ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજા, મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ તથા મીડિયા ઈન્ચાર્જ પ્રશાંતભાઈ વાળાએ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પત્રકાર પરિષદ સંબોધેલી હતી. આ ઓનલાઈન પત્રકાર પરિષદ ની શરુઆતમાં વીડિયો કોનફ્રન્સ માધ્યમ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવક્તા પાર્ટીના મીડિયા ઈન્ચાર્જ રાજુભાઈ ધ્રુવે પત્રકાર મિત્રો-મહાનુભાવોનું શાબ્દીક સ્વાગત કરી અભિવાદન કર્યું હતું.શ્રી ધ્રુવે સ્વાગત પ્રવચન માં જણાવ્યું હતું કે કોરોના મહામારી થી દેશ ને બચાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ લીધેલા યુદ્ધના ધોરણે લોકડાઉન ના નિર્ણય ના કારણે ભારત વિશ્વ ના વિકસિત દેશો ની સરખામણીએ કોરોના મહામારી ને અંકુશમાં રાખી શક્યું છે. ગુજરાત માં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં કોરોના મહામારી ની સામે જોરદાર લડત આપી છે. લોકડાઉન દરમિયાન અનેક પ્રજાહિત લક્ષી પગલાંઓ તત્કાળ લઇ રાજ્ય ની પ્રજા ને હૂંફ અને સુરક્ષા આપી છે. કેન્દ્ર અને રાજ્યે અર્થતંત્ર મજબુત થાય ,સ્વરોજગારી આત્મનિર્ભરતા અને વિકાસ માટે અભૂતપૂર્વ પેકેજ જાહેર કર્યા છે.
રાજુભાઈ ધ્રુવ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છનાં પત્રકારોનું સંકલન કરી યોજવામાં આવેલી આ વીડિયો કોન્ફરન્સમાં જોડાયેલા વિવિધ ક્ષેત્રો-વિસ્તારોનાં પત્રકારોને સંબોધતા શબ્દશરણ બ્રહ્મભટ્ટે જણાવેલ કે રાજ્ય અને કેન્દ્રની સરકાર દ્વારા કોરોનાની મહામારી સામે મજબૂતાઈથી પગલા લેવામાં આવી રહ્યા છે. કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારે છેલ્લી ચૂંટણી પછી પ્રથમ વર્ષ અને કુલ ૬ વર્ષ પુરા કરેલ છે. સરકારનું છઠ્ઠુ વર્ષ ખૂબ મહત્વનું રહ્યુ છે. મોદી અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં કલમ ૩૭૦ નાબુદ કરવામાં આવી. રાષ્ટ્ર પરનું વર્ષો જૂનુ કલંક ભૂંસાયુ. સીએએ કાયદો અમલમાં આવ્યો. ત્રિપલ તલાકનો કાયદો પણ આ વર્ષમાં આવ્યો. રામ મંદિર નિર્માણનો ચૂકાદો આ વર્ષમાં આવ્યો છે. આમ છઠ્ઠુ વર્ષ દેશ માટે અને સરકાર માટે ખૂબ મહત્વનું રહ્યું.
આ તકે આઈ.કે. જાડેજાએ જણાવેલ કે કોરોનાની મહામારીમાં સરકાર અને જનતા સાથે મળીને લડે છે. જનજાગૃતિમાં મીડિયાનો ફાળો મહત્વનો રહ્યો છે. રાજ્યમાં વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલની આગેવાની હેઠળની સરકારે લોકોને મદદરૂપ બનવા અનેક પ્રયાસો કર્યા છે અને યોજનાઓ આપી છે. અર્થતંત્ર માટે પેકેજ આપ્યું. ટેકાના ભાવે સરકારે ખેત ઉપજોની ખરીદી કરી. વિજબીલમાં રાહતની વ્યવસ્થા કરી. ખેડૂતોનું વ્યાજ સરકારે ભોગવ્યુ અને ધિરાણ પરત કરવાની મુદત ૩૧ ઓગષ્ટ સુધી લંબાવી. નાના વાહનોને ૬ માસ માટે રોડ ટેકસમાંથી માફી આપી. એ જ રીતે કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શાસનનું છઠ્ઠુ વર્ષ પણ વિકાસનું વર્ષ રહ્યુ છે. આત્મનિર્ભર ભારત માટે કેન્દ્રએ ૨૦ લાખ કરોડનું પેકેજ આપ્યુ છે. ટેકાના ભાવ વધાર્યા છે. ભાજપ રાજ્યના પ્રત્યેક બુથમાં કાર્યકરોનું વોટસએપ ગ્રુપ બનાવશે. આગામી દિવસોમાં કેન્દ્રીય મંત્રીઓ નીતિન ગડકરી, પ્રકાશ જાવડેકર અને ધર્મેન્દ્ર પ્રધાન રાજ્યમાં ઝોનવાઈઝ વર્ચયુલ રેલી સંબોધશે. સૌરાષ્ટ્ર વિભાગની રેલીને તા. ૧૧મીએ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર સંબોધન કરશે. યુવા મોરચા અને વિવિધ મોરચા દ્વારા વિડીયો કોન્ફરન્સથી સંમેલનો થશે. દરેક સાંસદ પોતાના મત વિસ્તારમાં બે તથા ધારાસભ્ય એક-એક સંમેલન આ પદ્ધતિથી કરશે. તા. ૧૫ થી ૨૮ વચ્ચે તમામ કાર્યકરો તમામ બુથમાં બબ્બેની સંખ્યામાં જઈ પત્રિકા વિતરણ કરશે. જેમાં કેન્દ્ર સરકારની છેલ્લા એક વર્ષની કામગીરીની ઝલક અપાશે.
કોંગી ધારાસભ્યોના રાજીનામા અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવેલ કે અમે પહેલેથી જ કહીએ છીએ કે અમે રાજ્યસભાની ત્રણેય બેઠકો જીતશું. ભાજપે કોઈ ધારાસભ્યને ખરીદયા નથી. રાજીનામુ આપીને તેઓ ભાજપમાં આવ્યા નથી. કોઈ ધારાસભ્યને રાજીનામુ આપવુ હોય તો કોઈ રોકી શકે નહિં એવું જણાવેલ.