દ્વારા આ દરખાસ્તને વિધિવત રીતે બહાલી આપવામાં આવી છે. શહેરમાં અંદાજે ૧૩ હજારથી વધુ કારખાનાઓ આવેલા છે જેની પાસેથી દર વર્ષે વેરા પેટે મહાપાલિકાને આશરે ૧૮ થી ૨૦ કરોડ રૂપિયાની આવક થવા પામી છે. વેરા ઘટાડવાની દરખાસ્તને મંજુરી મળતા મહાપાલિકાના ૨૦ કરોડ રૂપિયા છુટા થશે. હાલ વેરામાં ૯ કરોડ રૂપિયાની ખાધ ચાલી રહી છે જે આગામી દિવસોમાં સરભર થઈ જવાની સંભાવના જણાઈ રહી છે.